અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી એક્સયુવી ગાડીને રોકીને હળવદ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. ત્યારે ગાડીમાં જઈ રહેલા શખ્સ પાસેથી એક પિસ્ટલ અને બે મેગેઝીન તથા 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ સીસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેની ચેકપોસ્ટ પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ચેકપોસ્ટ ઉપરથી મળેલ બાતમી મુજબની મહિન્દ્રા એક્સયુવી 700 ગાડી નંબર જીજે 27 ઇસી 9789 પસાર થઈ રહી હતી. ત્યારે તે ગાડીને રોકીને ગાડીમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો અને ત્યારે આ શખ્સ પાસેથી એક મેગેઝીન સાથેની પિસ્ટન તથા અન્ય એક મેગેઝીન તેમજ 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી (ઉ.42) રહે. એ-303 શ્રીનાથ રેસીડેન્સી આકૃતિ ટાઉનશીપ નજીક નારોલ અમદાવાદ મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે. તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.