અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબામાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર આધારિત છે. જેના વિમોચન પ્રસંગે બહાળી સંખ્યામાં સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. એમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં લેખક નિકિતા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પુસ્તક અંગે જણાવતાં નિકિતા શાહે કહ્યું, “અવર સ્ટોરીઝ વી લીવ” પુસ્તકમાં મારા પોતાના જીવનના અનુભવોનું પ્રતિબિંબ છે. તે એક રીમાઇન્ડર છે કે આપણી વાર્તાઓ – સંઘર્ષ અને વિજય બંને – આપણે કોણ છીએ તેને આકાર આપે છે. હું આશા રાખું છું કે, આ પુસ્તક દ્વારા વાચકોને તેમની પોતાની વાર્તાઓને સ્વીકારવાની અને તેમની પાસે રહેલી શક્તિને ઓળખવાની હિંમત મેળશે.” મેન્ટલ હેલ્થ, ઈમોશનલ વેલ- બીઇંગ અને ક્રિએટિવ સેલ્ફ- એક્સપ્રેશન અંગેના નિકિતાના વિચારો જાણીને ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની વાતચીતમાં હીલિંગ, સ્થિતિસ્થાપકતા અને પર્સનલ ગ્રોથ થકી સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રદ્ધા આહુજા રામાણીએ પુસ્તક અને નિકિતાની લેખક તરીકેની સફરની પ્રશંસા કરતા કહ્યું, “આ પુસ્તક જીવનના પડકારો અને વિજયોની ઉજવણી છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પોતાની વાર્તાઓ દ્વારા, આપણે કનેક્શન, હીલિંગ અને સ્ટ્રેન્થ મેળવીએ છીએ. અમદાવાદ બુક ક્લબ નિકિતા શાહ જેવા લેખકોને ટેકો આપવા માટે ગર્વ અનુભવે છે.” આ કાર્યક્રમમાં પુસ્તક અને સાહિત્ય અંગે ઘણી પ્રશ્નોત્તરી પણ થઈ. ઉપરાંત ઉપસ્થિત સૌ કોઈને નિકિતા શાહનું આ પુસ્તક પણ આપવામાં આવ્યું હતું.