રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ “ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રીલીઝ પહેલા, આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી નીકળતા સમયે રામ ચરણના બે ફેન્સનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ફિલ્મ ‘ગેમ ચેન્જર’ના મુખ્ય એક્ટર રામ ચરણ અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ પણ રાજમુન્દ્રીમાં આયોજિત પ્રી-રિલિઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી. અહેવાલ મુજબ, રામ ચરણના બે ફેન્સ, અર્વા મણિકાંત (23) અને થોકદા ચરણ (22) કાર્યક્રમમાં સામેલ થયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ બંને બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે લગભગ 9.30 વાગ્યાના અરસામાં તેઓને એક સ્પીડમાં આવતી વેને ટક્કર મારી હતી. બંનેને તાત્કાલિક નજીકની પેદ્દાપુરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. બંને ચાહકો કાકીનાડા જિલ્લાના રહેવાસી હતા. રામ ચરણ, પવન કલ્યાણ અને દિલ રાજુએ મૃતકોના પરિવારોને આર્થિક મદદ કરી હતી
અકસ્માત બાદ ફિલ્મના મુખ્ય એક્ટર રામ ચરણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત પવન કલ્યાણે પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું છે. અકસ્માત બાદ ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની ટીમે કહ્યું છે કે ફિલ્મના નિર્માતા મૃતકોને આર્થિક મદદ પણ કરશે. પોસ્ટમાં લખ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં મણિકાંત અને થોકદા ચરણના પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના. ગેમ ચેન્જર પ્રોડ્યુસર દિલ રાજુ ભાઈએ ગેમ ચેન્જર ઈવેન્ટ બાદ અકસ્માતમાં જીવ ગુમાવનારા બે લોકોના પરિવારને મદદ કરવા રૂ. 10 લાખની આર્થિક સહાયનું વચન આપ્યું છે. દુર્ઘટના બાદ પવન કલ્યાણે અગાઉની સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે રસ્તાઓની ખરાબ હાલતને કારણે દેશના યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. એક્ટરે આરોપ લગાવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને નાની-મોટી સમારકામ પણ કરવામાં આવી નથી. એસ. શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરીએ સંક્રાંતિના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રામ ચરણ, કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ફિલ્મ 5 કરોડના મેગા બજેટમાં બની છે.