સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં નલ સે જલ યોજનાની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. તો નવીન બોર અને પમ્પીંગ સ્ટેશનની સૈધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હિંમતનગરમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં ડૉ.રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના લોકોને પુરતુ પીવાનું પાણી મળી રહે તે માટે હર ઘર નલ સે જલ યોજનાની કામગીરીની સમીક્ષા કરતા કલેકટર દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે, પાણીની સમસ્યા ઊભી થતી હોય તેવા કામો પ્રગતિમાં હોય તો તે ઝડપથી પૂર્ણ કરવા. તેમજ આ યોજના અંતર્ગત જિલ્લાવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે જે વિસ્તારોમાં કનેક્શન આપવામાં આવ્યા છે. તે વિસ્તારોમાં પાણી પહોંચે છે કે કેમ તે જોવા જણાવ્યું હતું. આ બેઠકમાં આદિજાતિ તાલુકામાં પેયજળ યોજનાની મરામત કરવા માટેના ટેન્ડરને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. આ સાથે બેઠકમાં ઇડરના શિણોલ (માનગઢ), પ્રાંતિજના સોનાસણ, ઓરાણ, વડાલીના માલપુર ખાતે લગભગ 4.82 લાખના ખર્ચે નવીન બોર પર પમ્પીંગ મશીનરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.