ભુજથી અંજાર તરફ જતા ટ્રેલર નંબર GJ12 BZ 2969 વાળાના ચાલક કાસમ જુશબ કુંભાર જ્યારે અંજાર પહોંચ્યા ત્યારે ટ્રાફિક પોલીસે અટકાવી ગફળતભરી રીતે વાહન ચલાવવા સબબ વાહન ડિટેન કરી રૂ.15 હજારનો મેમો આપી દીધો હતો. જોકે આ મામલે ટ્રેલર ચાલકે વિના વાંકે વાહન ડિટેન કરવા બદલ કર્મચારીને પૂછતાં તેમણે રતનાલ ગામના જુના બાયપાસ માર્ગે સામે આવેલી કારમાં પીઆઇ સવાર હતા અને તેમની કાર ઉપર વાહન ચડાવવા બદલ આ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળતા નારાજ ટ્રકના ચાલક અને માલિકે કચ્છ કલેકટર, આઈજી અને એસપી કચેરીએ લેખિત અરજી દ્વારા પોતાની ફરિયાદ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ રત્નાલ ગામના બાયપાસ માર્ગે અંજાર તરફથી રોંગ સાઈડમાં આવતી ખાનગી કાર જોઈ વાહન ઉભું રાખી દીધું હતું, ત્યારબાદ અંજાર પહોંચતા રાહ જોતી અંજાર ટ્રાફિક પોલીસે વાહનને અટકાવી ડિટેઇન કરી લીધું હતું. વાહનને આરટીઓ કચેરીમાં રૂ. 15 હજાર ભરી છોડાવવું પડ્યું હતું. ગત તા. 5ના રોજ બનેલી આ ઘટનામાં ખાનગી કારમાં સવાર પીઆઈએ મારા ટ્રેલર નંબર અંજાર ટ્રાફિક પોલીસને આપી કાર્યવાહી કરવાની સૂચના આપતા ખોટી રીતે વાહન ડિટેઇન કરાયું હોવાની ફરિયાદ અરજીમાં કરાઈ છે. વધુમાં આ મામલે તે સમયે અંજાર ટ્રાફિકના ફરજ કર્મીનો મોબાઈલ ફોન ડિટેઇલ્સ તપાસી યોગ્ય કાર્યવાહી થવા સાથે ન્યાય મળવા માગ કરી છે.