ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલી સફારી હોટેલમાં ધુમાડા નીકળતા હોવાની બાબતને લઈને કહેવા ગયેલા બે વ્યક્તિઓ સાથે ત્રણ જેટલા ઈસમો દ્વાર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. છુટા હાથની મારામારી તથા તલવાર વડે હુમલો કરતાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે સમગ્ર બનાવને લઇને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ચાર માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધાવા પામી છે. આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના ગોન્દ્રા સર્કલ પાસે રહેતા ઉસ્માન યુસુફ ગોદડએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પોતાની પોલીસ ફરિયાદ જણાવ્યું હતું કે ગત તા 6 જાન્યુઆરીના રોજ મોડીરાત્રે તેઓનાં ઘર પાસે આવેલી સફારી હોટેલ પર ધુમાડા બાબતે પોતાના સાળીના છોકરી લતિફાને લઇને કહેવા ગયા હતા. ત્યારે સઈદ અહેમદ રશીદભાઈ ઉર્ફે ઠાઠા, શેહબાઝ સઈદ રશીદ ભાઇ ઉર્ફે ઠાઠા અને શાહનવાઝ સઈદ રશિદભાઈ ઉર્ફે ઠાઠા નામના ઈસમો આવેશમાં આવીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી ઉસ્માન યુસુફ ગોદડએ અપશબ્દો બોલવાની ના પાડતાં શેહબાઝ સઈદ રશીદ ભાઇ ઉર્ફે ઠાઠાએ લતિફાને મોઢાના ભાગે ઝારો મારી દીધો હતો. જેથી ઉસ્માન યુસુફ ગોદડએ લતિફાને કેમ મારે છે, તેમ કહેતા સઈદ અહેમદ રશીદભાઈ ઉર્ફે ઠાઠા નામનો ઇસમ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેઓની હોટલમાંથી તલવાર લઈ આવીને ઉસ્માન યુસુફ ગોદડને મારવા જતાં તેઓએ હાથ ઊંચો કરી દેતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજીવાર તલવાર મારતા ઉસ્માન યુસુફ ગોદડને માથાના ભાગે મારીને ઈજાઓ પહોંચાડી હતી.અને શેહબાઝ સઈદ રશીદ ભાઇ ઉર્ફે ઠાઠા અને શાહનવાઝ સઈદ રશિદભાઈ ઉર્ફે ઠાઠા નામના ઈસમો લાકડાના દંડા વડે માર મારતાં હોવાથી ઉસ્માન યુસુફ ગોદડએ બુમાબુમ કરતા તેઓના જમાઈ કાસિમ બશીર શેખ બચાવવા માટે આવતા તેઓને પણ સઈદ અહેમદ રશીદભાઈ ઉર્ફે ઠાઠા નામના ઈસમે હોટલમાંથી પાઇપ લાવીને માથાના ભાગે મારી દીધી હતી. જ્યારે કાસિમ અહેમદ રશિદભાઈ નામના ઈસમે કાસિમ બશીર શેખને પાઇપ વડે માર મારવા લાગ્યો હતો.જ્યારે શેહબાઝ સઈદ રશીદ ભાઇ ઉર્ફે ઠાઠા અને શાહનવાઝ સઈદ રશિદભાઈ ઉર્ફે ઠાઠાએ દંડા વડે માર માર્યો હતો. સમગ્ર મારામારી દરમ્યાન આસપાસના લોકો દોડી આવતા તમામને વધુ મારથી બચાવ્યા હતા.જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ હતી હાલતો ઉસ્માન યુસુફ ગોદડએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ચારેય માથાભારે ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે જ્યારે આરોપીઓને પકડવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.