રાજકોટમાં ત્રણ CAએ પોતાની જ કંપનીના માલિકને કોલસાના ધંધામાં કમાણીની લાલચ આપી ડોક્યુમેન્ટ્સ મેળવી બેંક લોન લઈ લીધી હતી. વેપારીની ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોલસાના ધંધામાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને કંપનીમાં શેરમાં રોકાણ તથા મિલકત જામીનગીરીથી લઈને વેપારી પાસેથી દસ્તાવેજો મેળવ્યા હતા અને તેના નામે 64 કરોડની લોન લઇ લીધી હતી. ત્યાર બાદ લોનની ચુકવણી ન કરતાં બેંક દ્વારા વેપારી પાસેથી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. એ મામલે વેપારીની મિલકત સીઝ કરતાં આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદીએ EOWમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બે લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક ફરારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. EOWએ બે ભેજાબાજની ધરપકડ કરી
જય ચોટલિયા અને મિતેશ સંઘવીએ રાજકોટના વેપારીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બેંકને ચૂનો લગાવ્યો હતો. આરોપીઓએ રાજકોટના વેપારી કેશુભાઈ બોદરને 2022-2023માં ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોલસાના ધંધામાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને કંપનીમાં શેરમાં રોકાણ તથા મિલકત જામીનગીરીથી લઈને વેપારી પાસેથી દસ્તાવેજો મેળવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ કાલુપુર કમર્શિયલ કો.ઓ.બેંકમાં વેપારીના ડીડ ઓફ ગેરન્ટી તથા કે.વાય.સી. દસ્તાવેજો અને નોમિનલ સભાસદની હાજરીમાં વેપારીની ખોટી સહીઓ કરીને ધિરાણમાં જામીનદાર બનાવીને રૂ 64 કરોડની લોન લીધી હતી. આ લોનની ચુકવણી બેંકમાં નહિ કરતાં બેન્ક દ્વારા વેપારી પાસેથી ઉઘરાણી શરૂ કરતાં આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. વેપારીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ધિરાણમાં જામીનદાર બનાવીને 64 કરોડની લોન લીધી
EOWની તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ જય ચોટલિયા, મિતેશ સંઘવી અને વોન્ટેડ આરોપી મનીષ ડાંગી CA છે. તેઓ ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વર્કિંગ ડિરેક્ટરો છે. રાજકોટમાં વેપારીના CA તરીકે આરોપી જય ચોટલિયા કામ કરતો હતો, જેથી તેમના સંપર્કમાં હતો. જય ચોટલિયાએ પોતાના બે મિત્રો મિતેશ અને મનીષ સાથે મળીને આ કંપની શરૂ કરી હતી, જે કોલસાનો બિઝનેસ કરતી હતી. વેપારીને પણ રોકાણની લાલચ આપીને દસ્તાવેજો મેળવીને ધિરાણમાં જામીનદાર બનાવીને 64 કરોડની લોન લીધી, જેમાં 52 કરોડની લોન નહિ ચૂકવતાં બેંકે વેપારીની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી વેપારીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. વોન્ટેડ આરોપી મનીષ ડાંગીને પકડવા શોધખોળ શરૂ
EOWએ ઠગાઈ કેસમાં આરોપી જય ચોટલિયાની ધરપકડ કરીને કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે મિતેશ સંઘવીના રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ ઠગાઈ કેસમાં બેંકના કર્મચારીઓની સંડોવણી છે કે નહીં અને આરોપીઓએ 64 કરોડની ધિરાણનું શું કર્યું છે તેમજ અન્ય કેટલા રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે એ મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વોન્ટેડ આરોપી મનીષ ડાંગીને પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.