આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે પણ સાથે સાથે માછીમારી પણ બીજો મોટો ધંધો છે. ખાસ ગુજરાતમાં 1600 કિમી વિશાળ દરીયા કીનારો હોવાના લીધે ગુજરાતના દરિયા કિનારાના લોકો માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માછીમારીમાં મજૂરી કરનાર લોકો માછીમારી કરવા માટે બોટમાં ઓખા, પોરબંદર, વેરાવળ અને ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરે બોટમાં ખલાસી તરીકે બંધાય છે. જીવના જોખમે દરિયો ખેડનાર આ ખલાસી અને ટંડેલ દરિયામાં દૂર સુધી જઈને લાખો રૂપિયાની માછલી પકડી લાવે છે અને વધુ માછલી પકડવાની લાલચે અને ક્યારેક ભૂલથી દૂર સુધી દરિયાની પાકીસ્તાન સીમામાં પહોંચી જાય છે અને ત્યાં પાકીસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા આપણા માછીમારોને બોટ સાથે પકડીને કેદી બનાવી પાકીસ્તાનની જેલમાં રાખવામાં આવે છે. પાકીસ્તાનની જેલમાં કેદ માછીમારોને સમયસર જમવાનું પણ મળતું ન હોવાના અને બીમાર પડતાં યોગ્ય સારવાર ન મળતી હોવાના અનેક કિસ્સામાં આપવીતી વર્ણવી છે. ઉના તાલુકાના ગામડાના માછીમારો 4 વર્ષથી પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે. છતાં સરકાર એ અંગે કોઈ પગલાં લેતી નથી. ઉના તાલુકાના નવાબંદર ગામમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. અહીં નાના-મોટા સૌ કોઈ માછીમારી કરીને ગુજરાન ચલાવે છે. અહીંના પરિવારના પાકીસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારની આપવીતી બહુ કપરી છે. 4-5 મહિને વોટ્સએપના માધ્યમથી પરિવારના સભ્યના મોબાઈલમાં પાકીસ્તાન નંબરથી ચીઠ્ઠી આવે છે. જેમાં પાકિસ્તાન જેલમાંથી સરકાર જલ્દી છોડાવે તેવી માગ હોય છે. એ ઉપરથી અંદાજ લગાવી શકાય કે ત્યાં શું હાલત હશે. અહીં પાકીસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારો આતુરતાથી તેમના પરિવારના સભ્યોની રાહ જોઈ રહ્યા છે. પરિવારના મોભીનો આશરો ન હોવાથી બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બન્યો છે. નવાબંદરના મોહન દેવા સોલંકી નામના માછીમારના પરિવારમાં દીકરાએ ભણવાનું છોડી ઘરની પરિસ્થિતિને આર્થિક મદદ કરવા માછીમારીના ધંધામાં જ લાગ્યો હતો. અન્ય કોઈ આવડત ના હોય અને અન્ય તાલુકામાં ઔધોગિક વિકાસ નહિ હોવાના લીધે આ જોખમી દરિયો ખેડવા મજબૂર બને છે. જ્યારે મોહન દેવા સોલંકીના પત્ની પણ માછીમારીના દંગે કામ કરવા જાય છે. ભરત લખમણ સોલંકી નામના પાકીસ્તાનની જેલમાં કેદ માછીમારના પરીવારમાં પત્નિ અને બે બાળકો 4 વર્ષથી ભરત સોલંકીની ઘર વાપસીની રાહ જોઈ બેઠા છે. પરિવારમાં અન્ય કોઈના હોય જેથી તેમના પત્ની મજૂરી કામ જઈને ગુજરાન ચલાવે છે. બે બાળકોનો ઉછેર કરવા મજબુર, લાચાર અને અભણ માતા આજે કોઈ પાસે જઈને આ અંગે ફરિયાદ કે આજીજી પણ કરી નથી શકતી. પાકીસ્તાનની જેલમાં કેદ માછીમારોને શા માટે છોડાવવામાં આટલો સમય..? કેમ કોઈ નથી અવાજ ઉઠાવતું. આ માછીમારોના પરિવાર માટે પાકિસ્તાનથી પરત આવેલા માછીમારોની આપવીતી બહુ દુઃખદ હોય છે. પાક. જેલમાં કેદ માછીમારોને માત્ર કાચી પાકી શેકેલી પાંચ રોટલી આખા દિવસમાં જમવા મળે છે. જો બીમાર પડ્યા તો એ બીમારીમાં સપડાયને મોત આવે તો પણ લાશ પણ એકથી બે મહિને મળે છે. સરકાર વહેલી તકે આ પાક.જેલમાં કેદ માછીમારોને જલ્દીથી છોડાવે તેવી પરિવારની માગ છે. ચીઠ્ઠી- 1
સ્વસ્થાન પાકિસ્તાનથી મોહનના રામ રામ, પત્ની રામી, તૃતી, પ્રકાશ, રાકેશ, પુત્ર જીજ્ઞેશ, રમેશ, હિરુંમા, દેવો, હરેશ, ધનીકાકા, વાલીબેન, વિજયા, મંજુ, લક્ષ્મી, જેસસી, મીના, મોહન, નવ્યા, અંકિત તમને બધાને પાકિસ્તાનથી યાદ કરતા મોહનભાઈ. તૃપ્તી તમે ચીઠ્ઠી મોકલી છે કે નહિ અને તેનો જવાબ મોકલશો. રામીને કે મેં ફોન કર્યો હતો ત્યારે રડવા લાગી તો તું સારી વાત કરી તો તમારે સારી વાત કરવી જોવેને. તારા પાસે હિરુમાં હતી તો તેને પણ બે વાતો કરવા દેવાયને. રામીને કે વિજયાબેન લંડન કેમ ગયા નથી અને કેટલા સમયથી ઘરે છે. તેની કઈ વહું (પૂત્રવધુ)ની ડિલિવરી થઈ છે. મોટી વહુંની કે નાની વહુંની વહુંને લંડન લઇ ગયા નથી. ધનીકાકાની કઈ વહુંની ડિલિવરી થાય છે તે આવતી ચીઠ્ઠીમાં લખી જણાવશો. તમને મેં ફોન કર્યો હતો તો તમારો બધાનો અવાજ સાંભળીને મને દિલમાં શાંતિ મળી. તેમાં એક જ રાકેશ હતો. ખારવો ખલાસી દિનેશને ઘરે કઈ આવજે કે ચીઠ્ઠી મોકલે. આ ચીઠ્ઠી પહોંચે ને તમે ચીઠ્ઠી મોકલશો અને પાકિસ્તાનથી વાવડ હોય તો તમે વળતી ચીઠ્ઠીમાં મોકલશો.
લી.મોહન ચીઠ્ઠી- 2
જય ભારત સાથે લખું છું કે તમોને ભગવાન સુખ આપે એવી આશા કરનાર પાકિસ્તાનથી મોહનભાઈ તથા રામી, તૃપ્તિ, પ્રકાશ, રાકેશ, જીજ્ઞેશ, રમેશ, દેવો બાપ, હીરુંમાં, વાલીબેન, ભગુ બનેવી, હરેશભાઈ, ધનીકાકી, મોહનની વહું, મીના વહું, અંકિત, નવ્યાબેન તમોને યાદ કરનાર પાકિસ્તાનથી મોહનભાઈના રામ રામ વાંચજો. રામી કે દેવા બાપાના બે જોડ કપડાં સિવડાવી દેજો. માં ને પણ કપડાં અપાવી દેજો. જેશરીબેનને પણ જેવા જોવે તેવા કપડાં અપાવી દેજો. મારે તો બેનના છોકરાઓના લગ્નમાં આવવાનો હરખ હતો પણ એ પણ પારો થયો નહિ. એક વર્ષ થયું પણ હજી અહીંથી છૂટ્યા નહીં. હવે તો છોકરાઓના લગ્નનો હરખ છે. ભગવાન કરે તો આવી જશું મને તો પણ નાનકાને પણ મોટા કરવાનો હરખ મળ્યો નહીં. એમને એમ બંને ભાઈ મોટા થઈ ગયા. રામીને કે છોકરાઓ બોટમાંથી આવી ગયા હોય તો તમે ચીઠ્ઠી લખજો. ત્યાં કંઈ પણ છૂટવાના વાવડ(સમાચાર) હોય તો જાણ કરજો. રામીને કે લગ્નની કેટલીવાર છે તો તમે બધા આવતી ચીઠ્ઠીમાં જણાવશો. તમારી ચીઠ્ઠીની રાહ જોવ છું અને તમે ચીઠ્ઠી લખતા રહેશો. અગાઉ ચીઠ્ઠી લખી હતી તે મળી ગઈ હતી.
લી. મોહન દેવા સોલંકી પાકિસ્તાન ચીઠ્ઠી- 3
તા.21/11/2024 શુક્રવાર
જય ભારત સાથ જણાવવાનું કે, પાકિસ્તાન જેલમાં મોહનના સવ પરિવાર મારા જય માતાજી. રામી, તૃપ્તિ, પ્રકાશ, રાકેશ, જીજ્ઞેશ, રમેશ, મોહન, મીના, અંકિત, નવ્યા, દેવો બાપ, હીરુમાં, હરેશ, વાલીબેન, ધનીકાકી તમે મારી કોઈ જાતની ચિંતા કરતા નહીં અને ખાઈને મજામાં છું ને પ્રાર્થના કરું છું કે તમે બધા માતાજીની દયાથી હાજા(સારા) રાખે. રામી તને મેં ઘણી ચીઠ્ઠી લખીને મોકલાવી પણ એનું જવાબ મને મળ્યું નથી. મેં તને સમાજમાં ચીઠ્ઠી આપવાનું કીધું હતું પણ એનું જવાબ મને મળ્યો નથી. રામી લગ્ન પછી તમારી એક ચીઠ્ઠી મને મળી પણ મેં તમને ત્રણ-ચાર ચીઠ્ઠી લખીને મોકલાવી પણ એનું જવાબ મને મળ્યો નથી. તમને ચીઠ્ઠી લખવામાં કંઈ વાંધો છે? મને તો એક દીકરી હતી એટલે એ મને ચીઠ્ઠી લખતી હતી. હવે એ પણ મને ભૂલી ગઈ, બીજી દીકરી આવી એ પણ મને ભૂલી ગયાને. રામી અહીંથી બધા ચીઠ્ઠીમાં લખીને મોકલાવે છે કે વેરાવળ બધા માછીમારના ઘરના ભેગા થાય. તા.5/12/2024ના વેરાવળ ભેગા થાય છે. કોઈ આપણા ગામના જાય વેરાવળ તો તું પણ જાજે અને બધા પરિવારના ભેગા રહેજો. અને રામી હિરૂમાં અને દેવાબાપાનું ધ્યાન રાખજે. આ ચીઠ્ઠી તમને મળે એટલે તાત્કાલિક જવાબ મોકલાવી દેજોને. રામી આમાં લખ્યું એનો જવાબ મોકલાવજે.
લી.મોહન