તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. એને લઈને ભાજપના ચૂંટણી અધિકારીઓ અને ત્રણ મહામંત્રી દિલ્હી જઈને પરત પણ આવી ગયા છે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે. હવે 15 જાન્યુઆરી પહેલાં તમામ શહેર-જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ જશે. શહેર-જિલ્લા પ્રમુખોની યાદી જાહેર થયા બાદ નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ-પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે. માત્ર એટલું જ નહીં, વડોદરામાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જામી પડી હતી અને જૂથવાદ સપાટીએ આવી ગયો હતો. આ ઉપરાંત વોર્ડ પ્રમુખોની નિયુક્તિમાં પણ ઘણા નેતાઓએ ઉંમર ઘટાડીને દાવેદારીઓ કરી હતી અને એને લઈને પણ ખૂબ વિવાદો થયા હતા. આમ આ વખતનું સંગઠન પર્વ વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. વડોદરા ભાજપમાં શિસ્તના લીરા ઊડ્યા, યાદવાસ્થળી સપાટીએ આવી
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી યાદવાસ્થળી 4 જાન્યુઆરી, 2024ના રોજ સેન્સપ્રક્રિયામાં પણ જોવા મળી હતી. આ સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું હતું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે. વડોદરા શહેર મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. મેં કોઈ પ્રકારનો સ્પર્શ કર્યો નથી. શિસ્તબદ્ધ પાર્ટીમાં જે બોલ્યું છે તેને પૂછો, મને નહીં. એક મહિલા તરીકે આ ભાજપ કાર્યાલય પર કંઈ બોલવામાં આવે તો મારે બોલવું પડે. હાઇકમાન્ડ સુધી વાત જશે. જ્યારે પૂર્વ કોર્પોરેટર અને પ્રમુખપદ માટે દાવેદારી કરનારા ગોપી તલાટીએ કહ્યું હતું કે હું કોઈપણ કાર્યકર્તા અંગે બોલ્યો નથી. આક્ષેપો પાયાવિહોણા છે. તેમને એમ લાગતું હશે કે મારી અધ્યક્ષપદ માટેની દાવેદારી વર્તમાન અધ્યક્ષ સાથે કોમ્પિટ થઈ રહી છે એટલે ગંદા આક્ષેપો કરે છે. સુરત જિલ્લામાં ઉમેદવારી ફોર્મ રદ થતાં SC મોરચાના પ્રમુખે મોરચો ખોલ્યો
સુરત જિલ્લાના વિવાદ અંગે વાત કરીએ તો કુલ 17 ઉમેદવારે પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે પ્રમુખપદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી. સુરત જિલ્લા ભાજપના SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો. બનાવટી પુરાવા આપી પદ મેળવવા હોડ લાગી
વોર્ડ અને તાલુકા પ્રમુખો બનવા સમયે પણ ઉંમર ઘટાડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. વોર્ડ અને તાલુકાના પ્રમુખો બનાવવા માટે 40થી વધુ વયના કાર્યકરોની પસંદગી ન કરવી એવો નિર્ણય લેવાયો હતો, જેથી કેટલાક ‘હોશિયાર’ ભાજપ નેતાઓએ આ માપદંડમાં ગોઠવાઈ જવા નકલી જન્મ પ્રમાણપત્રો તૈયાર કરાવી દીધાં. 40થી વધુ વયના જ વોર્ડ અધ્યક્ષ બની શકે એ માટે રાજકોટ અને અમદાવાદના ભાજપ નેતાએ પણ નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરી ઉંમર ઓછી કરી દીધી હતી. 40થી ઓછી વયના હોય તેવા સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી દીધા
ઉંમર ઘટાડવાની ચાલાકી વાપરી પોતાના સંપર્કો સંબંધિત પાલિકા કે પંચાયતના પદાધિકારી સાથે હોવાથી તેમની સાથે મિલીભગત કરી પોતે 40થી ઓછી વયના હોય એવા સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી દીધા, જોકે ભાજપના જ તેમના હરીફોએ આવા કાર્યકરોના તેમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ જેવા દસ્તાવેજો બહાર પાડી દીધા અને પોલ ખોલી હતી. રાજકોટના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાનો દાવો રજૂ કરતી વખતે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં પણ નવા નિયુક્ત કરાયેલા વોર્ડ પ્રમુખનું નકલી પ્રમાણપત્ર હોવાનું બહાર આવ્યું હતું. કુબેરનગર વોર્ડના અધ્યક્ષે જન્મ તારીખો બદલી
અમદાવાદ મહાનગરપાલિકાના 40 વોર્ડના અધ્યક્ષોની યાદી બહાર પડી એના ગણતરીના કલાકોમાં જ કુબેરનગર વોર્ડના અધ્યક્ષ રામપ્યારે ઠાકુરે તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધારકાર્ડમાં જન્મ તારીખ 6 જુલાઈ 1975 છે. એની સામે તેમણે પાલિકામાંથી મેળવેલા પ્રમાણપત્રની તારીખ 6 જુલાઈ 1980 કરી નાખી હતી, જોકે બાદમાં ભાજપે રામપ્યારેને કુબેરનગર વોર્ડ પ્રમુખપદેથી હટાવી દીધા હતા. જ્યારે રાજકોટના વોર્ડ મેમ્બર 14મા પ્રમુખ બનવા માટે કાર્યકર્તા વિપુલ માખેલાએ નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનો દાવો કર્યો હતો. માખેલાની ઉંમર ખરેખર 50 વર્ષની હતી, તેમ છતાં તેમણે આમ કરતાં પક્ષનું ધ્યાન કોઈ પાર્ટીના કાર્યકરે જ દોર્યું હતું. એ પછી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી શરૂ કરાઈ હતી. અમદાવાદમાં કોણ કોણ છે દાવેદાર?
અમદાવાદ ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદમાં શહેર ભાજપપ્રમુખ તરીકે દાવેદારીમાં સૌથી વધુ ચર્ચા પ્રદેશ યુવા મોરચાના પૂર્વ યુવા પ્રમુખ અને પ્રદેશના સહપ્રવક્તા ડો. ઋત્વિજ પટેલનું નામ ચાલી રહ્યું છે. ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વોર્ડમાંથી આવતા ઋત્વિજ પટેલની યુવા કાર્યકર્તાઓમાં અને સંગઠનમાં સારી પકડ છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમની સારી કામગીરી હોવાના પગલે તેમને પ્રમુખપદ આપવામાં આવી શકે છે. સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા રહી ચૂકેલા ભાસ્કર ભટ્ટ પણ શહેર પ્રમુખની દાવેદારીમાં આગળ છે. સંગઠનમાં કામગીરી કરી હોવાના કારણે તેઓ પણ દાવેદાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટે પણ પ્રમુખપદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. રાજકોટમાં પૂર્વ મેયરો અને પૂર્વ ડે.મેયરો છે દાવેદારો
જ્યારે રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ માટે દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યાં હતાં. વડોદરામાં જૂથવાદ વચ્ચે થઈ સેન્સપ્રક્રિયા
વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, જિગર ઈનામદાર, કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીષા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમામ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે, જોકે જૂથવાદે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સુરત શહેર માટે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ સહિત અનેક દાવેદાર
જ્યારે સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદન સિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ-પ્રમુખ નીતિન ભજિયાંવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નીરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જોધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરાયાં હતાં. આ સિવાય ડ્રેનેજ કમિટી ચેરમેન કેયૂર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી.