સુરત જિલ્લામાં રખડતા પશુએ ઘર પાસે રમતા બાળકને અડફેટે લીધો હતો. સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા થઈ નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે. સુરત જિલ્લાના કીમ ગામ ખાતે આવેલા દીપ નગરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કીમ ગામે આવેલા દીપ નગરમાં એક બાળક રમી રહ્યું હતું અને ત્યાં એક મહિલા સહિત બે લોકો પણ હાજર હતા. આ દરમ્યાન ત્યાં રખડતા બે પશુઓ પૈકી એક પશુએ બાળકને અડફેટે લીધો હતો. બાળકને અડફેટે લેતા હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકને ઊંચકી લીધો હતો. જો કે સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા થઈ ન હતી. જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને આ સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે. ઉલ્લેખનિય છે કે, હજુ થોડા દિવસ અગાઉ કીમ ગામ ખાતે એક યુવતી મોપેડ લઇને જઈ રહી હતી. તે દરમિયાન રસ્તા પર અચાનક ડુક્કર આવી જતા યુવતી રસ્તા પર પટકાઈ હતી.અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે કિમ ગામમાં રખડતા પ્રાણીઓના વધી ગયેલા ત્રાસને લઇને સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે.