પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકોનો ગુસ્સો બેકાબૂ બન્યો છે. શિયાળાની ઋતુમાં વીજળી કાપથી પરેશાન લોકોએ મંગળવારે પાંચમા દિવસે પણ ચીન-પાકિસ્તાન હાઇવે બ્લોક કર્યો હતો. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ના એન્ટ્રી પોઈન્ટ અલિયાબાદમાં લોકો એકઠા થયા છે. અસંતોષને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલી પાકિસ્તાનની શાહબાઝ સરકારે હવે સેનાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સોમવારે પાકિસ્તાનમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડોંગે પીએમ શહેબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. તેમણે શાહબાઝ શરીફને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની નારાજગી વિશે જાણ કરી અને અલ્ટીમેટમ આપ્યું કે જો ચક્કાજામ ઝડપથી ક્લિયર નહીં થાય તો સીપીએસી પ્રોજેક્ટ પર પુનર્વિચાર કરવો પડશે. ચીનથી માલભરેલી 1350 ટ્રકોનો પ્રથમ કાફલો ડ્રાય પોર્ટ પર અટવાયો
ચીન-પાકિસ્તાન હાઈવે જામના કારણે ચીનના કસાગરથી જઈ રહેલો 1350 ટ્રકનો કાફલો અટવાઈ ગયો છે. ચીને સીપેકથી યુએઈને આ માલ મોકલ્યો છે. પાકિસ્તાન આર્મી કંપની નેશનલ લોજિસ્ટિક્સનું આ પહેલું કન્સાઈનમેન્ટ હતું. જે સોસ્તના ડ્રાય પોર્ટ પર છે. આગળ તેને કરાચી પોર્ટથી યુએઈ મોકલવાનું છે. ચીને યુએઈ અને અન્ય આરબ દેશોને સીપેક દ્વારા સામાન મોકલવાની યોજના બનાવી છે. શાહબાઝ સરકાર ગમે તેટલો અત્યાચાર કરે, તેમ છતાં અમે પીછેહટ કરીશું નહીં
લગભગ 20 હજારની વસ્તી ધરાવતા અલિયાબાદમાં નારાજ લોકો ધરણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે, શિયાળાની ઋતુનો સામનો કરવા માટે અમને વીજળીની જરૂર છે. પાકિસ્તાનની શાહબાઝ સરકાર ગમે તેટલા અત્યાચારો કરે, અમે પાછળ હટવાના નથી. દિવસભરમાં ભાગ્યે જ એક કે બે કલાક વીજળી મળે છે. ધંધો ચલાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. આમ પરિણામે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ‘પીઓકેના પીએમની જેહાદ અપીલ પાકિસ્તાન માટે સમસ્યા બની જશે’
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વડાપ્રધાન અનવર-ઉલ-હકની જેહાદ અપીલ સામે વિરોધ શરૂ થયો છે. યુનાઈટેડ કાશ્મીર પાર્ટીના પ્રમુખ સાજિદ હુસૈને મંગળવારે જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે જેહાદની અપીલ બિનજરૂરી અને ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. તેનાથી કાશ્મીરનો મુદ્દો વધુ ભડકશે. પાકિસ્તાન હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. આખી દુનિયા જાણે છે કે પીઓકેના પીએમએ પાકિસ્તાનના ઈશારે કથિત જેહાદની અપીલ કરી છે.