છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ પોલીસે અલગ અલગ ઠેકાણેથી નાવડી અને ફોર્ચ્યુનર ગાડીમાં લઈ જવાતા રૂ.8,75,430 ના વિદેશી દારૂ સહિત કુલ રૂ.17,74,690 ના મુદ્દામાલ સાથે બે જણાંને ઝડપી પાડ્યા છે. નસવાડી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કુપ્પા ગામે નર્મદા નદીમાં થઈને નાવડીમાં વિદેશી દારૂ લાવવામાં આવનાર છે. જેને લઇને વોચ ગોઠવી હતી, વોચ દરમિયાન કુપ્પા ગામે નર્મદા નદીમાં થઈને નાવડી મારફતે વિદેશીદારૂ લાવતા તેને નસવાડી પોલીસે ઝડપી ઝડપી પાડયો છે. માવડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 3024 બોટલ જેની કિંમત રૂ. 3,62,880 મળી આવી હતી, જેથી નસવાડી પોલીસે વિદેશી દારૂ, નાવડી,મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.4,42,880 ના મુદ્દામાલ સાથે નાવડી લઈ આવનાર રમેશભાઈ હુનારયાભાઈ વળવી રહે. સેલગદા,તા.ધડગાવ,જી.નંદુરબાર, મહારાષ્ટ્ર ને ઝડપી પાડયો હતો. વાંટ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાય છે, જેને લઇને પીપલદા પાસે નાકાબંધી કરી હતી. પિક અપ ગાડી મૂકી આડસ કરી હતી. નાકાબંધી દરમિયાન એક ફોર્ચ્યુનર ગાડી નં. GJ 06 EQ 5073 આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફોર્ચ્યુનર ચાલકે ગાડી રોડની સાઈડમાં ઉતારી ભગાવી મૂકી હતી. નાસવા જતાં ફોર્ચ્યુનર ચાલકે ગાડી પિક અપને અથાડી દેતા ગાડી નીકળી શકી ન હતી, અને ચાલક રોહિતભાઈ રાવજીભાઈ ભાભોર રહે.મકરપુરા, વડોદરા તેમજ તેની બાજુમાં બેસેલ ઇસમ વિશાલભાઈ શંકરભાઈ ઠાકોર રહે.નિશાળ ફળિયું, ભાલિયાપુરા,તા. જિ.વડોદરા ગાડીમાંથી ઉતરીને ખેતરોમાં ભાગી ગયા હતા, જેઓનો કવાંટ પોલીસે પીછો કરતા ગાડીનો ચાલક ફરાર થવામાં સફળ થયો હતો,જ્યારે બાજુમાં બેસેલ વિશાલભાઈ શંકરભાઈ ઠાકોર ઝડપાઈ ગયો હતો.ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 2664 બોટલ જેની કિંમત રૂ.5,12,550 મળી આવી હતી,જેથી કવાંટ પોલીસે વિદેશી દારૂ, ગાડી,મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.13,31,550 ના મુદ્દામાલ સાથે એક જણાંને ઝડપી પાડ્યો છે.