ગત વર્ષે 18મી જાન્યુઆરીએ શહેરના હરણી લેક ઝોનમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થવાના બનાવમાં પાલિકાએ કાર્યવાહી કરી છે. કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ ફરજ પર બેદરકારીમાં કસૂરવાર હોવાનું સાબિત થતાં મ્યુનિસિપલ કમિશનરે પેન્શનમાં દર મહિને રૂ. 5000નો આજીવન કાપ કરવા હુકમ કર્યો છે.ગત વર્ષે 18મી જાન્યુઆરીએ શહેરના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કુલના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજ્યા હતા. 10 દિવસ પૂર્વે પાલિકાના કાર્યપાલક ઈજનેરને સજા કરાઇ છે. પાલિકાના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ આ ઘટનામાં પોલીસ ફરિયાદી બન્યા હતા. જોકે તેઓ સામે ખાતાકીય તપાસ શરૂ થઈ હતી. સૂત્ર મુજબ રાજેશ ચૌહાણ પર હરણી લેક ઝોનમાં લાયસન્સ અને પરવાનગીઓ મેળવવામાં આવી છે કે કેમ, તેને રીન્યુ કરાવી છે કે કેમ, તદુપરાંત ડેવલોપરરે ક્વોલિફાઇડ અને સક્ષમ માણસો કામ પર રાખ્યા છે કે કેમ, સુવિધાઓ સારી અને સ્વચ્છ છે, સ્થળ પર સીસીટીવી કેમેરા છે કે કેમ, બોટિંગ જેવી સુવિધામાં બોટના સાધનો અને રાઈડ્સ માટેના લાયસન્સ અને સેફટી સર્ટિફિકેટ છે કે કેમ, તેમજ સમયાંતરે મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે કે કેમ તે અંગેની જવાબદારી હતી. જોકે ખાતાકીય તપાસમાં તેઓએ ફરજમાં નિષ્કાળજી રાખી હોવાનું ધ્યાને આવ્યું હતું. રાજેશ ચૌહાણને જી.સી.એસ.આર (પેન્શન) નિયમો 2002 મુજબ પ્રતિમાસ 5000 પેન્શન કાપની શિક્ષા આજીવન ધોરણે કરવી કે કેમ તે અંગે ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. રાજેશ ચૌહાણે ખુલાસો આપ્યો હતો. મ્યુનિ.કમિશનરે પ્રતિમાસ રૂ. 5 હજાર પેન્શન કાપની શિક્ષાનો હુકમ કર્યો હતો. રાજેશ ચૌહાણે જવાબદારી જમીન મિલકત શાખાને તબદીલ કરી હોવાનો કરેલો ખુલાસો ખોટો નીકળ્યો
રાજેશ ચૌહાણ વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં કરેલા ખુલાસામાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ઓપરેશન અને મેન્ટેનન્સ તથા અન્ય તમામ કામગીરી વર્ષ 2019ના જુલાઈના પત્રથી પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરને સોંપવામાં આવી હતી. તદુપરાંત લેક્ઝોનની કામગીરી ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અંતર્ગત ચાલતી હતી અને વર્ષ 2022ના જૂન મહિનામાં તબદીલ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. પરંતુ તબદીલી સમયે આ બાબતનો રેકોર્ડ જમીન મિલકત કોમર્શિયલ શાખામાં જણાયો ન હતો.