આપણે સહુ ભગવાનની ભક્તિ તો ખૂબ કરીએ છીએ કારણ કે ભગવાનમાં આપણને શ્રદ્ધા છે. પરંતુ જ્યારે ભક્તિ કરવા છતાં દુઃખ આવે તો, ભગવાન પરથી ભરોસો ઉઠી જાય છે, પણ એવું આપણે દ્રઢપણે માનવાની જરૂર છે કે, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે.જો એવી સમજણ આવે તો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પછી આપણી શ્રદ્ધા ડગે નહિ. એક ભક્તે ભગવાનની ખૂબ ભક્તિ કરેલી, સાધુ – સંતોની ખૂબ સેવા કરેલી.પરંતુ ફક્ત ૩૫ વર્ષની વયે તેમને કેન્સર થયું. તેથી સગાં-વ્હાલાં કહે કે, “તમે તો ભગવાનના ભગત અને ભગવાને તમને કેમ બ્લડ કેન્સર કર્યું?” ત્યારે તે ભક્તે કહ્યું કે, આ દેહ પડવાના તો ઘણા કારણો હોય, મારા ભાગે કેન્સરનું નિમિત્ત આવ્યું છે, એમાં શું ? દુનિયામાં હજારો માણસને કેન્સર થાય છે, તો મને પણ થાય… એમાં શું ? પણ મને કોઈ વાતનું દુઃખ નથી.મને શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે,તેથી મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો છે. આવી સાચી સમજણ આપણે કેળવવી જોઈએ. તો સદાય સુખ રહે છે.તેથી જ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કહ્યું છે કે, ભગવાન જેમ રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું.