અમદાવાદમાં રહેતી યુવતીને લગ્નના એક મહિના બાદ જ પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ-પત્નીને માર મારતો હતો. પત્ની ગર્ભવતી હતી ત્યારે સાસુ-સસરા અને નણંદના સાથે રહેવા ગઈ ત્યારે સાસુ-સસરાએ દહેજની માંગ કરી હતી. સાસુ-સસરાએ યુવતીને કોરા સ્ટેમ્પ પેપર પર સહી કરવાનું કીધું ત્યારે તેના ભાઈએ ના પાડતાં ઉશ્કેરાયેલા સાસુએ ગર્ભવતી વહુને ધક્કો મારી પાડી દીધી હતી. આ અંગે યુવતીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પત્ની પિયર જવાનું કહે તો આત્મહત્યા કરી લેવાનું કહી ડરાવતો
નારણપુરામાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના 29 એપ્રિલ, 2024ના રોજ CTM ખાતે રહેતા પુનિત જૈન સાથે લગ્ન થયા હતા. યુવતીના સાસુ-સસરા દાહોદ રહેતા હતા, જેથી યુવતી દાહોદ પણ જતી હતી. લગ્નના એક મહિના બાદ પતિ નોકરી ના કરતા યુવતીએ પતિ પુનિતને પૂછ્યું હતું કે, નોકરીએ કેમ નથી જતા? ત્યારે પુનિતે ઉશ્કેરાઈને બીભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. લગ્નના બે મહિના બાદ યુવતી તેના પિયરમાં રહેવા છતાં પુનિત પિયરમાં જવા દેતા નહોતા. યુવતીના સાસુ-સસરાને આ બાબતની જાણ થઈ તેમને પણ પુનિતનો પક્ષ લઈને કહ્યું હતું કે, વર્ષમાં એક જ વાર પિયરમાં જવાનું. યુવતી પિયર જવાનું કહેતી ત્યારે પુનિત આત્મહત્યા કરી લેવાનું કહીને ડરાવતો હતો. સાસરિયા માનસિક ત્રાસ આપતા હતા
યુવતી જુલાઈ મહિનામાં ગર્ભવતી થતા પિયરમાં રહેવા ગઈ હતી ત્યારે તેને જાણ થઈ કે, પુનિતને અગાઉ અન્ય છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્નની વાત પણ થઈ હતી પરંતુ, તેના સાસુ-સસરા અને પુનિતે આ વાત છુપાઈ હતી. યુવતી દાહોદમાં ગઈ ત્યારે તેના નણંદ તેને ટોનાં મારીને કહેતી હતી કે, તને 50,000નું પર્સ અપાવ્યું છે. તારા માતા કે ભાઈએ લગ્નમાં કઈ આપ્યું નથી. અમે લગ્નમાં 35 લાખ જેટલો ખર્ચો કર્યો છે. તારા પિયરમાંથી કરિયાવરમાં 5 લાખનો સામાન લાવી છે તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. જેથી, યુવતી ઓગસ્ટ મહિનામાં તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીના સાસુએ ઉશ્કેરાઈને યુવતીને ધક્કો મારીને પાડી દીધી
20 ઓક્ટોબરે યુવતીના સાસુ-સસરા તેના પિયરમાં ગયા હતા અને કોરા સ્ટેમ્પ પેપર પર યુવતીને સહી કરવાનું કહ્યું ત્યારે યુવતીના ભાઈએ સ્ટેમ્પ પર સહી કરવાની ના પાડી દેતા યુવતીના સાસુએ ઉશ્કેરાઈને યુવતીને ધક્કો મારીને પાડી દીધી. જ્યારે યુવતીના ભાઈને ગાલ પર લાફો મારી દીધો હતો. આ અંગે યુવતીએ જે-તે સમયે પોલીસને પણ જાણકારી હતી અને અરજી આપી હતી તેમછતાં પણ યુવતીના પતિ અને સાસુ-સસરા ફોન કરી માનસિક ત્રાસ આપતા હતા. જે મામલે યુવતીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.