રાજ્યના 11,252 લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ અંગે CIDના ઈન્ચાર્જ વડા એવા DIG પરીક્ષિતા રાઠોડે ‘દિવ્ય ભાસ્કર’ સાથે કૌભાંડને લઈ વાત કરી હતી. તેમણે આગામી દિવસોમાં પીડિતોના રૂપિયા પરત અપાવવા શું કાર્યવાહી કરાશે? ઉપરાંત કૌભાંડના ચોક્કસ આંકડા અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહની મિલકતો અંગે પણ વાત કરી હતી.
પ્રશ્ન: BZ નું કૌભાંડ 6000 કરોડથી વધુનું હતું તો તેમાંથી કેટલા કરોડના હિસાબો મળ્યાં?
જવાબ: BZ કૌભાંડની હાલ સુધીની તપાસમાં કુલ 452 કરોડ રૂપિયાના હિસાબો મળ્યાં છે. આ હિસાબો તપાસ ટીમે કબજે કરેલા કોમ્પ્યુટર, ચોપડાં અને જેમણે રોકાણ કર્યું છે એવા લોકોના ક્રોસ વેરિફિકેશનમાં સામે આવ્યા છે.
પ્રશ્ન: તો 6000 કરોડ રૂપિયાનો આંકડો કેવી રીતે આવ્યો?
જવાબ: એ પહેલી જે અરજી થઈ હતી તેમાં અરજદારે લખ્યો હતો, જો કે, તપાસમાં હાલ સુધીની રકમ આટલી સામે આવી છે.
પ્રશ્ન: પીડિતોએ કરેલા રોકાણ અને ભૂપેન્દ્રસિંહના કૌભાંડનો આંકડો મળે છે કે નહીં?
જવાબ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધીમાં તેની જે પ્રોપર્ટી અને રોકાણ કરેલા રૂપિયાની વાત કરી છે તે ઉપરાંત પણ પોલીસ તેણે નહીં કહેલી વિગતો શોધી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે ભપેન્દ્રસિંહની અંદાજે 100 કરોડની મિલકોત શોધી કાઢી છે. આમ રોકાણ અને ભૂપેન્દ્રસિંહના હિસાબો મેળવાઈ રહ્યાં છે.
પ્રશ્ન: ભૂપેન્દ્રસિંહે વેડફી નાંખેલા રૂપિયા કેવી રીતે લોકોને પરત અપાવશો?
જવાબ: ભૂપેન્દ્રસિંહની મિલકતો અંગે કોર્ટને જાણ કરીશું. ભવિષ્યમાં કોર્ટ જ નિર્ણય કરશે કે જેમણે રોકાણ કર્યું છે તેમને હાલની સ્થિતિએ કેટલી રકમ મળવા પાત્ર છે. શક્ય છે કે કોર્ટ ભૂપેન્દ્રસિંહની પ્રોપર્ટી અંગે પણ નિર્ણય કરે અને તેમાંથી પીડિતોને રૂપિયા પરત મળે.
પ્રશ્ન: ભૂપેન્દ્રસિંહે કૌભાંડના તમામ હિસાબો આપી દીધા?
જવાબ: અમે ભૂપેન્દ્રસિંહના એકાઉન્ટન્ટને જૂનાગઢથી ઝડપી પાડ્યો છે. તેણે ક્યાં હિસાબો રાખ્યાં છે અને રૂપિયાનું ખરેખરમાં ક્યાં રોકાણ કર્યું? કોને કેટલા રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું જેવી વિગતો પણ મેળવાઈ રહી છે.
પ્રશ્ન: આ કૌભાંડમાં હવે અન્ય કોઈ ભોગ બનનારા શોધવાના બાકી છે?
જવાબ: પોલીસને તપાસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ પાસેથી મળેલા ચોપડાના આધારે 11,252 ભોગ બનનારા સામે આવ્યા છે. તમામ કાગળો ચકાસણી કરવામાં આવી છે જે મુજબ ભોગ બનનારા આ સિવાય અન્ય કોઈ લોકો નથી. જો હશે તો તેમની ફરિયાદ પણ લેવામાં આવશે.(મિહિર ભટ્ટ સાથેની વાતચીતના આધારે) પ્રશ્ન: જેમણે પૈસા ગુમાવ્યાં છે તેમને પૈસા ક્યારે પાછા મળશે?
જવાબ: ગુજરાત પોલીસ રૂપિયા ગુમાવનારાઓનું દર્દ સમજી શકે છે. અમે લગભગ બે સપ્તાહમાં જ કોર્ટ સમક્ષ પીડિતોને રૂપિયા પરત મળી જાય તેવી કાર્યવાહી મૂકીશું. ત્યાર બાદ કોર્ટ નિર્ણય કરશે અને પૈસા પરત અપાવવાની જવાબદારી SDM કક્ષાએથી થશે. જેમાં પોલીસ તરીકે અમે સંપૂર્ણ મદદમાં ઉભા રહીશું.