વડોદરા શહેર વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી પ્રો. વિજય શ્રીવાસ્તવે આજે રાજીનામુ આપી દીધુ છે ત્યારે વિજય શ્રીવાસ્તવને VC પદેથી હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રોફેસર સતીષ પાઠકે તેમની પર વધુ એક આક્ષેપ કર્યો છે. VCની નિમણૂકને ચેલેન્જ કરતી PIL હાઈકોર્ટમાં કરી તો તેનો બદલો લેવા માટે તેઓએ મારી દીકરીને ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર પદેથી હટાવી દીધી અને મારી સાથે બદલો લીધો. વિજય શ્રીવાસ્તવે વિદેશમાં જઈને ઐયાસી કરી છે, યુનિવર્સિટીના રૂપિયા બરબાદ કર્યા છે, તેની પણ સરકારે રિકવરી કરવી જોઈએ. આવી લડત તો હું શિક્ષક બન્યો ત્યારથી લડતો આવ્યો છું
MS યુનિ.ના VCની નિમણૂકને ચેલેન્જ કરવાર પ્રો. સતીષ પાઠકે જણાવ્યું હતું કે, મારી લડત કે જિંદગીભરનું સંભારણું બની જાય એવી છે. આવી લડત તો હું જ્યારથી શિક્ષક બન્યો ત્યારથી લડતો આવ્યો છું. જ્યાં મને કંઈક ખોટું લાગે ત્યાં મારો અવાજ હંમેશાં બુલંદ જ હોય. એ મારો સ્વભાવ રહ્યો છે પરંતુ, આ લડતને હું જુદા પ્રકારે જોઉં છું કારણકે, આમાં ફ્રોડ થયુ હતું. આમાં યુનિવર્સિટીની ગરીમાની વાત હતી. કોઈ વ્યક્તિ પોતાના પદની પ્રાપ્તિ માટે આટલા નિમ્ન સ્તર સુધી જાય. જેની સામે મેં અવાજ ઉઠાવ્યો હતો અને જેના માટે મારે ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો હતો. આ સંઘર્ષ દરમિયાન ઘણા લોકોએ મને સપોર્ટ કર્યો છે. બાયોડેટામાં જે સંસ્થાનો અનુભવ બતાવ્યો ત્યાં તેમનું નામ જ નથી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર દુષ્યંત પંડ્યાએ સૌથી પહેલા RTI કરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, વિજય કુમાર શ્રીવાસ્તવની VC લાયકાત ખોટી છે. તેમનો બાયોડેટા મળતા તેનું ઈન્વેસ્ટીગેશન કરતા તેમાં જાણવા મળ્યું હતું કે, તેમનો પ્રોફેશરશિપનો અનુભવ માત્ર સાડા ત્રણ વર્ષનો છે. ઘણા અનુભવ તો એમને એવા દર્શાવ્યા હતા કે, તે ફ્રોડ કહેવાય ગુનાહિત કૃત્ય કહેવાય. તેમણે કામધેનુ યુનિવર્સિટીમાં પોતાને એસોસિયેટ ડાયરેક્ટર ઓફ રિસર્ચ પોતાના બાયોડેટામાં ગણાવ્યા હતા પરંતુ, એ સંસ્થામાં એમનું સ્ટાફ તરીકે નામોનિશાન નથી. UGCની ગાઈડલાઇન પ્રમાણે તેમનો 10 વર્ષનો પ્રોફેસરશિપનો અનુભવ જરૂરી છે. તેઓએ ફાલતુ સંસ્થાઓમાં કામ કર્યું હોવાનો અનુભવ દર્શાવ્યો હતો. મારી સાથે બદલો લેવા માટે મારી દીકરી સાથે અન્યાય કર્યો
તેઓએ ઉમેર્યું હતું કે, મેં વિજય શ્રીવાસ્તવ સામે PIL દાખલ કરી હતી. જેથી, તેઓ મારી સામે બદલો લેવા માટે કોઈ સચોટ મુદ્દો નહોતો. જેથી, તેઓએ મને કલચમાં લેવા માટે મારી દીકરી સાથે અન્યાય કર્યો. ટેકનોલોજી ફેકલ્ટીના પ્રો. ધનેશ પટેલે વીસીના દબાણમાં આવીને મારી દીકરીને ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરીથી ન લેવાય તેના માટે તમામ પ્રયાસ કર્યા. જેના પુરાવા પણ મારી પાસે છે. જેના આધારે અમે ધનેશ પટેલ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના HOD ભાવના વાસુદેવ અને અને યુનિવર્સિટીને પક્ષકાર બનાવીને હાઇકોર્ટમાં કેસ કર્યો છે. ગજગ્રાહ અને બદલો લેવાની વૃતિથી જ તેમને આ કૃત્ય કર્યું હતું. મારી દીકરી હોવાને કારણે તેને નોકરીમાંથી હટાવી દીધી
તેઓએ કહ્યું હતું કે, 5 વર્ષથી મારી દીકરી આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. તેની ક્વોલિફિકેશન અને નિપૂણતાના આધારે તેની પસંદગી થતી હતી. મારી દીકરીનો હંમેશા ત્રીજો ક્રમ રહેતો હતો પરંતુ, આ વખતે તેનો આઠમો ક્રમ કરી દીધો હતો. મારી દીકરીને આઠમા નંબરે મુકવાનું કોઈ તાર્કિક કારણ ન હતું. VCએ પોતાના મળતિયાઓને નોકરીએ રાખી દીધા. સૃષ્ટિ મારી દીકરી હોવાને કારણે તેને નોકરીમાંથી હટાવી દીધી. મારી સાથેનો બદલો લેવા માટે તેને આ કૃત્ય કર્યું હતું. વિદેશમાં ઐયાસી કરી છે તેની પણ રિકવરી કરો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં મારી તલવાર હજી મ્યાનમાં નાખી નથી. આ લડત પંજાબ સુધી પહોંચી છે પરંતુ, તેનું પરિણામ તેને ધાર્યું નહીં હોય એવું આવશે. આ યુનિવર્સિટીમાં એક દાખલો બેસાડવામાં આવશે કે, યુનિવર્સિટી કોઈ માયકાંગલાઓથી ભરેલી નથી. વિજય શ્રીવાસ્તવ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારે તેના પગારની રિકવરી કરવી છે. વિદેશમાં જઈને જે ઐયાસી કરી છે, યુનિવર્સિટીના જે રૂપિયા બરબાદ કર્યા છે તેની પણ રિકવરી કરવી જોઈએ. તેમણે લીધેલા તમામ નિર્ણય રદ્દ બાતલ કરવા જોઈએ.