રાજકોટની ભાગોળે આવેલા સ્માર્ટ સિટી વિસ્તારમાં PM મોદીનાં ડ્રિમ પ્રોજેકટ લાઈટ હાઉસનું નિર્માણ થયું છે. જોકે વડાપ્રધાન માટે સ્વપ્નસમાન રૂ. 118 કરોડના ખર્ચે બનેલા પ્રોજેકટમાં નબળી કામગીરી થઈ હોવાથી માત્ર 2 વર્ષમાં ભેજ ઉતરવો અને પોપડા પડવા સહિત સમસ્યાઓ માત્ર 2 વર્ષમાં સામે આવી હતી. જેને લઈ દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. લાઈટ હાઉસ પ્રોજેકટની દુર્દશા અંગેના આ અહેવાલનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને દિલ્હી ખાતેથી ખાસ ટીમ આ માટેની તપાસ કરવા દોડી આવી હતી. એટલું જ નહીં સ્થળની ઝીણવટભરી તપાસ કરી બિલ્ડરને જરૂરી કામ કરવાના આદેશો આપતા કામગીરી શરૂ કરવામાં આવી છે. તાત્કાલિક દિલ્હીથી ટીમો રાજકોટ આવી
પ્રાપ્ત વિગત મુજબ, PM મોદીના ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસમાં નબળા બાંધકામ અને બિલ્ડર દ્વારા સમારકામ ન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. દિવ્ય ભાસ્કરની ટીમે રૂબરૂ જઈને સ્થાનિકોની વેદનાને વાચા આપતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેને પગલે તાત્કાલિક દિલ્હીથી ટીમો દોડાવી હતી. દિલ્હીથી ટીમોની રાજકોટમાં એન્ટ્રીથી થતા સ્થાનિક તંત્ર અને બિલ્ડરમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ટીમોએ સ્થાનીક તંત્રને સાથે રાખીને ભાડુંઆત રહેતા હોય તેને ખાલી કરવાની સૂચનાઓ આપી છે. ઉપરાંત બિલ્ડરને પણ તાત્કાલિક સમારકામ કરવાની કડક સૂચના આપી છે. 1144 ફ્લેટની ઈમારતના પોપડા ખરવા લાગ્યા હતા
રાજકોટમાં રૂ. 118 કરોડના ખર્ચે બનેલા 1144 જેટલા ફ્લેટની ઈમારતના પોપડા ખરવા લાગ્યા હોવાની તેમજ નિર્માણના માત્ર 2 વર્ષમાં ઈમારતને નુકસાન થતા નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ થયા હતા. અનેક ફ્લેટની ઈમારતના પોપડા ખરવા, દિવાલોમાંથી ભેજ આવવાની અને ધાબા પરથી પાણી ટપક્તુ હોવાની ફરિયાદો સામે આવી હતી. કેટલાક ફ્લેટમાં બાથરૂમની ગટરો ઉભરાવાની તો અમૂકમાં બારીમાંથી ભેજ આવતો હોવાની ઉપરાંત બાથરૂમની દીવાલમાં પાણીનો ભરાવો થવા સહિતની ફરિયાદો ઉઠી હતી. તેમજ ભ્રષ્ટાચારનાં આરોપો લાગ્યા હતા. દિલ્હીથી આવેલી ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરાવી
આ મામલે ગત તા. 30 ડિસેમ્બરનાં રોજ દિવ્ય ભાસ્કર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને સ્થાનિકો સાથે વાત કરી તેમની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પગલે ગણતરીના દિવસોમાં દિલ્હીથી ખાસ ટીમ તપાસ માટે દોડાવવામાં આવી હતી આ ટીમને બાંધકામમાં ખામી હોવાનું જણાતા તરત જ મનપા તંત્રનો સંપર્ક કરી ગેરેન્ટીનો સમયગાળો સહિતની વિગતો લેવામાં આવી હતી. ત્યારબાદ આ બાંધકામની ગેરેન્ટી ચાલુ હોવાનું ધ્યાનમાં આવતા કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શનને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક જરૂરી સમારકામ કરવા આદેશ કરવામાં આવતા હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરેન્ટી પીરીયડ સહિત વિગતો મેળવી હતી
લાઈટ હાઉસ સોસાયટીનાં સેક્રેટરી પિયુષભાઈ જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગેનો અહેવાલ પ્રકાશિત થયાના ગણતરીના દિવસોમાં દિલ્હીથી ટીમો દોડી આવી હતી અને સૌપ્રથમ આખા પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું. બાંધકામમાં ખામીઓ હોવાનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ મનપા કમિશ્નર સહિતનાં અધિકારીઓ પાસેથી ગેરેન્ટી પિરિયડ સહિત વિગતો મેળવી હતી. જેમાં ગેરેન્ટી સમયગાળો ચાલુ હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટરને બોલાવીને જરૂરી ફેરફારો કરવા આદેશ આપ્યા હતા. જેને પગલે આજથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આદેશ મુજબના તમામ કામો થઈ જાય તો 70-80% પ્રશ્નો હલ થઈ જવાની શક્યતા જણાઈ રહી છે. નબળી ગુણવત્તાનો માલ વપરાયો હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે, લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1144 આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં 13 માળના 11 ટાવર બનાવવામાં આવ્યા છે. 6741.66 ચો.મી. એરીયા એક ટાવર માટે ફાળવવામાં આવ્યો છે. એક માળ પર 8 આવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવાસ અંદાજિત રૂ. 10.39 લાખમાં તૈયાર થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 5.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે લાભાર્થીઓ દ્વારા રૂ. 3.39 લાખ ચુકવવામાં આવે છે. આવાસમાં લીવીંગરૂમ, બેડરૂમ, સ્ટડીરૂમ, કિચન, વોશિંગ એરીયા, બે ટોઈલેટ-બાથરૂમ, વીટ્રીફાઈડ ટાઈલ્સ, લાઈટ-પાણી, સુંદર હવા-ઉજાસ, રસોડામાં પાઈપ્ડ ગેસ, પ્લેટફોર્મની નીચે કેબીનેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે માત્ર બે વર્ષમાં જ પ્રોજેકટનાં કામમાં નબળી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.