ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી આવતીકાલે 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે આજરોજ સતત ત્રીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. સોમવારે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયા બાદ ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓ સતત ત્રણ દિવસથી સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરી રહ્યાં છે. બન્ને ટીમના ખેલાડીઓએ 7.3 ડિગ્રી વચ્ચે વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બન્ને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારતીય ટીમના ખેલાડી અનુભવી મનાઈ રહ્યાં છે
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આવતીકાલે 10 જાન્યુઆરીને શુક્રવારથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ આજે સતત ત્રીજા દિવસે બન્ને ટીમો દ્વારા ફાઇનલ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જેમાં બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા પ્રથમ વોર્મઅપ કરી બાદમાં ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બન્ને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે. ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી સામ સામે ટકરાશે. ત્યારે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં ચાલી રહી છે અને આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમનું સુકાન સ્મૃતિ મંધાનાને સોંપાયું
રાજકોટમાં સોમવારે બંને ટીમોનું આગમન થતા શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજી ખાતે તેમનું ભારતીય સંસ્કૃતિ મુજબ અને ફુલહાર તેમજ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આયર્લેન્ડ સામેની આ ત્રણ મેચની સિરીઝમાં હરમનપ્રિત કૌરને રેસ્ટ આપવામાં આવ્યો છે. જયારે સેફાલી વર્માને પણ રેસ્ટ આપવામાં આવતા રાજકોટમાં રમાનાર 3 મેચની આ સિરીઝની અંદર ટીમનું સુકાન સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવ્યું છે. ઇન્ડિયન ટીમ સામે અમે જીતવાના ઇરાદાથી જ ઉતરીશું
આયર્લેન્ડ કેપ્ટન ગેબી લેવિસે જણાવ્યું હતું કે, ભારતીય ટીમ સામે તેમના જ હોમ ગ્રાઉન્ડ પર રમવું ખૂબ જ ઉત્સાહિત બાબત છે. અમારી ટીમે ત્રણ દિવસ ખૂબ સારી રીતે દરેક પ્રેક્ટિસ સેશન પૂરા કર્યા છે. જેથી અમને આશા છે કે, ઇન્ડિયન ટીમ સામે અમે પહેલી મેચમાં જીતવાના ઇરાદાથી જ મેદાનમાં ઉતરીશું. આઇરિશ ટીમ હંમેશા ચેલેંજિસ સાથે રમવા માટે તત્પર રહે છે. બાંગ્લાદેશ સામેની મેચ પણ ઘણી મહત્ત્વની રહી તેમજ એક પછી એક નવી સિરિઝ રમવું એ પણ ટીમ માટે ઘણું અસરકાર રહી શકે છે. ટીમની કમાનની સાથે આયર્લેન્ડ ટીમમાં અનેક યંગ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દેખાડી છે. જેના કારણે છેલ્લા 12 મહિનામાં અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. પરફેક્ટ ટીમ મેનેજમેન્ટના કારણે લાસ્ટ યર શ્રીલંકા અને ઇંગ્લેન્ડ ટીમને અમે મ્હાત આપી શક્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ સામે પહેલીવાર રમી રહ્યા છીએ. તેમાં અનેક ખૂબ સારા ખેલાડીઓ છે જેના કારણે આયર્લેન્ડની ટીમને ખૂબ સારું ચેલેન્જ રહેશે. ‘હરમીનપ્રીત કૌર જલ્દી વાપસી કરે તેવી આશા’
ભારતીય કેપ્ટન સ્મૃતિ મંધાનાએ જણાવ્યું હતું કે, ટીમ માટે ખૂબ મહત્ત્વનું છે કે, ત્રણ પ્રેક્ટિસ સેશન ખૂબ સારી રીતે રહ્યા અને મેઇન ગ્રાઉન્ડ વિકેટ પર પણ પ્રેક્ટિસ કરવા મળી હતી. ખૂબ અદ્ભૂત ગ્રાઉન્ડ છે, વિકેટ અને આઉટફિલ્ડ પણ ખૂબ સારી હોવાથી અમારી ટીમ અહીંયા ખૂબ સારું પ્રદર્શન કરવા માટે પણ ઉત્સાહિત છે. હરમીનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે. શૈફાલી પણ છેલ્લી ત્રણ-ચાર સિરીઝથી ટીમનો ભાગ નથી રહ્યા, પરંતુ તેઓ ડોમેસ્ટિકમાં ખુબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જેથી જલ્દીથી તેઓ ટીમમાં ફરી વાપસી કરે તેવી આશા છે. હા પરંતુ ટીમમાં કોણ છે કોણ નહિ તેના પર વિચાર કરવા કરતા ભારતીય ટીમની ખેલાડીઓ પોતાના પ્રદર્શન પર વધુ ધ્યાન આપે છે અને આયર્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડીઝ સામે જીતનો ઉત્સાહ આ સિરીઝમાં પણ જળવાઈ રહેશે
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ ખૂબ સારી રહી ટી-20માં 2-1 અને વન-ડે સીરીઝ 3-0 જીત્યા તેનો ઉત્સાહ આ સીરીઝમાં પણ ઝળવાઈ રહેશે. ટીમના બેટ્સમેન દ્વારા વેસ્ટ ઇન્ડીઝના બોલરો સામે સારું પ્રદર્શન કરીને આવ્યા છે. જે આ સીરિઝમાં પણ બરકરાર રાખવા માટે ટીમ મેનેજમેન્ટ પ્રયત્ન કરશે. રેણુકા અને હરમીનકૌર ટીમના મહત્ત્વના ખેલાડીઓ છે, પરંતુ તેમની ગેરહાજરીમાં ટીમના નવા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરવા માટે મહેનત કરી રહ્યા છે. આઇસીસી દ્વારા વધુ મેચ આયોજન થતાં હોવાથી દુનિયાની શ્રેષ્ઠ ટીમો સાથે રમવાનો ચાન્સ મળે છે, પરંતુ નવી ટીમ સામે હંમેશા માટે રમવાનો ઉત્સાહ હંમેશા હોય છે અને આયર્લેન્ડ સામે પણ પૂરી પ્રેક્ટિસ સાથે જ મેદાને ઉતરશું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સ્કવોડ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હર્લિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોષ, તેજલ હસબનીસ, રાઘવી બીસ્ત, મીન્નુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સતઘરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સ્ક્વોડ
ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રીલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલની, જ્યોર્જિના ડેમ્પસી, સારાહ ફોર્બ્સ, આર્લિન કેલી, જોના લોઘરન, ઈમી મગુરી, લેહ પોલ, ઓર્લા પ્રિન્ડરગાસ્ટ, એના હેયમન્ડ, ફ્રેયા સાર્જન્ટ અને રેબેકા સ્ટોકેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.