વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાસમઆલા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા ગેંગનો ખોફ એટલો બધો છે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બાળ રિમાન્ડ હોમ (બાળગોકુલમ)ના નિર્માણાધીન બિલ્ડિંગની કામગીરી વર્ષ 2019થી અટકી પડી છે. બાળ રિમાન્ડ હોમના આ બિલ્ડિંગમાં કાસમઆલા ગેંગ દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિ ચલાવાતી હતી, જેના માટે તેમણે બાળ રિમાન્ડ હોમની દીવાલ પણ તોડી નાખી હતી. આ ગેંગના ડરથી બિલ્ડિંગની કામગીરી કરતો બિલ્ડર પણ ભાગી ગયો હતો અને હવે કોઈ બિલ્ડર આ કામગીરી કરવા તૈયાર નથી. બાળ રિમાન્ડ હોમના પ્રમુખ ખુદ વડોદરા કલેક્ટર છે, તેમ છતાં 6 વર્ષથી કામગીરી અટકી પડી છે અને બાળકોને નવું બિલ્ડિંગ મળતું નથી. આ મામલે દિવ્ય ભાસ્કરે વડોદરા જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. બિલ્ડિંગનું કામ ભાવનગરની જે. ડી. કન્સ્ટ્રક્શન કંપની કરતી હતી
વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિયેશન ચિલ્ડ્રન હોમ ફોર બોય્સ (બાળગોકુલમ) એન્ડ ઓપરેશન હોમ ફોર બોય્ઝ (ઝોનલ) વડોદરા દ્વારા અગાઉ 5 ઓગસ્ટ, 2024ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને અસામાજિક તત્ત્વો (હુસૈન સુન્ની અને કાસમઆલા ગેંગ) નવા બની રહેલા બાળ રિમાન્ડ હોમની બિલ્ડિંગના કામમાં રુકાવટ કરતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાળ રિમાન્ડ હોમ જર્જરિત થઈ ગયું હોવાથી 8.35 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી હતી, જેનું કામ ભાવનગરની જે. ડી. કન્સ્ટ્રકશન કંપનીને મળ્યું હતું. કોન્ટ્રેક્ટરે પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી
આ બિલ્ડિંગનું કામ 17 નવેમ્બર, 2018ના રોજ શરૂ થયું હતું અને 16 ઓગસ્ટ, 2019માં પૂર્ણ કરવાનું હતું, જેથી 24 ઓક્ટોબર 2018થી આ જગ્યાનો કબજો કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગ વડોદરાને સોંપ્યો હતો. જોકે નવા બની રહેલા બિલ્ડિંગમાં જુગાર અને દારૂ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી, જેથી કોન્ટ્રેક્ટરને બાંધકામ કરવામાં અડચણો ઊભી થઈ હતી, જેથી કોન્ટ્રેક્ટરે પોલીસ પ્રોટેક્શનની માગણી પણ કરી હતી. તેમ છતાં હુસૈન સુન્નીની કાસમઆલા ગેંગે બિલ્ડિંગનું કામ કરવા માટે આવતા મજૂરોની ભગાડી મૂક્યા હતા અને બિલ્ડિંગ પર ગેરકાયદે કબજો કરી લીધો હતો. આ કારણે બિલ્ડિંગની કામગીરી સમયસર પૂરી થઈ નહોતી. ગેંગની મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ
બાળ ગોકુલમ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ઈસમોને બિલ્ડિંગમાંથી બહાર કાઢીને તેના ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવે અને ઝડપથી બિલ્ડિંગનું કામ ફરીથી શરૂ કરવામાં આવે. આ ઉપરાંત બિલ્ડિંગની આસપાસ સ્થાનિક રહીશોએ દબાણ ઊભુ કરી દીધું છે, જેથી આ દબાણને પણ દૂર કરવામાં આવે. આ ઉપરાંત આ બિલ્ડિંગની આસપાસ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકો રહેતા હોવાથી કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકો ક્રિમિનલ લોકોના સંપર્કમાં આવે એવી શક્યતા છે, જેથી બિલ્ડિંગની દીવાલની ઊંચાઈ 10 ફૂટ રાખી એના ઉપર ચાર ફૂટનાં પતરાં લગાવવાં જરૂરી છે, જેથી કરીને આ બાળકો પર ભવિષ્યમાં ક્રિમિનલ લોકોની આડઅસર ઊભી ના થાય. ગેંગ વેપારીઓ પાસેથી ખંડણી પણ ઉઘરાવતી
સ્થાનિક કારેલીબાગ પોલીસ સ્ટેશનની કાસમઆલા ગેંગ પર રહેમનજરના કારણે કાસમઆલા ધીમે-ધીમે મોટી થઈ અને તે કારેલીબાગ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ફેલાઈ ગઈ છે. તેણે માત્ર બાળ ગોકુલમનું કામ અટકાવ્યું એટલું જ નહિ, ગેંગ કારેલીબાગ વિસ્તારમાં વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા લાગી હતી, દારૂ-જુગારની પ્રવૃત્તિઓ કરવા લાગી હતી. હાલ તમામ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર
ઉલ્લેખનીય છે કે ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવીને વડોદરા શહેરમાં દારૂ-જુગાર, ખંડણી, હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ જેવા ગંભીર ગુના આચરતી કાસમઆલા ગેંગના 9 આરોપી શાહિદ ઉર્ફે ભૂરિયો જાકીર શેખ, વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માંજા યુસુફખાન પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયાં સુન્ની, સુફિયાન સિકન્દર પઠાણ, ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમિયાં શેખ, હુસૈનમિયાં કાદરમિયાં સુન્ની, અકબર કાદરમિયાં સુન્ની, મોહંમદઅલી સલીમખાન પઠાણ અને સિકંદર કાદરમિયાં સુન્ની સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. હાલ તમામ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર છે.