ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ચારેય આરોપીઓને જામીન મળી ગયા છે. હવે આ મામલે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ થશે. જૂન 2023માં કેનેડાના સરેમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. 18 જૂન, 2023ના રોજ હત્યાના આરોપસર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) ભારત સરકારના એજન્ટ પર હત્યાનો આરોપ લગાવ્યા બાદ આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું. ભારત સરકારે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. આ કેસમાં ચાર આરોપીઓ કરણ બ્રાર, કમલપ્રીત સિંહ, કરણપ્રીત સિંહ અને અમનદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે આ કેસની સુનાવણી 11 ફેબ્રુઆરીએ બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટમાં થશે. કોણ છે આ ત્રણ ભારતીયો?
નિજ્જરની હત્યાના આરોપીઓમાં 22 વર્ષીય કરણ બ્રાર, 22 વર્ષીય કમલપ્રીત સિંહ અને 28 વર્ષીય કરણપ્રીત સિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેયના નામ શરૂઆતના K થી શરૂ થતા હોવાથી, તેમને K ગ્રુપ કહેવામાં આવી રહ્યા છે. તે બધા ભારતીય છે જે કેનેડાના એડમોન્ટનમાં રહેતા હતા. આ આરોપીઓ વર્ષ 2021માં કામચલાઉ વિઝા પર કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક પાસે સ્ટુડન્ટ વિઝા હતા પણ કોઈએ કેનેડામાં અભ્યાસ કર્યો ન હતો. આ ત્રણેય સામે હત્યા અને ગુનાહિત કાવતરું રચવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો
ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ રમવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં, કેનેડાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે, ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ કરી રહ્યું છે. ગયા વર્ષે નિજ્જરની હત્યા થઈ હતી
ગયા વર્ષે જૂનમાં, કેનેડાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોને વિદેશમાં લોજિસ્ટિક્સ અને પૈસા પૂરા પાડવાનું શરૂ કર્યું હતું. જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010માં પટિયાલામાં એક મંદિરની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસ તેને હિંસા ભડકાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસોમાં શોધી રહી હતી. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.