અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું અને હજારો ટિકિટ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી, પરંતુ હવે બુક માય શો દ્વારા જાણ કરવામાં આવી છે કે કોલ્ડપ્લેમાં આવો તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી, જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે, જોકે IPL અને અન્ય મેચમાં સ્ટેડિયમની આસપાસ પાર્કિંગ મળી રહેતું હતું, પરંતુ કોલ્ડપ્લેમાં પાર્કિંગ નહિ મળે. 25 અને 26 જાન્યુઆરીએ યોજાશે કોન્સર્ટ
આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લે યોજાવાનો છે, જેની ટિકિટ ગણતરીની મિનિટોમાં જ હજારો રૂપિયામાં વેચાઈ ગઈ હતી. અત્યારે ટિકિટ સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. ટિકિટ વેચાણ કરતા પ્લેટફોર્મ બુક માય શો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પ્રેક્ષકો કોલ્ડપ્લેના કોન્સર્ટમાં આવશે તેમને પાર્કિંગ માટેની વ્યવસ્થા મળશે નહિ, કારણ કે સ્થળ પર પાર્કિંગ નથી, જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોટેશનનો જ ઉપયોગ કરવાનો રહેશે. મહત્ત્વનું છે કે અગાઉ IPL કે અન્ય ઇવેન્ટ દરમિયાન સ્ટેડિયમ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ખાનગી એજન્સી દ્વારા જ આસપાસના પ્લોટમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હતી, પરંતુ ઈન્ટરનેશનલ 2 દિવસના કોન્સર્ટમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી. આ અંગે આયોજકોએ પોલીસ સાથે પણ કોઈ ચર્ચા કરી નથી એટલે કોન્સર્ટમાં જતી વ્યક્તિઓએ આ બાબતની ખાસ નોંધ લેવાની જરૂર છે. શું કહી રહી છે પોલીસ?
આ અંગે ટ્રાફિક જેસીપી એન.એન ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ સાથે એક મિટિંગ થઈ છે, જેમાં બંદોબસ્ત અંગેની ચર્ચા કરવામાં આવી છે, પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા માટે ચર્ચા થઈ નથી. આગામી દિવસોમાં વધુ મિટિંગ થશે, એ સમય દરમિયાન ચર્ચા કરીને પાર્કિંગ અંગે નિર્ણય કરવામાં આવશે. આયોજકે એજન્સી પાસેથી પાર્કિંગ પ્લોટ્સ લેવાના હોય છે- GCA
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના સંચાલક છે તેમની પાસેથી કોલ્ડપ્લે ઓર્ગેનાઈઝ દ્વારા કોઈ પાર્કિંગ વ્યવસ્થા માટેની ડીલ થઈ ન હોવાનું જણાવ્યું હતું. GCAના સેક્રેટરી અનિલ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે ઓર્ગેનાઈઝરે પાર્કિંગ પ્લોટ્સ એજન્સી પાસેથી લેવાના હોય છે અને રિવરફ્રન્ટ, કોર્પોરેશનમાં પ્લોટમાં એજન્સી દ્વારા વ્યવસ્થા કરવાની હોય છે, જેની અમે જાણ કરી છે. બધી માહિતી ચકાચક રજૂ કરી, પણ પાર્કિંગનાં ઠેકાણાં જ નહીં
બુક માય શોમાં બીજી બધી વિગતો વિસ્તારથી આપી છે. સ્ટેડિયમનું લોકેશન, ડિઝાઇન, સિટિંગ એરેન્જમેન્ટ પિક્ચર્સ અને ગ્રાફિક્સથી દર્શાવ્યાં છે. આ સાથે સ્ટેડિયમની બાજુમાં કઈ હોટલ્સ અને એરપોર્ટની બાજુમાં કઈ હોટલ્સ એનું જુદું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે, પણ સ્પષ્ટપણે લખ્યું છે કે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. કોલ્ડપ્લે શું છે, જેણે ઈન્ટરનેટ જગતમાં તોફાન મચાવી દીધું?
કોલ્ડપ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે, આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે સંગીતરસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે. કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું. એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે ‘ધ સાયન્ટિસ્ટ’ ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતનાં ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક ‘પેરાશૂટ્સ’ હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. ભારતમાં 2016માં કોલ્ડપ્લેએ પર્ફોર્મ કર્યું હતું.