દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. બ્રાન્ચના PIની ઓફિસ સામે સિનિયર IPS અધિકારીઓની ઓફિસ પણ ફીકી પડે
સુરતમાં કોઇપણ પોલીસકર્મીની બદલી કરવી હોય તો બ્રાન્ચના એક PIની વૈભવી ઓફિસમાં હાજરી પુરાવવી ફરજિયાત છે. આ PIએ પોતાની બદલી બ્રાન્ચમાં થતાની સાથે જ પોતાની ઓફિસ એવી બનાવી છે કે જે કોઇ કોર્પોરેટ ઓફિસને પણ ટક્કર મારે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવેલી આ ઓફિસ શહેરના સિનિયર IPS અધિકારીઓની ઓફિસોને પણ ફીકી પાડે છે. સિનિયર IPS બેડામાં પણ ચર્ચા થઈ રહી છે કે, બ્રાન્ચના આ IPએ ગણતરીના દિવસોમાં જ આવી ચકાચક ઓફિસ કઈ રીતે બનાવી દીધી? ઓફિસ બનાવવા સરકારની એવી કઈ ગ્રાન્ટ તાત્કાલિક મંજૂર કરાવી લીધી? શહેરના સૌથી સિનિયર IPS અધિકારીની ઓફિસ નીચે જ આવેલી બ્રાન્ચના આ PIની જોવાલાયક કોર્પોરેટ ઓફિસ હાલ સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ક્રિકેટ સટ્ટાના મોટા પ્લેયર મહિલા રાજકારણીના પુત્રની IPS અધિકારી સાથે મિત્રતા
ગુજરાતના રાજકારણમાં થોડા સમય પહેલાં સક્રિય થયેલા એક મહિલા રાજકારણીનો પુત્ર ક્રિકેટ સટ્ટાના હવાલા અને વેપાર સાથે જોડાઈ ગયો અને ધીમે ધીમે તેની સાથે IPS અધિકારીઓનું કુંડાળું થયું અને તે તેમનો વ્હાલો થઇ ગયો. એવી પણ ચર્ચા છે કે, આ IPS અધિકારીના ખાસ બનેલા ખેલાડીએ વિશ્વમાં કોઇપણ રમાતી હોય તેનો વેપારનો હવાલો અમદાવાદમાં લેવાનું ચાલુ કર્યું છે અને એક મેચમાં અંદાજે 80 કરોડથી વધુનો ખેલ અમદાવાદમાં થતો હોવાની ચર્ચા છે. એક જાણીતી આંગડિયા પેઢી પણ તેને ગોઠવી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં એક સમયમાં ટોચના IPS અધિકારીઓમાં જેમનું નામ લેવાતું હતું તેના માણસો હવે આ ગુનેગારની જોડે ગોઠવાયા હોય તેવી ચર્ચા છે. આ એક આઇપીએસની વાત નથી ઘણા IPS તેની સાથે મિત્રતા કેળવીને બેઠા છે, પરંતુ હાલ આ IPSના કારણે તેને લીલાલેર હોવાનું ચર્ચામાં છે. લ્યો બોલો… હવે તો અમદાવાદથી ગોવાનું જુગાર ટુરિઝમ પણ શરૂ થઈ ગયું
ગુજરાતમાં અનેક એવા લોકો છે જે ફરવા જવાના બહાને ઐયાશી અને મોજ કરે છે. જેમાં ખાસ કરીને હવે જુગારનું ટુરિઝમ શરૂ થયું છે જેમાં અમદાવાદના એક-બે લોકો જુગારીઓનું ટોળું ભેગું કરે છે. જે ટોળામાં એક વ્યક્તિને 3 લાખ રૂપિયા લેવામાં આવે છે જેની અંદર સુંદરીઓ દારૂ અને જુગારની ચીપ સાથે આવવા જવાની ટિકિટ આપવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટથી ગોવાની ફ્લાઈટમાં આવા મુસાફરોને પિકઅપ-ડ્રોપની સુવિધા આપવાની પણ પેકેજમાં આવે છે. જેમાં આ જુગારીને પોતાની સાથે કોઇ રૂપિયો લઇ જવાની જરૂર નથી. તમામ ખર્ચ પેકેજમાં જ આવી જાય છે. ગોવા જવા માટેના રૂપિયા અમદાવાદથી લઇ લે છે અને હાર-જીતનો હિસાબ અમદાવાદ આવીને થઈ જાય છે. સોશિયલ મીડિયામાં તેનું પ્રમોશન થાય છે. હાલ 21, 22 અને 23ના પેકેજ બુક થઈ રહ્યા છે. જેમાં કાલા નામનો પ્લેયર અને તેના ભાગીદાર ચર્ચામાં છે. રાજકોટમાં મહિલા PSIએ સસ્પેન્ડેડ પોલીસકર્મીને ફડાકો ઝીંકી દીધો
એક તરફ ટ્રાફિક માર્ગ સલામતી અને સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી તરફ રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેગબોન શોપિંગ સેન્ટર નજીક ટ્રાફિક પોલીસ દ્વારા સવારના સમયે વાહન ચેકિંગ કરવામાં આવતું હતું. દરમિયાન મહિલા પીએસઆઈ દ્વારા એક કાર રોકવામાં આવી હતી. જેમાંથી કારચાલકે ઉતરી પોતે સસ્પેન્ડેડ પોલીસકર્મી તરીકેની ઓળખ આપી હતી, પરંતુ પીએસઆઈ દ્વારા દંડ તો ભરવો જ પડશે તેવું કહેતા રકઝક થઇ હતી અને આ પછી સસ્પેન્ડેડ કર્મીએ દંડ ભરવા તૈયારી દાખવતા પીએસઆઈએ દંડ નહિ વાહન ડિટેઇન કરવાનું કહ્યું હતું. જે બાદ મામલો ગરમાયો હતો. આ તમાસો જોતા રાહદારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. કારણ કે મહિલા પીએસઆઈ અને સસ્પેન્ડેડ પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી પણ થવા પામી હતી અને હાથાપાઈ પણ કરી હતી. મામલો પોલીસ મથક સુધી પહોંચતા ઉચ્ચ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ ન કરી બંને વચ્ચે માફા માફી કરી મામલો થાડે પાડી દેવામાં આવ્યો હતો. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ તો પોલીસની આબરૂના લીરેલીરા ઉડી શકે છે અને ફરી એક વખત રાજકોટ પોલીસ વિવાદમાં આવી શકે તેથી ફરિયાદ ન નોંધાવી મામલો થાડે પાડી દેવામાં આવ્યો છે. સુરતના એક PI પોલીસ વિભાગમાં USDT પીઆઇ તરીકે જાણીતા
સુરતમાં પોલીસકર્મીઓની બદલી સાથે સાથે USDT કરન્સી (ક્રિપ્ટોકરન્સી)ના કેસોમાં પણ બ્રાન્ચના PI ખાસ રસ ધરાવે છે. આ જ કારણ છે કે, પોલીસ વિભાગના લોકો તેમને USDT પીઆઇ પણ કહી રહ્યા છે. બીજા પોલીસ સ્ટેશનના USDTના કેસ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી લે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, અનેક PI સહિતના અધિકારીઓ પોતાના અંગત વહીવટદાર પણ રાખે છે. પરંતુ બ્રાન્ચના આ PI આવા વહીવટદારમાં માનતા નથી. કારણ કે, એમ કરે તો વહીવટદારને મહેનતાણું આપવું પડે અને પોતાની બહુમુખી પ્રતિભા પણ લોકોમાં ઉઘાડી પડી જાય. જેથી તેઓ પોતે જ પોતાનું બંધુ હેન્ડલ કરવામાં માને છે. જેના કારણે શહેરના અનેક વહીવટદારોમાં પણ અંદરખાને રોષ જોવા મળે છે. આ USDT પીઆઇ એમને નડતા માણસો અને અધિકારીઓને પણ યેનકેન પ્રકારે હેરાન કરવામાં અને નુકસાન પહોંચાડવામાં પણ પાવરફૂલ છે. પૂર્વના એક ખેલાડી જિલ્લા બહાર ગયા પણ હજી પોતાના ઝોનનો વ્યાપાર છૂટતો નથી
અમદાવાદ શહેરમાં અનેક લોકોને શોધીને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા ડીજીપીને કહ્યા બાદ એક્શન લેવામાં આવ્યા. જેમાં બદલી થયેલા પ્લેયર તેમની જગ્યાએ હાજર થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. પણ એજન્સીના એક પોલીસકર્મી પણ તેમાં સામેલ હતા. જેમને હજી તેના ઝોનનો વ્યાપાર છૂટતો નથી. હજી પણ તે અને તેના પેટા માણસો એટલા જ સક્રિય હોવાની ચર્ચા છે અને તેને બદલવા પાછલનો ઉદેશ્ય હજી પૂરો થયો નથી. સ્પાના રૂપિયા ઉઘરાવતા પોલીસકર્મીને CPના કહેવાથી DCPએ તગેડી મૂક્યો
નવા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા સ્પાની અંદર મહિને લાખો રૂપિયાની રોકડી કરતા એક પોલીસ કર્મચારીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જિલ્લા બહાર તગેડી દીધો છે. આ પોલીસકર્મી મહિલા પોલીસ સ્ટેશનના નામે વહીવટ કરતા સ્પા સંચાલકોને ધમકી આપતો હતો. અનેક વિવાદ થયા બાદ આખી વાત પોલીસના કાને પડી અને જેમાં ખુદ પોલીસ કમિશનર દ્વારા આ બેઇમાન પોલીસકર્મી સામે કડક કાર્યવાહી થાય તે માટે રાજ્યના DGPને જાણ કરી હતી. જેમાં ખેલાડીની બદલી જિલ્લા બહાર કરી દીધી છે. ભરતી પરીક્ષા આપવા પહોંચેલા પરીક્ષાર્થીઓ રનિંગની વ્યવસ્થા જોઇને મુંઝાઈ ગયા
ગુજરાતમાં પોલીસ ભરતી આવે અને વિવાદ ન સર્જાય તેવું બની જ ન શકે. આ વખતે પણ પોલીસ ભરતી શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રના અનેક શહેરમાં વિવાદ શરૂ થયો હતો. જોકે, પોલીસ ભરતી પરીક્ષા શરૂ થયા તે પહેલાં ઉચ્ચ અધિકારીઓ સુધી પ્રશ્ન પહોંચી જતા વિવાદ સર્જાતા અટકી ગયો હતો. રાજ્યમાં 8 જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અલગ અલગ જગ્યાએ પરીક્ષાર્થીઓ દ્વારા શારીરિક કસોટી આપવામાં આવી રહી છે, ત્યારે 7 જાન્યુઆરીના રોજ જામનગરમાં હેડક્વોર્ટર મેદાન ખાતે પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા જ્યાં ટ્રાયલ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, અહીંયા રનિંગ માટે ખોટી વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે કે, ગ્રાઉન્ડમાં દોડતા સમયે ડાબા હાથના બદલે જમણો હાથ મેદાનમાં અંદરની તરફ આવતો હતો જેને ઉંધી દોડ કહેવામાં આવે છે. આ જોતા પરીક્ષાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ મામલે રજૂઆત કરી હતી. જે રજૂઆત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા તાત્કાલિક સેન્સર બદલાવી ફેરફાર સાથે સીધી દોડ માટે સૂચના આપવામાં આવી હતી અને પરીક્ષાર્થીઓમાં હાશકારો અનુભવાયો હતો, ત્યારે વધુ એક વખત ગુજરાત પોલીસ ભરતીમાં વિવાદ થતાં સહેજમાં અટક્યો હતો.