ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ સિરીઝ 1-3થી હારી ગઈ. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ભારતના આ પ્રદર્શનની આકરી ટીકા કરી છે. તેણે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને આડે હાથ લીધા છે. તેણે ગંભીર પર હુમલો કર્યો અને હાર માટે તેને જવાબદાર ઠેરવ્યો છે. તેણે ખાસ કરીને ગંભીરને ‘દંભી’ વ્યક્તિ કહીને સનસનાટી મચાવી દીધી. મનોજ તિવારી અહીં જ ન અટક્યો, તેમણે ભારતીય ટીમના હેડ કોચ પર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા. તિવારીએ કહ્યું કે જે પ્રકારની કોચિંગની અપેક્ષા હતી તે જોવા મળી નથી. મનોજ તિવારી ગંભીર પર ભડક્યો
ગૌતમ ગંભીરના આગમન પછીના 6 મહિનામાં, ભારતીય ટીમે ઘણા શરમજનક રેકોર્ડનો સામનો કરવો પડ્યો છે. પહેલા શ્રીલંકા સામે 27 વર્ષે વન-ડે શ્રેણી હાર્યા, પછી ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશનો સામનો કર્યો અને હવે ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની હાર પછી, મનોજ તિવારી ગંભીર પર ખૂબ ગુસ્સે થયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકટરે કહ્યું કે ‘ગૌતમ ગંભીર એક પાખંડી છે. તે જે કહે છે તે કરતો નથી. હાર બાદ રોહિત શર્માને આગળ ધકેલી દેવામાં આવ્યો છે.’ મોર્ને મોર્કેલ પર પણ સવાલો ઉઠાવ્યા
મનોજ તિવારીએ મોર્ને મોર્કેલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. મનોજે કહ્યું કે ‘આવા બોલિંગ કોચનો શું ઉપયોગ જે હેડ કોચની દરેક વાત સાથે સંમત થાય છે? તે જે કંઈ કહે તેની સાથે સંમત થઈ જાય છે. મોર્ને મોર્કેલ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી આવ્યો હતો. જ્યારે અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સમાં તેની સાથે હતો. ગંભીર જાણે છે કે તે બંને તેની વિરુદ્ધ નહીં જાય.’ ગંભીર પર ક્રેડિટ ચોરીનો આરોપ લગાવ્યો
મનોજ તિવારીએ ગૌતમ ગંભીર પર ક્રેડિટ ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો. તેના મતે, ભારતીય ટીમના હેડ કોચનું PR એવું વાતાવરણ બનાવે છે જેના કારણે તેમને દરેક સફળતાનો શ્રેય મળે છે. આ માટે મનોજ તિવારીએ કોલકાતા નાઈટ રાઈડર્સનું ઉદાહરણ પણ આપ્યું. તિવારીએ કહ્યું કે ‘ગંભીરે એકલા હાથે KKRને IPL જીતાડ્યું નથી. અમે બધાએ એક યુનિટ તરીકે સાથે પ્રદર્શન કર્યું અને પછી જ અમે ટાઇટલ જીત્યું. જેક્સ કાલિસ, સુનીલ નારાયણ અને મેં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પણ શ્રેય ફક્ત તેને જ મળ્યો છે.’ ‘રોહિત-ગંભીર સાથે કામ ન કરી શકે’
મનોજ તિવારી માને છે કે રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. બંને વચ્ચેના અણબનાવને કારણે ટીમમાં વાતાવરણ ખરાબ છે. તેણે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે બંનેની સફળતા વચ્ચે કોઈ સરખામણી નથી. રોહિત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે, જ્યારે ગંભીરની સફળતા ફક્ત IPL ટાઇટલ જીતવા સુધી મર્યાદિત છે. તેનું માનવું છે કે આ જ કારણ છે કે તેઓ બંને સાથે કામ કરી શકતા નથી.’