back to top
Homeગુજરાતનફ્ફટાઈની હદ પાર કરતો પત્ની-પુત્રનો હત્યારો સ્મિત:લોકઅપમાં ઓશીકું- શીરો માંગ્યો, બેવાર પોતાનું...

નફ્ફટાઈની હદ પાર કરતો પત્ની-પુત્રનો હત્યારો સ્મિત:લોકઅપમાં ઓશીકું- શીરો માંગ્યો, બેવાર પોતાનું ગળું કાપનાર હવે કંઈ ન કરે તે માટે 4 પોલીસકર્મીનો રાત-દિવસ પહેરો

સુરતમાં પત્ની, પુત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ માતા-પિતા પર જીવલેણ હુમલો કરી પોતાનું પણ ગળું કાપી આત્મહત્યાનો સ્ટન્ટ કરનાર સ્મિત જીયાણીને 11 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળતાં મોડીરાત્રે નાટ્યાત્મક ધરપકડ કરાઈ હતી. પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. લોકઅપમાં રહેલા સ્મિતે પત્ની અને પુત્રના મૃત્યુનો શોક મનાવવાને બદલે નફ્ફટ થઇ સૂવા માટે ઓશીકું અને જમવામાં શીરો માંગ્યો હતો. જોકે, પોલીસે તેની આ માંગણી નકારી કાઢી હતી. આ સાથે જ સ્મિત બે વાર આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યો હોવાથી ફરી એવું કોઈ પગલું ન ભરે તે માટે લોકઅપની બહાર ચાર પોલીસ કર્મીઓ રાત-દિવસ પહેરો ભરી રહ્યા છે. આ કેસમાં 27 ડિસેમ્બર, 2024થી લઈને 8 જાન્યુઆરી, 2025 સુધીનો ઘટનાક્રમ… સ્મિતનું બીજીવાર આપઘાતનું પગલું ભરવાનું કારણ…આટલી મોટી અને ક્રૂર ઘટનાને અંજામ આપવાના કારણો શું હોઈ શકે? જાણો આ મામલે મનોચિકિત્સકનું શું કહેવું છે…. સ્મિતે પત્ની-પુત્રને મારી માતા-પિતા પર પણ હુમલો કર્યો હતો
27મી ડિસેમ્બરના શુક્રવારની વહેલી સવારે સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા એપાર્ટમેન્ટમાં ખૂની ખેલ ખેલાયો હતો. અહીં રહેતા 35 વર્ષીય સ્મિત જીયાણી (મૂળ રહે. સાવરકુંડલા, જિ. અમરેલી)એ પત્ની હિરલ અને પુત્ર ચાહિતને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. બાદમાં માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ પર પણ હત્યાના ઇરાદે ચપ્પુના ઘા ઝીંકી પોતે પણ ગળા ઉપર ચાકુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્મિત તેના માતા અને પિતા ત્રણેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પોલીસ સમક્ષ નાટકો કરતો રહ્યો
સરથાણા પોલીસ દ્વારા સ્મિતની પૂછપરછ કરીને આ ઘટનાને અંજામ આપવાનું કારણ પૂછવામાં આવી રહ્યું હતું. જોકે, શરૂઆતથી જ સ્મિત નાટક કરી રહ્યો હતો. ગળામાં દુખાવો અને પોલીસને જોઈને આંખો બંધ કરી જતો હતો. દરમિયાન સ્મિતના પિતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, સ્મિતના પિતાએ હોસ્પિટલમાં સ્મિતથી નજીક હોવાથી છતાં પણ તેની સાથે વાતચીત પણ કરી ન હતી. આ સાથે જ તેની માતાને ગળા પર 295 ટાંકા લઈને જીવ બચાવવામાં આવ્યો હતો. માતાએ પણ સ્મિત સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરી ન હતી. સ્મિતના માતા અને પિતા બંનેની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોતાના લોહીથી ખરડાયેલા ઘરે ગયા નહોતા અને સંબંધીના ઘરે ગયા હતા. 31 ડિસેમ્બરે હોસ્પિટલમાં કાચથી ફરી પોતાનું ગળું કાપ્યું
પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિતને ઘટનાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાની તૈયારી કરવામાં આવી રહી હતી. દરમિયાન સ્મિતે હોસ્પિટલના બાથરૂમમાં ઘૂસી અંદરથી દરવાજો બંધ કરી વેન્ટિલેશનની બારીના કાચથી પોતાનું ગળું કાપી ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારની હત્યા અને માતા-પિતા પણ ન બોલાવતા હોવાનું જાણીને મરી જવાના ઇરાદે જ પોતાનું ગળું કાપ્યું હોવાની આશંકા છે. જોકે, તેને તાત્કાલિક સારવાર આપવામાં આવતા બચાવી લેવામાં આવ્યો હતો. રી-કન્સ્ટ્રક્શન માટે પોલીસ ઘરે લઈ ગઈ તો રડવા લાગ્યો
11 દિવસની સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતાં પોલીસ તેની ધરપકડના ઇરાદે પહોંચી હતી. સરથાણા પોલીસ મથકે લઈ જઈ રહી હતી ત્યારે જ ચક્કર સહિતની ફરિયાદ કરતાં પોલીસ મથકને બદલે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. મોડી રાત સુધી દાખલ કરવો કે ધરપકડના પ્રશ્ન વચ્ચે તબીબોએ તેને દાખલ કરવાની જરૂરિયાત નહિ હોવાનો અભિપ્રાય આપતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ગતરોજ (8 જાન્યુઆરી) બપોરે સ્મિતને તેના ઘરે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં તે ધ્રુસકે ધુસકે રડી પડ્યો હતો અને પરિવારને કઈ રીતે માર્યા તેનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. લોકઅપમાં જમવા માટે શીરાની માગ કરી
સ્મિતની ધરપકડ બાદ તેને સરથાણા પોલીસ દ્વારા લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. લોકઅપમાં જતાની સાથે જ તે સૂવા ગયો હતો અને ઓશિકાની માગ કરી હતી. જોકે, પોલીસે તેની માંગને નકારી દીધી હતી. ગતરોજ સાંજે તેને પોલીસ મથકમાં આવતું ભોજન આપવામાં આવતાં તેણે શીરો ખાવાની માંગણી કરી હતી. પોતાને ગળામાં ચીરો હોઈ જમવાનું ઉતરતું નહિ હોવાનું કારણ ધરી શીરાની માંગણી કરી હતી. જોકે પોલીસે તેને લોકઅપમાં આવતું ભોજન જ આપ્યું હતું. પત્ની અને પુત્રના મોતના બારમાં દિવસે ધરપકડ કરાયેલા સ્મિતે મોતનું દુઃખ અનુભવવાને બદલે શીરો માંગવાની વાત પોલીસને પણ અકળાવનારી લાગી હતી. પોલીસે વ્હીલચેરના બંને હાથે હથકડી બાંધી હતી
31 ડિસેમ્બરના રોજ સ્મિતે બીજીવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તે પોલીસ જાપ્તામાં હતો છતાં પણ તેને આ પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ્યારે હોસ્પિટલમાંથી નીચે ઉતારવામાં આવ્યો ત્યારે વ્હીલચેરના બંને હાથે હથકડી બાંધીને નીચે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસવાન સુધી લઈ જઈ હથકડી ખોલી પોલીસ વાનમાં વચ્ચે બેસાડી બંને તરફ એક એક પોલીસ કર્મી બેઠા હતા. લોકઅપ બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવાયો
સરથાણા પોલીસના લોકઅપમાં સ્મિતને રાખવામાં આવ્યો છે. જોકે, છેલ્લા બે દિવસથી લોકોની બહાર ચાર પોલીસ કર્મચારીઓને બેસાડી સ્મિત કોઈ અઘટિત પગલું ન ભરે તેની વોચ કરી રહ્યા છે. દિવસે તો પહેરો ભરવામાં જ આવી રહ્યો છે, આ સાથે જ રાત્રે પણ પોલીસ કર્મચારીઓ જાગીને પહેરો ભરી રહ્યા છે. લોકઅપની અંદર કોઈ પણ પ્રકારનું સ્મિત આકરું પગલું ન ભરે તે માટે સરથાણા પોલીસ દ્વારા તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. સ્મિતના વર્તનને લઈને ચિંતાઓ પોલીસ તંત્ર ચિંતામાં
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા બાર દિવસના સ્મિતના વર્તનને લઈને ચિંતાઓ ઊભી થઈ છે. બે વાર આપઘાતના પ્રયાસ કરી ચૂકેલા સ્મિત અંગે જો જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવે તો જેલ પ્રશાસનને પણ સ્મિત નહીં સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવશે. સ્મિત દ્વારા બે વાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી પણ જેલ પ્રશાસનને આપવામાં આવશે. આ ઘટના સમાજ માટે લાલબતી સમાનઃ ડો. વિમલ તમાકુવાલા
આ કેસ અંગે મનોચિકિત્સક ડોક્ટર વિમલ તમાકુવાલાએ જણાવ્યું હતું કે, સરથાણામાં જે ઘટના બની તે સમાજ માટે ચોકાવનારી અને લાલબતી સમાન છે. જે રીતે તે કહી રહ્યો છે તે રીતે ઘરકાંકશ કે આર્થિક કારણ આ ઘટના પાછળ હોય શકે છે. જોકે, આ કારણોસર કોઈ પોતાની સૂતેલી પત્ની અને બાળકોને મોતને ઘાટ ન ઉતારી શકે. હા એવી શક્યતા બની શકે કે લાંબા સમયથી આ પ્રકારના કારણોના લીધે લાંબા સમયથી ડિપ્રેશન અથવા માનસિક બીમારીમાં હોઈ શકે છે. જે માટેની કોઈપણ પ્રકારની સારવાર મળી ન હોય અથવા તેમને લીધી ન હોઈ શકે છે. ‘ડિપ્રેશન-માનસિક બીમારી વધી જાય તો વ્યક્તિને ભાન રહેતું નથી’
વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારે ડિપ્રેશન અથવા માનસિક બીમારી વધી જાય ત્યારે વ્યક્તિને ભાન નથી રહેતું અને નોર્મલ જેવો લાગતો હોય છે. તે શું ઘટનાને અંજામ આપી શકે છે તે વિચારવાને પણ સક્ષમ હોતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે પોતાની વિવેક બુદ્ધિ સંપૂર્ણ ગુમાવી દે છે. સામાન્ય રીતે આ પ્રકારના કોઈપણ લક્ષણો કે ફેરફાર દેખાય ત્યારે સામાન્ય રીતે લેતા હોય છે. જોકે, આ પ્રકારના કોઈપણ ફેરફાર થાય તો માનસિક રોગના તબીબનો સંપર્ક કરવો જોઈએ. ‘આ પ્રકારના વ્યક્તિ આપઘાત સહિતના પગલાઓ ભરી શકે’
વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ કેસમાં કોટ કાર્યવાહી ચાલી રહી છે. જોકે, એક મનોચિકિત્સક તરીકે મારું એવું માનવું છે કે, આવા દર્દીનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ થવું જોઈએ, જેથી એ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપતા સમયે તેની શું માનસિક સ્થિતિ હતી તે જાણી શકાય. આ પ્રકારની ચોક્કસ તપાસ થવી જોઈએ. માનસિક નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ હજુ પણ આ પ્રકારના વ્યક્તિ આપઘાત સહિતના પગલાઓ ભરી શકે છે, જેથી પોલીસે પણ સાવચેત રહેવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments