હાલ શિયાળામાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં ફળો-શાકભાજીઓ મળતા થયા છે. પણ શું તમે ક્યારેય લાલ સીતાફળ ખાધા છે? એ પણ પ્રાકૃતિક રીતે પકવેલા લાલ લાલ સીતાફળ! જો તમારો જવાબ ‘ના’ હોય તો બોટાદના આ ધરતી પુત્રને મળો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સમઢિયાળા ગામે રહેતા ભોળાભાઈ ધનજીભાઈ ધલવાણિયા વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. સ્નાતક સુધી અભ્યાસ કરેલા અને ખેતીક્ષેત્રે નિતનવાં પ્રયત્નો કરનારા ભોળાભાઈને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે રાસાયણિક ખેતીથી લોકોના પેટમાં ઝેર જઈ રહ્યું છે. એટલે ભોળાભાઈને વિચાર આવ્યો કે પ્રાકૃતિક ખેતીથી કંઈક અલગ કરીએ. જેનાથી જમીન અને લોકોનું એકસાથે પોષણ થઈ શકે. માટે તેમણે પ્રાકૃતિક ખેતીથી બાગાયતી પાકો લેવાનું શરૂં કર્યું. જેમ જેમ ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી તેમજ વિવિધ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી શિબિરોમાંથી ભોળાભાઈ માહિતી મેળવતા ગયા તેમ તેમ તેમના જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. ભોળાભાઈએ લાલ સીતાફળનું વાવેતર કરીને નવો પ્રયોગ શરૂં કર્યો. અને આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે લોકો લાલ સીતાફળ ખરીદવા ભોળાભાઈની વાડી શોધતા આવે છે. તમામ ઉત્પાદનનું વેચાણ તેમની વાડીએથી જ થઈ જાય છે. સામન્ય રીતે તેઓ ચોમાસામાં આ ફળની વાવણીનું કાર્ય શરૂં કરી દે છે. બોટાદના લાલ જામફળ તો સમગ્ર દેશમાં વખણાય છે અને હવે બોટાદની નવી ઓળખાણ છે લાલ સીતાફળ. ભોળાભાઈ વડોદ ખાતેથી 300 જેટલા લાલ સીતાફળના છોડ લાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવેતર કરવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે બજારમાં મળતાં લીલા સીતાફળ કરતા આ લાલ સીતાફળ સ્વાદમાં વધુ સ્વાદિષ્ટ છે. તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી આ સીતાફળનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. ભોળાભાઈ પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે, “હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બાગાયતી ખેતી કરી રહ્યો છું. બાગાયતમાં મેં લાલ સીતાફળનું વાવેતર કર્યું છે. જેનો બજાર ભાવ રૂ. 150 પ્રતિ કિલો છે. આ વર્ષે મને 2,000 કિલો કરતા વધારે સીતાફળનું ઉત્પાદન મળ્યું છે. ઉપરાંત આંતર પાક તરીકે મેં ચણાનું વાવેતર કર્યું છે. તેનું પણ ખૂબ સારૂં ઉત્પાદન મળ્યું છે.” પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા અંગે ખેડૂતોને અનુરોધ કરતા ભોળાભાઈ જણાવે છે કે, “પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ શૂન્ય અને આવક વધારે છે. માટે દરેક ખેડૂતભાઈઓએ પ્રાકૃતિક કૃષિ કરવી જ જોઈએ. જેમ આપણાં વડાપ્રધાન મોદી કહે છે તેમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી ઓછો ખર્ચ અને બમણી આવક થાય છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનાવવા માટે ઘનિષ્ઠ પ્રયાસો આદર્યા છે. ત્યારે ભોળાભાઈ જેવા ઈનોવેટિવ ખેડૂતો પ્રેરણારૂપ બન્યા છે. આટલું જ નહીં ભોળાભાઈ પ્રાકૃતિક કૃષિ તરફ અન્ય ખેડૂતોને પણ પ્રેરી રહ્યા છે. તેઓ અવારનવાર અન્ય ખેડૂતો માટે વર્કશોપ અને તાલીમ સત્રો યોજે છે, તેમની સાથે તેમનું જ્ઞાન અને તકનીકોનું આદાન-પ્રદાન કરે છે.