પ્રતિપાલસિંહ ગોહિલ, ઈમરાન હોથી કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ગેરકાયદે ભરતીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કરને વધુ ચોંકાવનારી હકીકત આધારભૂત પુરાવા સાથે મળી છે. જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ સ્ટેચ્યુટની કલમ 21 અને 8નો ભંગ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી જઈ ઈન્ટરવ્યૂની કમિટીમાં બે સભ્યોને ખોટી રીતે ઘૂસાડી દેવાયા હતા. જેમાં એક વ્યક્તિને તો કમિટીના વડા તરીકેની જવાબદારી સોંપાઇ હતી. ત્યારે સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદામાં એવું સ્પષ્ટપણે નોંધ્યું છે કે જો સ્ટેચ્યુટના નિયમ વિરૂધ્ધ કમિટીમાં કોઇપણને લેવામાં આવે અને એ કમિટી દ્વારા સાચી રીતે ભરતી પ્રક્રિયા થઈ હોય તો આ ભરતી પણ સંપૂર્ણપણે ગેરકાયદે ગણાય. આમ કચ્છ યુનિવર્સિટીએ જે ગેરકાયદે ભરતી કૌભાંડ આચર્યું છે તેમાં સ્ટેચ્યુટ અને રાજ્યની તેમજ દેશની વડી અદાલતના ચુકાદાનું પણ ઉલ્લંઘન કર્યું છે. હાલ ઉચ્ચ શિક્ષણ કમિશનરે નિમેલી સમિતિ તપાસ કરી રહી છે તેઓ આ મુદ્દા પર તપાસ કરશે તો સત્ય વિગતો બહાર આવી શકશે. કુલપતિના નોમિની તરીકે કોલેજના ટ્રસ્ટીને બેસાડી દેવાયા !
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ-2024ની કલમ 21માં એવું સ્પષ્ટપણે જણાવાયું છે કે જે કોલેજ અથવા તો યુનિવર્સિટી સાથે એફિલેટેડ સંસ્થા નેક એક્રિલેટેડ હોય તો જ તે કોલેજ અથવા સંસ્થામાંથી સંસ્થાના વડા કે સંસ્થાના પ્રોફેસરને આ સમિતિમાં સમાવી શકાય. આ અંગે પાટણ યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આ કલમના અમલ માટે સ્ટે પણ આપેલો છે. આમ છતાં સત્તાધીશોએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની આ શરતોનું પાલન ન કરનાર સંસ્થાના વડાને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે સ્વીકાર્યા છે અને ગેરકાયદે સભ્ય બનાવાયેલા આ બંને શિક્ષણવિદના નામ છે કિરણ આહીર તેમજ કેશરા ટીંડોરિયા. જુલાઈ-2024માં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ગોર આપોઆપ ગેરલાયક ઠરે છતાં કમિટીમાં
31-07-2024ના રોજ ગુજરાત સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ 2024 પ્રસિધ્ધ કર્યો હતો. જો કે કચ્છ યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામક હતા અને તેઓને જ ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવી શકાય. કાયમી રજિસ્ટ્રાર બુટાણીએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી જગ્યા પર લાલન કોલેજના ફિઝિક્સના પ્રોફેસર અનિલ ગોરની 12-03-2024થી નિમણૂક કરી દેવામાં આવી હતી. સ્ટેચ્યુટના નિયમ 8 મુજબ અનિલ ગોરે 31-07-2024ના રોજ આ ચાર્જ સ્વયં મૂકી દેવો જોઈએ અને જો તેઓ આવું ન કરે તો તેઓ ઈન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ગેરલાયક કહેવાય.