ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટર માર્ટિન ગુપ્ટિલે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટર છે. ગુપ્ટિલે 2015ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 રનની અણનમ ઈનિંગ રમી હતી. ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલમાં કિવી માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તે હાલમાં સુપર સ્મેશ ટુર્નામેન્ટમાં ઓકલેન્ડ એસિસની કેપ્ટનશિપ કરી રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બ્લેકકેપ્સ માટે 14 વર્ષ સુધી રમવું એ સૌથી મોટું સન્માન છે. ન્યૂઝીલેન્ડ માટે રમવાનું મારું સપનું હતું
ગુપ્ટિલે કહ્યું, બાળપણથી જ ન્યૂઝીલેન્ડ માટે રમવાનું મારું સપનું હતું. હું મારા દેશ માટે 367 મેચ રમીને ભાગ્યશાળી માનું છું. હું મારા તમામ સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો આભાર માનું છું. ખાસ કરીને માર્ક ઓ’ડોનેલ, જેણે મને અંડર-19 સ્ટેજ પર ટ્રેનિંગ આપી હતી. 14 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો
38 વર્ષીય ગુપ્ટિલ ન્યૂઝીલેન્ડ માટે 14 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. 2009 થી 2022 સુધી, માર્ટિન ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ માટે 367 મેચ રમી હતી, જે દરમિયાન તેણે 23 સદી પણ ફટકારી હતી. ગુપ્ટિલે 2009માં વેસ્ટ ઈન્ડિઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. T-20માં કિવિઝના સર્વશ્રેષ્ઠ બેટર ગુપ્ટિલે 122 T-20માં 3531 રન બનાવ્યા છે. ODIમાં માર્ટિને 198 મેચમાં 7346 રન બનાવ્યા છે. તે ન્યૂઝીલેન્ડ માટે વન-ડેમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેનાથી આગળ રોસ ટેલર અને સ્ટીફન ફ્લેમિંગ છે. ડેબ્યૂ વન-ડેમાં સદી ફટકારનાર પ્રથમ કિવી બેટર
2009માં ડેબ્યૂ કરનાર ગુપ્ટિલ તેની પ્રથમ વન-ડેમાં સદી ફટકારનાર પ્રથમ કિવી બેટર બન્યો હતો. તેણે ઈડન પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 135 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી. ODI વર્લ્ડ કપમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ ગુપ્ટિલના નામે છે. તેણે 163 બોલમાં 24 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી અણનમ 237 રન બનાવ્યા હતા. ODI ક્રિકેટમાં કિવિ બેટર્સનો આ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર પણ છે. 47 ટેસ્ટ મેચ રમ્યો
ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ માટે 47 ટેસ્ટ રમી હતી અને 2586 રન બનાવ્યા હતા. જેમાં તેણે 17 અડધી સદી અને ત્રણ સદી ફટકારી હતી. તેણે 2010માં સેડન પાર્ક ખાતે બાંગ્લાદેશ સામે 189 રન, 2011માં બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં ઝિમ્બાબ્વે સામે 109 રન અને 2015માં ડ્યુનેડિન ખાતે શ્રીલંકા સામે 156 રન બનાવ્યા હતા.