ઉત્તરના બર્ફિલા પવનો સક્રિય થવાના કારણે ગુજરાતમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી આકરી ઠંડી અનુભવાઇ રહી છે. ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો રાજકોટમાં ઠંડીએ ધુક્કા બોલાવ્યાં છે. છેલ્લા દશ વર્ષમાં પહેલી વખત લધુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે. જો હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટે શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છની હાડ થીજાવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં આકરી ઠંડી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજકોટમાં દાયકાનો સૌથી ઠંડો દિવસ
રાજકોટ શહેરમાં બુધવારની સવાર આકરી ઠંડી સાથે શરૂ થઈ હતી. ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતા 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું છે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય રહેતા બપોર સુધી ઠંડીમાં રાહત હતી જોકે સાંજના સમયે ફરી ઠાર પડતા પારો 19 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો હતો. આ સાથે રાજકોટ સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી ઠંડું મથક દર વખતની જેમ નલિયા રહ્યું છે, જ્યારે તાપમાન 3 ડિગ્રી નોંધાયું છે. તાપમાનનો નવો રેકોર્ડ બને તેવી શક્યતા
રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લે 2014માં 1 જાન્યુઆરીએ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે. ત્યારબાદ 2020માં 7.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને હવે 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા એક મહિનાથી રાજકોટમાં જે રીતે ઠાર પડી રહ્યો છે તે જોતા આ વર્ષે ન્યૂનતમ તાપમાનનો નવો રેકોર્ડ બને તેવી શક્યતા છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, કચ્છમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે. બુધવારે નલિયામાં પારો ગગડીને 3 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી તીવ્ર ઠાર અનુભવાયો હતો. કંડલા એરપોર્ટ મથક 8.1 ડિગ્રીએ રાજ્યમાં ત્રીજા ક્રમે ઠર્યું હતું તો ભુજમાં પારો 9.2 ડિગ્રી થતાં ચાલુ શિયાળે સાથે પ્રથમવાર ઠંડી એક આંકે પહોંચી હતી. નલિયામાં ઠાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ ન્યૂનતમ પારો વધુ 3 આંક નીચે સરકીને 3 ડિગ્રીએ પહોંચતાં હાડ થીજાવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠારનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું. જો કે, મહત્તમ તાપમાન 26.6 ડિગ્રીએ પહોંચતાં મધ્યાહ્ને ઠંડીમાં રાહત વર્તાઇ હતી. દાહોદમાં સિઝનનું સૌથી નીચું 8.71 ડિગ્રી તાપમાન
દાહોદ શહેર સહિત જિલ્લામાં સોમવારના રોજથી કડકડતી ઠંડી ફરીથી શરૂ થઇ છે. ત્યારે બુધવારે આ સિઝનનું સૌથી ઓછુ તાપમાન 8.71 ડિગ્રી નોંધાયું હતું. જેમ-જેમ દિવસ વધતો ગયો હતો તેમ-તેમ તાપમાનનો પારો પણ વધ્યો હતો. પરંતુ શીતલહેરને કારણે લોકોને આખો દિવસ ઠંડી અનુભવાઇ હતી. થોડા સમય પહેલાં વરસાદની આગાહી વખતે બદલાયેલા વાતાવરણને કારણે ઠંડીની તિવ્રતામાં વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે પારો 15 ડિગ્રી, આજથી ઠંડી ઘટશે
સતત બીજા દિવસે સુરત શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નજીક રહ્યો હતો. જોકે, આગામી બે દિવસમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થઇ શકે છે. જેથી લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધી શકે છે. જ્યારે દિવસનું તાપમાન 1 ડિગ્રી વઘ-ઘટ થઇ શકે છે. બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 29.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 66 ટકા અને સાંજે 34 ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનનો ફૂંકાયા હતા. મકરસંક્રાંતિએ આકાશ સ્વચ્છ રહેશે
10થી 14 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિનો અંદાજ મકરસંક્રાંતિએ લોકોને સૌથી વધુ રસ આકાશ સ્વચ્છ રહે તેમાં અને પવનની ગતિમાં હવામાન વિભાગની આગાહીમાં હોય છે. હાલની સ્થિતિએ હવામાન વિભાગના અંદાજ મુજબ મકરસંક્રાંતિ અને તેના આગળના દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે. પવનની ગતિ અંગે સ્પષ્ટ અનુમાન બે ત્રણ દિવસ પછી લગાવી શકાશે. જોકે હવામાનના વિવિધ રડારના આધારે જે અલગ અલગ મોડેલ પર આગાહી કરવામાં આવે છે તેના મુજબ પવનની ગતિ 10થી 14 કિ.મી. પ્રતિ કલાક રહેશે એટલે કે પતંગની મજા લઈ શકાશે. કાતિલ કૉલ્ડવેવથી યુપીમાં 29નાં મોત, ઉત્તરનાં 9 રાજ્યમાં કૉલ્ડવેવ એલર્ટ
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં કાલિત કૉલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તર પ્રદેશમાં આકરી ઠંડીના કારણે 24 કલાકમાં 29 લોકોના મોત નિપજ્યાં હતા. હવામાન વિભાગે બુધવારે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 9 રાજ્ય માટે કૉલ્ડવેવ એલર્ટ જારી કર્યું છે. યુપીના 16 જિલ્લામાં કૉલ્ડવેવ એલર્ટ છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના 35 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસમાં વિવિધ જિલ્લામાં વરસાદ અને કરાં પડવાની આગાહી કરવામાં આવી છે. કાશ્મીરના ગુલમર્ગમાં બુધવારે લઘુત્તમ તાપમાન માઇનસ 9.8 ડિગ્રી નોંધાયું હતું. માત્ર ઉત્તર ભારત નહીં તમિલનાડુના ઉદગમંડલમ (ઉટી)માં પણ શૂન્ય ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આકરી ઠંડીના પગલે દેશના 17 રાજ્યમાં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ પરિવહન અને વિમાન સેવાને અસર પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમા તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. કાશ્મીરમા બરફવર્ષાને કારણે માર્ગો પર દોઢથી પાંચ ફૂટ બરફના થર જામ્યા છે. રાજધાની દિલ્હીમાં જો કે બુધવારે ઠંડીમાંથી સામાન્ય રાહત મળી હતી. હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં કૉલ્ડવેવ
હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર તથા મધ્ય ભારતના રાજ્યોમાં આગામી 5 દિવસ આકરી ઠંડીની સ્થિતિ યથાવત રહેશે એવી આગાહી કરી છે. ઉત્તર ભારતના તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં કૉલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે.