મિહિર ભટ્ટ
ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી ત્યારબાદ દેશને આર્થિક નુકસાન પહોંચાડતા ષડયંત્રને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે. અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની 23 ભૂતિયા કંપનીઓ છેલ્લા એક દાયકાથી ધમધમી રહી હોવાનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો છે. ખોટા સરનામે રજિસ્ટર થયેલી અને માત્ર કાગળ પર જ ચાલતી આવી કંપનીઓએ છેલ્લા એક દાયકામાં કરોડો રૂપિયા બાંગ્લાદેશ સગેવગે કર્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લગભગ એક ડઝન લોકોની હાલ ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ ચાલુ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે શરદ સિંઘલ અને ડીસીપી તરીકે અજિત રાજીયણની નિમણૂક થઈ ત્યારથી ઈન્ટરનલ સિક્યુરિટીની ગતિવિધિઓ પર કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. જેમાં ચંડોળા વિસ્તાર સહિત રાજ્યમાં મોટા પાયે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુધ્ધ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન શરૂ કર્યું હતુ. આ ગેરકાયદે ઘૂસણખોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો ત્યારે ભૂતિયા કંપનીઓના ફંડના હવાલા બાંગ્લાદેશમાં પડતા હોવાના પુરાવા મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડેલા બાંગ્લાદેશીઓના કારોબાર અંગે તપાસ થઈ ત્યારે કેટલાકની ફ્રૂટની કંપનીઓ તો કેટલાકની સ્ક્રેપની કંપનીઓ વર્ષ 2014-15 અને 2018-19માં રજીસ્ટર થઈ હોવાનું સામે આવ્યું હતુ. આવી કુલ અત્યાર સુધીમાં 23 કંપનીઓ ક્રાઈમ બ્રાન્ચને મળી છે. જેની ચંડોળાના સરનામે તપાસ કરતા ત્યાં આવું કોઈ સરનામું હયાત જ નહીં હોવાનું અને કંપનીઓ માત્ર કાગળ પર જ ચાલતી હોવાનું ખુલ્યું હતુ. ત્યાર બાદ કંપનીઓના વ્યવહારો તપાસતા દિલ્હીની કેટલીક કંપનીઓ થકી બાંગ્લાદેશમાં ચોક્કસ જગ્યાએ હવાલા પડતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઓગસ્ટ મહિનાના અંતમાં જ્યારે ક્રાઈમ બ્રાન્ચનું ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે જ ‘દિવ્ય ભાસ્કર’એ હવાલા નેટવર્ક અંગે ઘટસ્ફોટ કર્યો હતો. જેના પર હવે ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર મહોર મારી છે અને હવાલા નેટવર્કની તપાસ થતી હોવાનું અને ટૂંક સમયમાં ફરિયાદ નોંધવા અંગે પણ જણાવ્યું હતું. ED-NIA ની એન્ટ્રીથી વધુ મોટાં ઓપરેશનની શક્યતા
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે, એકવાર હવાલા રેકેટની ફરિયાદ નોંધાયા બાદ આ અંગે ED અને જરૂર પડે NIA ને પણ જાણ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, ફંડ બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ કે ત્યાંના હિન્દુઓ વિરુદ્ધ વપરાતું હશે તો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પણ આ મુદ્દે જાણ કરવામાં આવશે. એટલું જ નહીં હવાલામાં એક કરતા અનેક સેન્ટરો હશે તો ED ની મદદથી દેશભરમાં મોટા પાયે ઓપરેશન કરવામાં આવશે. કેવી કંપનીઓ રજિસ્ટર થઈ? { ફ્રૂટ એક્સપોર્ટની કંપની
{ સ્ક્રેપ ખરીદ-વેચાણની કંપની { રો મટીરિયલની કંપની
{ લોજિસ્ટિક સપોર્ટની કંપની { કપડાના ટ્રેડિંગની કંપની જ્યાં બિલ્ડિંગ જ નથી ત્યાંના ઓફિસ એડ્રેસ: DCP
‘ભાસ્કર’ના આ ઈન્વેસ્ટિગેશન અંગે જ્યારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયણને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ રેકેટનું સમર્થન આપતા કહ્યું હતુ કે, કંપનીઓ જે બિલ્ડિંગમાં રજીસ્ટર છે ત્યાં એવી કોઈ બિલ્ડિંગ જ હયાત નથી. આ મુદ્દે ટૂંક સમયમાં ફરિયાદ નોંધાશે.