ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે. એવામાં આજે 10 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં, બજારમાં વેચાતી દોરીઓ પર, જેમાં કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે એના પર પણ પ્રતિબંધ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોટન દોરી, જે ગ્લાસ કોટિંગ (કાચના પાઉડરથી રંગેલી દોરી) કરેલી હોય એનાં ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા પર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે. એને લઇને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે. ગયા વર્ષે ઉત્તરાયણમાં 13 હજાર પક્ષી ઘાયલ
આ મુદ્દે અગાઉ 8 જાન્યુઆરીના રોજ ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એમાં અરજદારના વકીલ ભુનેશ રૂપેરાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના ઘાતક માંજાથી માણસો તો ઘવાય જ છે, પક્ષીઓ પણ ઘવાય છે. ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં 13 હજાર જેટલાં પક્ષી ઘાયલ થયાં હતાં અને 1 હજાર કરતાં વધુ પક્ષીનાં મોત થયાં હતાં. હાઈકોર્ટે જણાવાયું હતું કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ સામે રાજ્ય સરકાર દ્વારા સર્ક્યુલર અને નોટિફિકેશન જાહેર થયાં હતાં. NGT અને હાઈકોર્ટના નિર્દેશો પણ આવી દોરીના ઉત્પાદક, વેચાણકર્તા, વાપરનારા પર પગલાં લેવા માટે આપ્યા હતા. રાજ્ય સરકાર કામગીરીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરશે
સરકારી વકીલે જણાવ્યું હતું કે આ ઉત્તરાયણ માટે પણ રાજ્ય સરકારે આ બાબતે પગલાં લીધાં છે. ચાઇનીઝ નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયેલો છે. આ કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. 24 ડિસેમ્બર, 2024ના રોજ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ વિરુદ્ધ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. રાજ્યના દરેક શહેરના પોલીસ કમિશનર, કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદક, વેચાણકર્તા, ખરીદનાર અને વાપરનારા સામે પગલાં લેવા જણાવાયું હતું, જેની ડ્રાઇવ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આવા લોકોને અરેસ્ટ કરીને આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવે છે. આ મુદ્દે જાગરુકતા અભિયાન પણ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ, ખેડાનો સમાવેશ થાય છે. ઉત્પાદક સામે પગલાં ન લેવાય તો પ્રતિબંધ શું કામનો?
અરજદારના વકીલે જણાવ્યું હતું કે પોલીસ ઉત્પાદક સામે કોઈ પગલાં લેતી નથી, જ્યારે કોઈની પાસેથી ચાઇનીઝ દોરીની એક ફિરકી પકડાય અને FIR થાય છે. ચાઇનીઝ માંજામાં મેટાલિક નાયલોન અને ઉપર ગ્લાસ કોટિંગ થાય છે. કોર્ટે કહ્યું હતું કે જો ચાઇનીઝ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ ઉત્પાદક સામે પગલાં ના લેવાય તો શું કામનું? જો ઉત્પાદક જ ઉત્પાદન નહિ કરે તો લોકો ચાઇનીઝ માંજો વાપરશે નહિ. સરકારી વકીલે જણાવ્યું હતું કે સુરત માંજા ઉત્પાદનનું હબ છે અને ત્યાં પગલાં ભરવામાં આવ્યાં છે. અરજદારે જણાવ્યુ હતું કે ફક્ત ચાઇનીઝ માંજો નહિ, પણ ગ્લાસ કોટેડ માંજા પર પણ પ્રતિબંધ છે. આ મુદ્દે થયેલી કામગીરીની વિગતો સાથે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે. આ માંજાથી પક્ષીઓ, પ્રાણીઓ, પર્યાવરણ અને માણસોને નુકસાન થાય છે
ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આ જાહેરહિતની અરજી વર્ષ 2016માં સિદ્ધરાજસિંહ ચૂડાસમા અને બોમ્બે હ્યુમેનિટેરિયન લીગ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં પાછળથી પક્ષકાર તરીકે PETA પણ જોડાયુ હતું. આ અરજીમાં અરજદારે પતંગ ચગાવવા પર પ્રતિબંધની માગ કરી દીધી હતી. વળી, ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ કલોટિંગ દોરીઓ પર પ્રતિબંધની માગ કરી હતી. આ માંજાથી પક્ષીઓ, પ્રાણીઓ, પર્યાવરણ અને માણસોને નુકસાન થાય છે, જોકે ગુજરાતમાં મકરસંક્રાંતિએ પતંગ ઉડાડવો કોઈ નવી વાત નથી. ચાઇનીઝ માંજો અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ યોગ્ય છે
આ અરજીના જવાબમાં અગાઉ રાજ્ય સરકાર દ્વારા મકરસંક્રાંતિનું મહત્ત્વ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ સાથે જ વર્ષ 2016માં નાયલોન માંજા અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અરજીમાં માંજો વેચતા લોકોને પણ જોડવામાં આવ્યા હજારો લોકોની આજીવિકા માંજા અને પતંગની બનાવટ સાથે સંકળાયેલા છે. સામાન્ય તમામ લોકો ઉત્તરાયણ ઊજવે છે. નીચી આવક ધરાવતા વર્ગના લોકો પતંગ અને દોરીના કામ સાથે સંકળાયેલા છે. કોટન માંજો તૂટી જાય છે અને પર્યાવરણને નુકસાનકર્તા નથી. ચાઇનીઝ માંજો અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ યોગ્ય છે. માત્ર સર્ક્યુલર જાહેર કરવાનો કોઈ હેતુ સરે નહિ- હાઈકોર્ટ
હાઇકોર્ટ 13 જાન્યુઆરી, 2017ના રોજ ચાઈનીઝ માંજો અને તુક્કલના ઉત્પાદન, ખરીદ, વેચાણ અને ઉપયોગ અટકાવવા નિર્દેશ આપ્યા હતા. આવા લોકો સામે પગલાં લેવા અને લોકોને આ વિશે મીડિયા દ્વારા જાગરુક કરવા જણાવ્યું હતું. 6 જાન્યુઆરી, 2023ના રોજ સરકારે હાઇકોર્ટમાં 13 જાન્યુઆરી, 2017ના હાઈકોર્ટના હુકમ પર કામ થતું હોવાનું જણાવ્યું હતું, જોકે હાઈકોર્ટ એ સમયે સરકારના અસ્પષ્ટ સોગંદનામાંથી નારાજ થઈ હતી, કારણ કે એમાં ઓથોરિટીએ ભરેલા પગલાંનું વિવરણ જ નહોતું. હાઇકોર્ટે કહ્યું હતું કે માત્ર સર્ક્યુલર જાહેર કરવાથી કોઈ હેતુ સરે નહિ. રાજ્ય કોર્ટના વિશ્વાસનું સંપાદન કરી શક્યું નથી. રાજ્ય સરકારે મીડિયામાં જાગરૂકતા વિશે પણ કંઈ જણાવ્યું નહોતું. આ સાથે જ હાઇકોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીની એફિડેવિટ માગ્યું હતું. સાયબર ક્રાઇમ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણકર્તાઓ સામે વોચ રખાય છે
7 જાન્યુઆરી, 2023એ હાઇકોર્ટમાં રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ JCPની એફિડેવિટ રજૂ કરાયું હતું, જેમાં ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગરૂક કરાઈ રહ્યા છે, લાઉડસ્પીકરનો પણ એના માટે ઉપયોગ કરાય છે, શાળા-કોલેજોમાં જાહેરાત કરાય છે, LED બોર્ડ પર જાહેરાત કરાય છે, પોલીસ હેલ્પલાઇન પર માહિતી આપવા લોકોને પ્રેરવામાં આવે છે, સાયબર ક્રાઇમ દ્વારા પણ ઓનલાઈન આવા ચાઇનીઝ દોરીના વેચાણકર્તા સામે વોચ રાખવામાં આવે છે. બે વર્ષ પછી ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાઈ
13 જાન્યુઆરી, 2023માં રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે કોઈને નુકસાન ન થાય એ મુજબ વર્ષ 2023ની ઉત્તરાયણ ઊજવવામાં આવશે. ચાઈનીઝ માંજાના ઓનલાઈન વેચાણ અંગે પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. આ અરજીમાં પક્ષકાર તરીકે PETA પણ જોડાયું હતું. તેણે કહ્યું હતું કે તે ઘાયલ પક્ષીઓ માટે NGO સપોર્ટ આપવા તૈયાર છે, પરંતુ પોલીસ શા માટે મદદ લેવાની ના પાડી રહી છે એ સમજાતું નથી. તેઓ પોલીસને પણ ફૂડ પેકેટ અને પાણીની સુવિધા પણ આપે છે. છેલ્લે 13 જાન્યુઆરી, 2023 બાદ બે વર્ષ પછી ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાઈ હતી.