દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતનાં મહત્ત્વપૂર્ણ સ્થળો પર સંભવત: આજથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાશે એવું સૂત્રોમાંથી જાણવા મળે છે.જેમાં તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલાં દબાણો દૂર કરવા તડામાર તૈયારી સાથે જોરદાર ગતિવિધિ ચાલી રહી છે.
આ મેગા ડિમોલિશનની કામગીરી રાજ્ય સરકારના આદેશાનુસાર વહીવટીતંત્રના જિલ્લા કલેક્ટર કચેરી, નગરપાલિકા, પીજીવીસીએલ તથા પોલીસ વિભાગ વચ્ચે સંકલન સાધી સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે. જે અંગે શુક્રવારે બપોરે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ પણ યોજાઈ ગઇ છે. દબાણકર્તાઓને કાનૂની જોગવાઈ અનુસાર નિયત સમય મર્યાદામાં દબાણો હટાવી લેવાની નોટિસો અપાયાની મુદત પૂર્ણ થઈ ગઈ હોઈ આજે સવારથી આ મેગા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. દરિયાઈ સીમાથી ઘૂસણખોરી, દેશની સુરક્ષા સહિતના મુદ્દાઓને ધ્યાને લઈ આ વિસ્તારમાંથી તમામ ગેરકાયદે દબાણો હટાવવા તંત્રએ કમર કસી છે. બેટ દ્વારકામાં પુનઃ થયેલાં દબાણો પણ હટાવાશે
યાત્રાધામ બેટ દ્વારકામાં આશરે એકાદ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરાયા બાદ ત્યાં પુનઃ દબાણો થયાં હોઈ તે પણ તંત્રના ધ્યાને આવેલા હોઈ આવા પુનઃ થયેલાં દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે બનેલાં કાચાં-પાકાં મકાનો તથા કોમર્શિયલ બાંધકામને તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.