કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટાર ફાસ્ટ બોલર રેણુકા સિંહ વિના પણ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની વન-ડે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આજે ભારતીય વુમન્સ અને આયર્લેન્ડ વુમન્સ વચ્ચે 3 મેચની સિરીઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આયર્લેન્ડે આપેલા 239 રનના ટાર્ગેટને ભારતીય વુમન્સ ટીમે 4 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. અગાઉ આયર્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. કેપ્ટન ગેબી લેવિસના 92 રન અને લીહ પોલના 59 રનની મદદથી ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની વુમન્સ ટીમ તરફથી ઓપનર પ્રતિકા રાવલે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 89 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે તજલ હસબનીસે 53 રનની અણનમ ઇનિંગ રમીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે માત્ર 34.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 239 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પ્રતિકા રાવલને તેની ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આયર્લેન્ડની ખરાબ શરૂઆત, પછી આયરિશ કેપ્ટનની શાનદાર ઇનિંગ
આયર્લેન્ડની વુમન્સ ટીમે પહેલી બેટિંગ કરતા પોતાની પહેલી ચાર વિકેટ માત્ર 56 રનમાં ગુમાવી દીધી હતી. યુવા ઝડપી બોલર તિતાસ સાધુ અને સ્પિનર પ્રિયાએ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રિયા તો હેટ્રિક પણ ચૂકી ગઈ. આવી સ્થિતિમાં, આયરિશ કેપ્ટન ગેબી લેવિસ પર એક મોટી જવાબદારી આવી પડી અને તેણે પોતાની ટીમને નિરાશ ન કરી. લેવિસ અને લીહ પોલે 117 રનની પાર્ટનરશિપ કરી. આ દરમિયાન બન્નેએ ફિફ્ટી પણ પૂરી કરી. આ પછી કેપ્ટન લેવિસ સદી ચૂકી અને 92 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ હતી. આ બન્ને બેટર્સની ઇનિંગની મદદથી આયરિશ ટીમે 238 રન બનાવ્યા. ભારતીય ટીમ તરફથી પ્રિયા મિશ્રાએ 2 વિકેટ લીધી. જ્યારે તિતાસ સાધુ, દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી. તો ડેબ્યૂટન્ટ બોલર સાયલી સતઘરેએ પણ અસરકારક બોલિંગ કરી અને 1 વિકેટ લીધી. ભારતીય મહિલા ટીમે ઘરઆંગણે વન-ડેમાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવ્યો
ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે 238 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી ત્યારે કેપ્ટન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ ટીમને જોરદાર શરૂઆત આપી અને પહેલી વિકેટ માટે 70 રનની પાર્ટનરશિપ કરી. આ સાથે, બંનેએ સાથે મળીને એક મોટી સિદ્ધિ મેળવી. જેમાં ટીમ ઈન્ડિયા, પહેલીવાર, ઘરઆંગણે વન-ડે મેચના પાવરપ્લેમાં 70 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી છે. અગાઉ, ઘરઆંગણે મહિલા વન-ડેમાં ભારતનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર 69 રન હતો, જે તેમણે ગયા વર્ષે અમદાવાદમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રમાયેલી મેચમાં બનાવ્યો હતો. પ્રતિકા રાવલ સેન્ચુરી ચૂકી, ભારતે ટાર્ગેટ 34.3 ઓવરમાં ચેઝ કર્યો
કેપ્ટન મંધાના 29 બોલમાં 41 રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી હરલિન દેઓલ (20 રન) અને જેમિમાહ રોડ્રિગ્સ (9 રન) પણ આઉટ થઈ ગઈ હતી. પછી તેજલ હસબનીસ સાથે મળીને પ્રતિકાએ સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. પ્રતિકાએ 96 બોલમાં 89 રન બનાવીને આઉટ થઈ હતી. જ્યારે તેજલ હસબનીસે 56 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી. અંતે રિચા ઘોષે 2 બોલમાં 2 ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. ભારતીય ટીમે 239 રનના ટાર્ગેટને 34.3 ઓવરમાં જ ચેઝ કર્યો હતો. અહીંથી વાંચો…ડેબ્યૂટન્ટ સાયલી સતઘરેની માતાએ દિવ્ય ભાસ્કરને શું કહ્યું…
આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે મુંબઈની રહેવાસી 24 વર્ષીય સાયલી સતઘરેએ ડેબ્યુ કર્યું છે. આજે તેમના પરિવારજનો ઈન્ડિયન ટીમમાં સ્થાન મળતા દીકરીનો પ્રથમ મેચ જોવા ખાસ આવ્યા છે અને તેમણે દિવ્યભાસ્કર સાથ વાત કરતા હવે દીકરી પોતાના સ્વપ્નથી એક સ્ટેપ દૂર હોવાનું અને હવે તેમના હાથમાં વર્લ્ડકપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજકોટમાં પહેલીવાર મહિલા ક્રિકેટ જોવા માટે રાજકોટની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત 5000 થી વધુ ક્રિકેટ રસિકો આવી પહોંચ્યા હતા. ખાસ મહિલા ટીમને ચીયરઅપ કરતા યુવતીઓએ ગો ગો વુમન ઈન બ્લ્યુ વી આર પ્રાઉડ ઑફ યુ ના નારા લગાવ્યા હતા. સતત ત્રણ દિવસ બન્ને ટીમના ખેલાડીઓએ કડકડતી ઠંડીમાં મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવામાં આવ્યા બાદ આજે 11 વાગ્યે મેચ શરૂ થતા પહેલા પણ ખેલાડીઓએ વોર્મઅપ કર્યું હતું. વોર્મઅપ સેશન પૂર્ણ થયા બાદ આજે ટીમ ઈન્ડિયામાં નવી એક ખેલાડી કે જે મૂળ મુંબઈની વતની અને ઓલરાઉન્ડર ખેલાડી સાયલી સતઘરેનું ડેબ્યુ કર્યું હતું. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેને ઈન્ડિયન ટીમની કેપ આપી હતી. આ મોમેન્ટ જોઈને સાયલીના માતા પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. સાયલીની માતાએ કહ્યું- વર્ષોથી રાહ જોતા હતા, તે આજે પુરું થયું
સાયલીના માતા સ્વાતિ સતઘરેએ જણાવ્યું હતું કે, આજે અમે ખુબ ખુશ છીએ. સાયલી છેલ્લા 14-15 વર્ષથી ક્રિકેટ રમી રહી છે. આજે એ દિવસ આવ્યો છે જે દિવસનો અમે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. એનું પહેલેથી સપનું હતું કે ભારત માટે રમવું છે. વર્ષ 2011નો વર્લ્ડકપ ભારત જીત્યું એ સમયે તેને નક્કી કર્યું હતું કે મારે પણ ભારત ટીમ માટે રમવું છે. અત્યારસુધીની તેની જર્ની ખુબ જ કઠિન રહી છે. ખુબ જ ડિસિપ્લિન સાથે તે કામ કરી રહી છે. તેણે કોઈ દિવસ પ્રેક્ટિસ છોડી નથી. તેનું જમવાનું, જિમ, પ્રેક્ટિસ બધા જ શિડ્યુલ નક્કી હોય છે અને એ કોઈ દિવસ છોડતી નથી. ભારત માટે વર્લ્ડ કપ લાવવો, તેનો મુખ્ય ગોલ
સાયલીની માતા સ્વાતિ સરઘરેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સાયલીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે અને ક્રિકેટ જ એનો મુખ્ય ગોલ છે. તેના ગોલ થી એ એક સ્ટેપ દૂર છે. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડકપ જીતીને લાવવાનો મુખ્ય ગોલ છે. અમારી પણ એવી જ આશા છે અને સ્વપ્ન છે કે તે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપમાં જીત અપાવી અને તેના હાથમાં વર્લ્ડકપ હોય તે અમે જોવા માગીએ છીએ. ડોમેસ્ટિક ક્રિકેટમાં ખુબ સારું પર્ફોમન્સ રહ્યું છે. મુંબઈ ટીમની તે કેપટન પણ રહી ચુકી છે. ડોમેસ્ટિક મેચમાં ગુજરાત સામે 19 રન આપી 5 વિકેટ અને નાગાલેન્ડ સામે 17 રન આપી 7 વિકેટ ઝડપી છે. નાગાલેન્ડ સામેની તમામ 7 વિકેટ તેને બોલ્ડ અને LBW સાથે મેળવી હતી. પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી…
આજે પહેલીવાર જયારે આ સ્ટેડિયમ પર મહિલા ક્રિકેટ રમાઈ રહી છે, ત્યારે મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે પ્રેક્ષકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે અને મેચ શરૂ થતા સમય સુધીમાં અલગ અલગ શાળા-કોલજનાં 5000 જેટલા યુવક-યુવતીઓ અને ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આવી પહોંચ્યા છે. અનમોલ સેજપાલ નામની યુવતીએ જણાવ્યું હતું કે, ‘આજે નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલીવાર મહિલા ક્રિકેટ મેચ યોજાઈ છે ત્યારે આ મેચમાં ઈન્ડિયન ટીમને ચીયરઅપ કરવા અમે આવી પહોંચ્યા છીએ. હું પણ આજે પહેલીવાર આ સ્ટેડિયમમાં આવી છું અને ખુબ ખુશ છું તેમજ ખુબ એક્સાઈટેડ પણ છું. લાસ્ટમાં એટલું જ કહીશ કે ગો ગો વુમન ઈન બ્લ્યુ વી આર પ્રાઉડ ઓફ યુ…’ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્લેઇંગ-11
સ્મૃતિ મંધાના (કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, તેજલ હસબનીસ, રિચા ઘોષ (વિકેટકીપર), દિપ્તી શર્મા (વાઇસ કેપ્ટન), સાયલી સતઘરે, સાયમા ઠાકોર, પ્રિયા મિશ્રા અને તિતાસ સાધુ. આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની પ્લેઇંગ-11
ગેબી લેવિસ (કેપ્ટન), સારાહ ફોર્બ્સ, એના રેમન્ડ, ઓર્લા પ્રિન્ડરગાસ્ટ, લૌરા ડેલની, લીહ પોલ, કુલ્ટર રીલી (વિકેટકીપર), આર્લિન કેલી, જ્યોર્જિયા ડેમ્પસી, ફ્રેયા સાર્જન્ટ અને એમી મેગુઇર.