ચંદ્રસી મહેશ્વરી
વૈશ્વિક ધરોહર ધોળાવીરાનો શહેરી વિસ્તાર તરીકે વિકાસ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે કચ્છના તંત્રએ વિકાસ પ્લાન તૈયાર કરવા માટે ઠરાવ સાથેની દરખાસ્ત અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (ઔડા)ને કરી છે.
હડ્ડપનનગરીને વૈશ્વિક વિરાસતનો દરજ્જો અપાયો છે અને અહીં દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે અહીં પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવાની સાથે ધોળાવીરાને વિસ્તાર વિકાસ સત્તા મંડળનો દરજ્જો પણ આપી દેવાયો છે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધોળાવીરા વિસ્તાર વિકાસ સત્તા મંડળના વિકાસ પ્લાન (ડીપી) તૈયાર કરવા માટે તાજેતરમાં જ સ્થાનિક તંત્ર દ્વારા ઠરાવ કરીને દરખાસ્ત ઔડાને મોકલી આપવામાં આવી છે. સરકારે ઔડામાં કંપની બનાવી છે, જે ટાઉન પ્લાનિંગ (ટીપી) અને ડેવલોપમેન્ટ પ્લાન (ડીપી) બનાવવાનું કામ કરે છે. આ કંપની ધોળાવીરાનો વિકાસ પ્લાન (ડીપી) તૈયાર કરશે.
નગર નિયોજક વગેરે દ્વારા અગાઉથી જ ધોળાવીરા સંબંધિત માહિતી તૈયાર કરવામાં આવી છે. ધોળાવીરામાં કેટલી જમીન છે, તેનો શું ઉપયોગ થાય છે, તળાવ, કુવા, રસ્તા વગેરે કેટલા તેનો ડેટાબેઝ સ્થાનિક તંત્રએ તૈયાર કર્યો છે, જે માહિતી આૈડાને અપાશે, ત્યારબાદ ઔડાની ટીમ સ્થાનિકે આવી સરવે કરશે અને આપેલી માહિતીનું એનાલિસીસ કરી ડીપી પ્લાન તૈયાર કરશે. કલેક્ટર બેઠકમાં કામગીરીની સમીક્ષા કરી
તાજેતરમાં જ કચ્છના ક્લેકટર અમિત અરોરાએ ધોળાવીરા વિસ્તાર વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક બોલાવી હતી, જેમાં કલેક્ટરે પ્રાથમિક કામગીરી વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપસ્થિત અધિકારી, કર્મચારીઓએ અત્યાર સુધી થયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.