સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પરણિત યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેકારીના કારણે અને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો. જેથી પત્ની અને સંતાનો નોંધારા થઈ ગયા છે. યુવક એક અઠવાડિયાથી કામની શોધમાં હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના ભટાર હળપતિ વાસમાં 30 વર્ષીય વિજયભાઈ નરેશભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. વિજયભાઈ પત્ની સુશીલાબેન અને 2 સંતાન સાથે રહેતા હતા અને સંચા ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓનું કામ બંધ થયું હતું જેથી કામની શોધ કરતા હતા, ત્યારે ગઈકાલે રાત્રે પરિવાર સુઈ ગયો હતો. ત્યાર પછી વિજયભાઈએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીએ પિતાને ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોયા
આ અંગે પત્ની સુશીલાબેને જણાવ્યું હતું કે, મારા પતિ સંચા ખાતામાં નોકરી કરતા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રે અમે પરિવારના સભ્યો જમીને સુઈ ગયા હતા. ત્યાર બાદ મારી દીકરી મોબાઈલ ફોન જોતી હતી, ત્યારે મોબાઈલ ફોન મુકવા તે રૂમમાં ગઇ ત્યારે વિજય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા જેથી તાત્કાલિક તેને અમને જાણ કરી હતી. યુવકે ટેન્શનમાં આપઘાત કરી લીધો
આ અંગે અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દિવાળી પછી સંચા ખાતામાં હડતાલ પડતા કામ બંધ થઈ ગયું હતું જેથી કામની ચિંતા કરતા હતા. રોજે રોજ કામ શોધવા માટે જતા હતા, પરંતુ કામ મળતું ન હતું. બેકારીના કારણે અને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં આપઘાત કરી લીધો હોવાનું લાગી રહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રત્નકલાકારની પત્નીનો આપઘાત
બીજા બનાવમાં નાના વરાછામાં મોતીનગર સર્કલ પાસે અમરદીપ સોસાયટીમાં 31 વર્ષીય કિંજલબેન ધમેશભાઇ લીંબાણી પરિવાર સાથે રહેતા હતા. કિંજલબેન મુળ ભાવનગરમાં શિહોરના વતની હતી. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જોકે તેમના પતિ રત્નકલાકારનું કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ સવારે કિંજલબેને ઘરમાં ઝેરી દવા પી જતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યા ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. પોલીસે કહ્યુ કે, હીરામાં મંદિના લીધે તેમના પતિનું બરાબર કામ નહી મળતા ઘરમાં નાંણાકીય તકલીફ પડતી હતી. આવા સંજોગોમાં કિંજલબેન માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યુ હોવાની શકયતા છે.