નલિયામાં પડી રહેલી અસહ્ય ઠંડીના પગલે જન જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. ગુરૂવારે ન્યૂનતમ તાપમાન ઉંચકાઇને 5.6 ડિગ્રીએ પહોંચતાં ઠારમાં આંશિક રાહત રહી હતી તો ગાંધીધામ અને અંજારમાં પારો 6.5 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો. આજે શુક્રવારે અને કાલે ઠંડી ઘટશે ત્યાર બાદ ફરી વધવાની આગાહી કરવામાં આવી છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામા ગુરુવારે રાત્રિનું તાપમાન 5.6 ડિગ્રી થયું હતું જે બુધવારની તુલનાએ 2.2 ડિગ્રી વધુ હોથતાં ઠંડીમાં નગણ્ય રાહત થઈ હતી. તીવ્ર ઠારથી બચવા લોકોને સાંજના સમયે હવે ઘરોમાં પણ તાપણા કરવા પડે છે તો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે છે. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી હાડ થીજાવતી ઠંડીના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકો નલિયા આવવાનું ટાળતા હોવાથી બજારો સૂમસામ ભાસે છે અને જન જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. આસપાસના ગામોમાં પણ ઠારનો માર જારી રહ્યો હતો. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારને સાંકળતા કંડલા એરપોર્ટ મથકે પારો ગગડીને 6.5 ડિગ્રી થતાં ચાલુ મોસમનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો. આ વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમે ઠર્યો હતો. સૂર્યાસ્ત થતાં જ લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું તો સવારે પણ મોડેથી બહાર નીકળ્યા હતા. જિલ્લા મથક ભુજમાં બુધવારે પારો એક આંકે રહ્યાના બીજા દિવસે 10.4 ડિગ્રી થતાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી. મહત્તમ તાપમાન 31.1 ડિગ્રીએ પહોંચતાં મધ્યાહ્ને ઠંડી ગાયબ થઇ હતી. કંડલા બંદરે 11.5 ડિગ્રી સાથે ઠારની ધાર તેજ બની હતી. આજે અને કાલે ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે અને બાદમાં ફરી એટલું જ નીચે જશે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. ઠારની અસર : ગોયલા-મોખરા પંથકમાં હીમ પડતાં વાલનો પાક સૂકાયો
નલિયા| અબડાસા તાલુકામાં ઠારની ધાર વધુ તેજ બની છે અને નલિયામાં આ સિઝનમાં પારો નીચે સરકીને 3.4 ડિગ્રીએ પહોંચતાં મારકણો ઠાર લોકોને ધ્રુજાવી રહ્યો છે ત્યારે તાલુકાના મોખરામાં હીમ પડતાં ખેતીના પાકમાં મોટું નુકસાન થયું છે. મોખરાના ખેડૂતે 10 એકર જમીનમાં વાલનો પાક લીધો હતો. હીમ પડતાં અહીં વાલનો પાકો સૂકાઇ ગયો છે. કમોસમી વરસાદ બાદ હવે ઠારના કારણે પાકને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. 65 વર્ષના સમયગાળામાં જાન્યુઆરીમાં નલિયા કરતા ભુજનું સરેરાશ ન્યૂનતમ તાપમાન 0.5 ડિગ્રી નીચું, 1962થી ટોપ 10 ઠંડીમાં 2023નો 40 ટકા ફાળો
લાખોંદ : બુધવારે નલિયાનું તાપમાન 3.4 ડિગ્રી નોંધાતા લોકોએ ફરીથી ગરમ વસ્ત્રો કબાટમાંથી બહાર કાઢ્યા છે, જો કે જાન્યુઆરીમાં આ ઠારની સ્થિતિ 1962થી રહી છે. રસપ્રદ બાબત એ પણ છે કે, નલિયાના 62 વર્ષના ન્યૂનતમ તાપમાનના ઇતિહાસમાં 2023 એકલું 40 ટકા ફાળો નોંધાવી ચૂક્યું છે. બીજી તરફ ઠંડી માટે ભલે નલિયા પહેલું નામ મોઢે આવતું હોય, પણ આંકડા જણાવે છે કે, જાન્યુઆરી મહિનામાં છેલ્લા ૬૨ વર્ષમાં નલિયા કરતા ભુજનું સરેરાશ ન્યૂનતમ તાપમાન 0.5 ડિગ્રી નીચું નોંધાયું છે. હવામાન વિભાગમાંથી મળતી આધિકારિક માહિતી અનુસાર અત્યાર સુધીના નલિયાના જાન્યુઆરી મહિનાના સૌથી ન્યૂનતમ તાપમાનમાં રેકોર્ડ અનુસાર ૨૧-૧-૧૯૬૨ના ૧.૨ ડિગ્રી, ૧૫-૧-૨૦૨૩ના ૧.૪ ડિગ્રી, ૧૨-૧-૧૯૬૭ના ૧.૬ ડિગ્રી, ૧૬-૦૧-૨૦૨૩ના ૨.૦ ડિગ્રી, ૧૭-૧-૨૦૨૩ના ૨.૪ ડિગ્રી, ૨૯-૧-૧૯૭૭ના ૨.૫ ડિગ્રી, ૨૬-૧-૨૦૨૩ના ૨.૬ ડિગ્રી, ૧૦-૧-૨૦૧૧માં ૨.૭ ડિગ્રી, ૨૬-૧-૨૦૨૧ના ૨.૮ ડિગ્રી, ૦૧-૦૧-૨૦૦૮ના રોજ ૨.૯ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જાન્યુઆરી 1977માં ભુજમાં 0.2 ડિગ્રી પારો ગગડ્યો હતો
સામાન્ય રીતે ઠંડીનો પર્યાય નલિયા બની ચૂક્યું છે, પણ જિલ્લાનું વડું મથક ભુજ પણ તાપમાનમાં પાછું પડે એમ નથી. જાન્યુઆરીના શિયાળાનું વિશ્લેષણ કહે છે કે,૨૮-૧-૧૯૭૭ના ભુજમાં રેકોર્ડ બ્રેક -૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે ૪-૧-૧૯૮૬ના ૧.૧ ડિગ્રી, ૧૨-૦૧-૧૯૮૯ના ૧.૪ ડિગ્રી, ૫-૧-૧૯૮૬ના ૧.૫ ડિગ્રી, ૧-૧-૧૯૯૧ના ૧.૮ ડિગ્રી, ૧૦-૧-૧૯૮૯ના ૧.૯ ડિગ્રી, ૩-૧-૧૯૯૧ના ૨.૧ ડિગ્રી, ૨૨-૧-૧૯૭૩ના ૨.૪ ડિગ્રી, ૧૨-૧-૧૯૯૭ના ૨.૫ ડિગ્રી, ૧૨-૧-૧૯૯૨ના ૨.૬ ડિગ્રી નોંધાયું હતું.