ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યાં હતાં, જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે હાલ બાળક બેબીકેર હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર છે. બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસનાં તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ
આ અંગે મેડિકલ ઓફિસર ડૉ.સ્મૃતિ મહેતાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી બાળક દાખલ છે. પ્રથમ દિવસે જ્યારે બાળક દાખલ થયું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલમાં બાળક ICUમાં વૅન્ટિલેટર પર મશીન પર છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ જ છે. એક્સ-રેમાં બાળકને ન્યુમોનિયા આવે જ છે. શંકાસ્પદ કેસ જણાતાં સેમ્પલ ગાંધીનગર-અમદાવાદ મોકલાયાં
ત્રણ દિવસ પહેલાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા, જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતાં તેને ન્યુમોનિયાની અસર દેખાતાં ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યાં હતાં, જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, એમાં HMPV વાઇરસ આવ્યો હતો. એની જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ પહોંચી સેમ્પલ લઈને ગાંધીનગર અને અમદાવાદ મોકલી આપ્યાં હતાં, જેનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 7 વર્ષીય બાળક હાલમાં બેબીકેર હોસ્પિટલમાં છે, જેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, સારવાર ચાલુ છે, એવું હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ઈમ્તિયાઝભાઈ મેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે. અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીનાં સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. દર્દીનાં સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે HMPV પોઝિટિવ આવેલા દર્દીની હાલત હાલ સ્થિર છે. તેમના સેમ્પલને સિવિલ હોસ્પિટલમાં તેમજ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અગાઉ ચાંદખેડામાં પોઝિટિવ આવેલા બે મહિનાના બાળકનાં સેમ્પલને પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. 4 દિવસ પહેલાં HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું હતું, જોકે હાલ તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતાં સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, જ્યાં રિપોર્ટ કરાવતાં HMPV હોવાનું સામે આવ્યું હતું. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાનાં બે બાળક સંક્રમિત થયાં હતાં. ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. HMPV વાઇરસને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ગાઇડલાઈન બનાવાઈ નથી, પરંતુ અમદાવાદ અને રાજકોટની કેટલીક સ્કૂલોએ જાતે જ અગમચેતીના ભાગરૂપે સ્કૂલ માટે ગાઈડલાઈન બનાવી છે, જેમાં શરદી, ખાંસી કે તાવ જેવાં લક્ષણો હોય તે વિદ્યાર્થીને સ્કૂલે ના આવવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીમાં લક્ષણ જણાય તો તેને ઘરે મોકલી દેવામાં આવે. સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. શાળાઓએ જાતે તકેદારી લેવાનું શરૂ કર્યું
HMPV વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ છે, જેમાં બેંગલુરુ અને ગુજરાતના અમદાવાદમાં કેસ નોંધાયા હતા. નાનાં બાળકોને વધુ અસર થઈ રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને પણ આ ચેપ લાગી શકે છે, જોકે શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલીક સ્કૂલોએ તકેદારીના ભાગરૂપે પોતાની સ્કૂલ માટે જાતે જ ગાઈડલાઇન બનાવી છે, જેનું સ્કૂલ દ્વારા પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. શરદી-ખાંસીનાં લક્ષણો હોય તો બાળકને ઘરે જ રાખવા સૂચના
પશ્ચિમ વિસ્તારની કેટલીક સ્કૂલોમાં સ્કૂલ દ્વારા શરદી, ખાંસી કે તાવને કારણે બાળક ગેરહાજર હોય તો વાલીઓને બાળક જ્યાં સુધી સાજું ના થાય ત્યાં સુધી ઘરે રાખવા જ સૂચના આપવામાં આવી છે. કોઈ બાળકને સ્કૂલમાં શરદી, ખાંસી જેવાં લક્ષણો દેખાય તો તેને અલગ કરીને ઘરે મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવાની ના પાડી છે. આ ઉપરાંત સ્કૂલમાં કોઈ બાળકમાં શરદીનાં લક્ષણો જણાય તો તેને ફરજિયાત માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. શું કહી રહ્યા છે શાળા-સંચાલકો?
મેમનગરમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલનાં પ્રિન્સિપાલ રૂપલ દલાલે જણાવ્યું હતું કે આ વાઇરસથી લોકોમાં ભય ફેલાય નહીં એ જરૂરી છે. આ વાઇરસ બાળકોમાં ના પ્રસરે એ માટે અમે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ધ્યાનમાં રાખીને શરદી, ખાંસી જેવાં લક્ષણ હોય તેવાં બાળકોને ઘરે રહેવા જ સૂચના આપી છે તથા કોઈ બાળકને સ્કૂલમાં લક્ષણો જણાય તો તેને ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીનો અભ્યાસ પર અસર ના પડે એ માટે પણ અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ અને અત્યારે અભ્યાસમાં જે નુકસાન થશે એ રિવિઝન લેક્ચર સ્વરૂપે ફરીથી ભણાવવામાં આવશે. ઉદગમ સ્કૂલના ડાયરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં ત્રણથી ચાર બાળકને શરદી, ખાંસી જેવાં સામાન્ય લક્ષણ હતાં, જે અન્ય બાળકોને ના લાગે એ માટે તે બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કોઈપણ બાળકને આ પ્રકારનાં લક્ષણો જણાય તો સ્કૂલે ન આવવા માટે સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાં આવ્યા બાદ કોઈ બાળકમાં લક્ષણો જણાય તો તેને અલગ બેસાડીને ઘરે મોકલી દેવામાં આવે છે. રાજકોટની મોદી, ધોળકિયા સહિતની શાળાઓમાં HMPVને લઈને એલર્ટ
ગુજરાતમાં અમદાવાદમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસનો એક કેસ સામે આવ્યા બાદ શાળા-સંચાલકો અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે, કારણ કે આ વાઇરસ બાળકોને સૌથી વધુ અસર કરે છે. એવામાં રાજકોટ શહેરની શાળાઓ પણ એલર્ટ મોડમાં છે. રાજકોટના સૌથી વધુ વિદ્યાર્થીઓ જે શાળામાં ભણે છે એ ધોળકિયા સ્કૂલના જણાવ્યા પ્રમાણે અમારી શાળાના કોઈપણ વિદ્યાર્થીને શરદી કે ઉધરસ હોય તો તેમને બેથી ત્રણ દિવસ ઘરે રહેવા માટે સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોબાઈલ પર મોકલી આપવામાં આવી છે અને એની અમલવારી થાય એ માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓનું આ રીતે ભણતર બગડ્યું હોય તો તેમને શિક્ષકો દ્વારા વધુ સમય આપી અભ્યાસક્રમ પૂર્ણ કરાવવામાં આવે છે. આ સાથે જ મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદીએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે શાળા દ્વારા કોઈ સર્ક્યુલર જાહેર કર્યો નથી, પરંતુ કોઈપણ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને શરદી કે ઉધરસ હોય તો તેમને થોડા દિવસ ઘરે રાખવા માટે વાલીઓને સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ એ સૂચન મૌખિક હોય છે, કારણ કે અમે વિદ્યાર્થીઓમાં ડર ઊભો થાય એવું ઇચ્છતા નથી. વડોદરા પેરેન્ટ એસોસિયેશને બાળકોની હાજરી મરજિયાત કરવા વિનંતી કરી
HMPV રોગના સંક્રમણને ધ્યાનમાં રાખીને વડોદરા પેરેન્ટ એસોસિયેશન દ્વારા નીચે મુજબની માગણી કરતો એક પરિપત્ર મોકલી આપ્યો છેઃ HMPV રોગની ભીતિના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં તાકીદના ભાગ સ્વરૂપે શરદી-ખાંસી જેવાં સામાન્ય લક્ષણો ધરાવતાં બાળકોને શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રાખી બીજાં બાળકોમાં આ પ્રકારનાં લક્ષણો કે રોગ સંક્રમિત ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને તેમની હાજરી મરજિયાત કરવા માટે વડોદરા પેરેન્ટ એસોસિયેશને નમ્ર વિનંતી કરે છે. બાળકો અને વાલીઓમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે એ માટે તમામ શાળા દ્વારા તાકીદનાં પગલાં લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા પણ હુકમ કરવામાં આવે એવી માગણી છે. શિક્ષણથી અલિપ્ત રહેલાં બાળકોને “ઓનલાઈન”ના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે, એવી અમારી માગણી છે.