ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર માટે વર્ષ 2025 અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજાર સળંગ ચોથા દિવસે ઘટાળો થયો છે.પીએસયુ અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. પરિણામે રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસમાં રૂ.11 લાખ કરોડ ગુમાવ્યા છે. દેશની ટોચની આઈટી કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં આકર્ષક પ્રદર્શન નોંધાવતાં આઈટી સેક્ટરનો ગ્રોથ પોઝિટિવ રહેવાની શક્યતાઓ વધી છે. પરિણામે ઈન્ડેક્સ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 20,જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના અને હમાસને 20,જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે ફરી વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ અને બીજી તરફ એચએમપીવી વાઈરસનો હાઉ ફેલાવી મંદીવાળાઓ બજાર પર હાવી થવાના પ્રયાસમાં સફળ રહ્યા બાદ આજે ભારતીય શેર બજારોમાં અસાધારણ વોલેટીલિટી જોવાઈ હતી. ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં આ વાઈરસનું ભારતીય શેરબજારમાં પણ ઓવર રિએક્શન જોવાયું હતું અને સાર્વત્રિક કડાકો નોંધાયો હતો, જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળી રહ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો,રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો. કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર કડાકાની કરન્સી બજારમાં રૂપિયા પર પણ દબાણ વધ્યાનું હતું. બજારની ભાવી દિશા….મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી વૃદ્ધિ દર 6.4% રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2%ના દરે વૃદ્ધિ પામી હતી. 07 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો અંદાજ જાહેર કરતાં કહ્યું કે, વાસ્તવિક જીડીપી આ નાણાકીય વર્ષમાં 6.4%ના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2% રહેવાની વાત કહેવામાં આવી હતી.ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બૅન્કના અંદાજ કરતાં ઓછો છે. આરબીઆઈ એ નાણાકીય વર્ષ 2024-25 માં જીડીપી 6.6%ના દરે વધવાનો અંદાજ લગાવ્યો છે. જો આપણે પહેલા ત્રિમાસિકની વાત કરીએ તો દેશનો વિકાસ દર 6.7% હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં આ વૃદ્ધિ ઘટીને 5.4% રહ્યો હતો. જેની કોઈને પણ અપેક્ષા નહોતી. ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વધવાની ધારણા હોવા છતાં, તે મૂળ અંદાજ કરતાં નબળો રહેવાની ધારણા છે.આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માં 6.6%ના દરે જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ ઉપરાંત ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈની પોલિસી બેઠક પણ યોજાવાની છે. તેના અંદાજ પર પણ બધાની નજર રહેશે. છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ 2025માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
( BSE CODE – 532477 )
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 11 નવેમ્બર 1919ના રોજ મુંબઈમાં ‘ધ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા લિમિટેડ’ નામ સાથે સ્થાપિત કરવામાં આવી હતી. વર્ષ 1921માં બેંકે તેમની રજિસ્ટર્ડ ઓફિસને મુંબઈ સમાચાર માર્ગ ફોર્ટ મુંબઈમાં સ્થાનાંતરિત કરી જેનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીએ કર્યું હતું. જુલાઈ 19, 1969માં બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને બેંકનું નામ બદલીને ‘યુનિયન બેંક ઓફ ઈન્ડિયા’ કરવામાં આવ્યું. તે ભારતની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક છે. બેંક લિસ્ટેડ એન્ટિટી છે અને બેંકની કુલ શેર મૂડીમાં ભારત સરકાર 83.49% હિસ્સો ધરાવે છે. હોંગકોંગ, DIFC (દુબઈ) અને સિડની (ઓસ્ટ્રેલિયા) ખાતે 3 વિદેશી શાખાઓ સાથે બેંકની આંતરરાષ્ટ્રીય હાજરી છે. બેંક વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી કંપનીઓની ફોર્બ્સ 2000ની યાદીમાં સાત નવા ભારતીય પ્રવેશકર્તાઓમાંની એક હતી. વર્ષ 2002માં બેંકે ઇક્વિટી શેરની તેમની પ્રારંભિક જાહેર ઓફર હાથ ધરી હતી અને ઇક્વિટી શેરો પછીથી BSE અને NSE પર લીસ્ટેડ થયા હતા. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પબ્લિક બેન્ક સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.79,084.15 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.11.87 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.172.45 અને ઘટીને રૂ.103.10 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 74.76% અને પબ્લિકનું હોલ્ડીંગ 25.24% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.90, વર્ષ 2023માં શેરદીઠ રૂ.3.00 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.3.60 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.67,943.95 કરોડની તુલનાએ વધીને રૂ.80,743.34 કરોડ મેળવીને એનપીએમ 10.44% ચોખ્ખો નફો રૂ.5232.10 કરોડની તુલનાએ વધીને રૂ.8433.27 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.12.34 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2024 થી જુન 2024 : ચોખ્ખું વેચાણ રૂ.26,350.10 કરોડથી વધીને રૂ.26,364.39 કરોડ મેળવીને એનપીએમ 13.95% થકી ચોખ્ખો નફો રૂ.3310.55 કરોડની તુલનાએ વધીને રૂ.3678.85 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.4.82 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.26,364.39 કરોડથી વધીને રૂ.26,708.43 કરોડ મેળવીને એનપીએમ 17.67% થકી ચોખ્ખો નફો રૂ.3678.85 કરોડની તુલનાએ વધીને રૂ.4719.74 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.6.18 નોંધાવી છે.
પબ્લિક બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.103 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.90 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.117 થી રૂ 123 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.124 ઉપર તેજી તરફી ધ્યાન. એનએચપીસી લિ.
( BSE CODE – 533098 )
NHPC લિમિટેડ એ ભારત સરકારની મીની-રત્ન કેટેગરી-1 એન્ટરપ્રાઇઝ છે. કંપની દેશમાં હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ ક્ષેત્રે સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે. કંપની એક હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેટ કરતી કંપની છે જે ભારતમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના સંકલિત અને કાર્યક્ષમ નેટવર્કના આયોજન વિકાસ અને અમલીકરણ માટે સમર્પિત છે. NHPC લિમિટેડને 7 નવેમ્બર 1975ના રોજ નેશનલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ નામ હેઠળ ખાનગી લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. કંપનીની સ્થાપના તમામ પાસાઓમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરના સંકલિત અને કાર્યક્ષમ વિકાસને પ્રોત્સાહન આપવા અને આયોજન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. એપ્રિલ 2, 1986માં કંપનીને પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. એનએચપીસી લિ. પાવર જનરેશન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.77,025.33 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.14.34 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.118.45 અને ઘટીને રૂ.68.54 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 67.40% અને પબ્લિકનું હોલ્ડીંગ 32.60% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.1.60, વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.81, વર્ષ 2023માં શેરદીઠ રૂ.1.85 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.1.90 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.8353.80 કરોડની તુલનાએ વધીને રૂ.9316.34 કરોડ મેળવીને એનપીએમ 41.15% થકી ચોખ્ખો નફો રૂ.3537.11 કરોડની તુલનાએ વધીને રૂ.3833.79 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.3.82 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2024 થી જુન 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1651.55 કરોડથી વધીને રૂ.2417.88 કરોડ મેળવીને એનપીએમ 42.33% થકી ચોખ્ખો નફો રૂ.697.76 કરોડની તુલનાએ વધીને રૂ.1023.51 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.02 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.2417.88 કરોડથી વધીને રૂ.2551.21 કરોડ મેળવીને એનપીએમ 35.48% થકી ચોખ્ખો નફો રૂ.1023.51 કરોડની તુલનાએ ઘટીને રૂ.905.25 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.90 નોંધાવી છે.
પાવર જનરેશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.70 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.64 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.88 થી રૂ.94 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.97 ઉપર તેજી તરફી ધ્યાન…!!