નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ખેડૂતો માટે રાત્રિ દરમિયાન ખેતી કરવી મોટો પડકાર બની ગયો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) દ્વારા અમલમાં મૂકાયેલી વીજળી વિતરણ યોજના મુજબ, ખેડૂતોને બે તબક્કામાં વીજ પુરવઠો મળે છે – એક અઠવાડિયે સવારે 5થી બપોરે 1 વાગ્યા સુધી અને બીજા અઠવાડિયે બપોરે 1થી રાત્રે 9 વાગ્યા સુધી. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. નદીઓની કોતરો નજીક હોવાથી દીપડાઓ માટે ખેતરો આશ્રયસ્થાન બની ગયા છે. વળી, જંગલી ભૂંડના ઝુંડ પણ પાકને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ રાત્રે પિયત માટે જૂથમાં જવું પડે છે અને સુરક્ષા માટે લાકડી કે અન્ય હથિયારો સાથે રાખવા પડે છે. સરકારની કિસાન સૂર્યોદય યોજના હોવા છતાં, પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દિવસે વીજળી ન મળવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ઘણી વખત સહાય ન મળવાથી ખેડૂત રાત્રે ખેતરે જઈ શકતો નથી, જેના કારણે પિયતમાં અનિયમિતતા સર્જાય છે અને પાકને નુકસાન થાય છે. આ સમસ્યાના નિવારણ માટે ખેડૂતોએ દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાની માંગ કરી છે. નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓના ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરીને સરકારમાં પોતાની વ્યથા પહોંચાડી છે, તેમ છતાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્ય ન ઉગતા ખેડૂતોમાં રોષ છે. જોકે યોજના હેઠળ નવસારીના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન ખેડૂતોને વીજ પુરવઠો મળે છે. ત્યારે ખેડુતો સાથે અન્યાય કેમ..? નો પ્રશ્ન ખેડૂતોના માનસમાં ઉઠી રહ્યો છે. ત્યારે જેટકો દ્વારાનવસારીના પૂર્વ પટ્ટીના સીંગોદ, બુટલાવ, રાનકુવા, ટાંકલ જેવા ઘણા ફિડર ઉપર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી થઈ ન હોવાનું સ્વીકાર્યુ હતું. જોકે જેટકો સતત પ્રયત્નશીલ છે અને ચોમાસા પુર્વે પૂર્વના ગામડાઓને દિવસે વીજળી મળતી થાય એવા પ્રયાસોની હૈયાધરપત આપી હતી.એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કરી રહી છે. સાથે જ ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતી અપનાવી વાતાવરણ સામે બાથ ભીડી શકે એની તૈયારી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને સમયે વીજળી ન મળતા પડતી મુશ્કેલીનો નિવેડો લાવવામાં થતો વિલંબ સરકારી સપનાને ઝાંખપ લગાવી રહ્યો છે.