મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે તે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાતો કરી હતી. તેઓએ કહ્યું કે, હાથમાં ધોકા લઈ લો, પુરુષોની માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે. મારી બહેનોએ હાથમાં ધોકા લઈને જવાનું છે
આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં સામાજિક મુદ્દાઓ અંગે મહિલાઓ સાથે ચર્ચા કરતાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, સોસાયટીની નીચે બેઠા-બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે છે ને ગપાટા મારે છે. જો તેને અટકાવવા હોય ને સોસાયટી ને ઘરમાં સ્વચ્છતા જાળવવી હોય તો તેના માટે ફક્ત એક જ કામ કરવાનું છે. મારી બહેનોએ હાથમાં ધોકા લઈને નીચે જવાનું છે. જો તમે હાથમાં ધોકા લઈ લેશો તો ભલભલાની માવા ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે. આનાથી સોસાયટીમાં માવા થૂંકવાથી થતી ગંદકી અટકશે, બીમારીઓ ફેલાતી ઘટશે ને સાથોસાથ પુરુષોની મોડા સુધી બેસવાની આદત છૂટતા ઘરે પણ વહેલા આવતા થઈ જશે. કોઈ સમાજની દીકરીને ફસાવી લે તો ટીકા ન કરો, મદદ કરો
વધુમાં તેઓએ જણાવ્યું કે, કેટલાક યુવકો જાણી જોઈને પોતાનું નામ છુપાવી રાખે છે. કોઈ યોજના સ્વરૂપે પોતાનું નામ બદલી દીકરીને પ્રેમજાળમાં ફસાવીને એ દીકરીનું જિંદગી નર્ક બનાવવાની કોશિશ કરે છે. એ વખતે દીકરીના પરિવારની ટીકા ન કરતા પહેલા દીકરીના સહયોગમાં ઉભા રહેવાની જરૂર છે. જો કોઈ લબરમુછીયો, ટપોરી સમાજની દીકરીને ફસાવી લે તો સમાજની બધી બહેનોએ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ લાવીને પરિવાર સાથે ઊભો રહીને દીકરીને ન્યાય આપવો જોઈએ. પરિવાર જોડે હું મદદમાં રહીશ
સમાજના વિચારોમાં માત્ર બદલાવ લાવવાનો છે. કોઈ દીકરી સાથે અનિચ્છનીય ઘટના ઘટી તો તે ઘટનાની ચર્ચા કરી-કરીને પરિવારની હિંમત તોડવાને બદલે દીકરીનો હાથ પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ન્યાય આપવાનું કામ કરવું જોઈએ. સમાજમાં કોઈ આપણી દીકરીઓને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી જાય.એમાં આપણે આપણી દીકરીઓની ટીકા કરીએ આવું કઈ રીતે ચાલે. આપણે સંકલ્પ લેવાની જરૂર છે કે, મારા સમાજ, મારા સોસાયટીની દીકરીને જો કોઈ હેરાન કરે દીકરી કે પરિવારની ટીકા એની વાતો બહાર કરવાને બદલે એ પરિવાર જોડે હું મદદમાં રહીશ એટલું કામ બહેનોએ કરવાનું છે. બાળકોમાં મોબાઈલની લતને લઈને પણ નિવેદન આપ્યું
સુરતમાં મહિલા સંમેલનમાં હર્ષ સંઘવીનું બાળકોમાં મોબાઇલનું દૂષણ અટકાવવા વાલીઓને ટકોર કરી છે. આજના જમાનામાં તમારા પૌત્ર-પ્રપૌત્રીને તમે કહેતા હશો કે, આખો દિવસ આ મોબાઇલમાં શું જોજો કરો છો? આ તકલીફ મારા ઘરમાં પણ હશે અને તમારા ઘરમાં પણ હશે, આ તમે અનુભવતા હશો. આ બાળકોને હાથ પકડીને તમારા બિલ્ડીંગ નીચે રમતના મેદાનોમાં અડધો કલાક લઈ જશો તો મોબાઇલની આદત જરૂરથી છૂટી જશે. બીજાના ઘરોની વાતોથી બહાર આવીને બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. મહિલાઓને વિનંતી છે કે, તમારે આ દિશા કામ કરવું જોઈએ.