સામાન્ય રીતે ચોર કે રોમિયોને પકડવા માટે પોલીસ હાથમાં ડંડો લઈને ફરતી હોય છે, પરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં ડંડો નહીં, પરંતુ પિપૂડા લઈને ફરી રહી છે. ઉત્તરાયણ પર્વને લઈને સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ-લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં, પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપૂડી લઈને પોલીસ ફરી રહી છે. આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. પતંગ બજારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતિલાલાઓ પતંગ-દોરાની ખરીદીમાં લાગી ગયા છે. શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ-દોરાની ખરીદીમાં લોકો ભીડ જામી છે. આગામી 11, 12 અને 13 તારીખે પતંગ-દોરીની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એ હદે વધશે કે પગ મૂકવાની પણ જગ્યા નહિ રહે. ત્યારે આવી ભીડનો ફાયદો ખિસ્સાકાતરું ઉઠાવી મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે. ત્યારે આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે. પતંગ બજાર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સી ટીમ એન્ટ્રી અને એક્ઝિટ પર તૈનાત
પોલીસ આ 3 દિવસ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર બંદોબસ્ત રાખશે. સાથે જ ડ્રોન કેમેરાની મદદથી સતત વોચ રાખવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકના વેશમાં પોલીસકર્મીઓ સતત બજારમાં ફરતા રહેશે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરવામાં આવશે. સાથે બજારમાં આવેલી ઊંચી ઈમારતો પરથી પોલીસ દૂરબીનની મદદથી પણ ચાંપતી નજર રાખી રહી છે, જેથી દરેક હિલચાલ પર નજર રહે. કોઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરે તો તેને તુરંત ઊંચી ઈમારતો પર તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓ દૂરબીન અને વોકીટોકીની મદદથી માહિતી આપશે, જેથી ચોર તુરંત પકડાઈ જાય. ઊંચી બિલ્ડિંગ પરથી દૂરબીનથી પણ ચાંપતી નજર
લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનના ડબગરવાડ વિસ્તારમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે. આ સમય દરમિયાન મોબાઈલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બજારના બંને બાજુ બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે. આ સિવાય ધાબા પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે, જ્યાંથી દૂરબીનથી શંકાસ્પદ મૂવમેન્ટ પર પણ નજર રાખી રહી છે. પોલીસનું બજારમાં સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ
સાથે તેઓએ જણાવ્યું હતું કે, વોકીટોકીની મદદથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. આ સિવાય ડી સ્ટાફના પોલીસ કર્મીઓ ખાનગી કપડામાં અલગ-અલગ વેશમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને સી ટીમ એન્ટ્રી અને એક્ઝિટ પર તૈનાત છે. મહિલાઓને, પરિવાર સાથે શોપિંગ કરવા આવતા લોકોને તેમના પર્સ અને કિંમતી ઘરેણા સાચવવા તથા કોઈ છેડતીના બનાવ ન બને તે બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.