ભાસ્કર ન્યૂઝ | બર્લિન-ન્યૂયોર્ક
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખુલ્લેઆમ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપનાર અમેરિકી ટેક અબજોપતિ એલોન મસ્કે હવે યુરોપના રાજકાણમાં ઝંપલાવ્યું છે. જર્મનીમાં લગભગ દોઢ મહિના પછી 23 ફેબ્રુઆરીએ યોજનાર રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં મસ્કે જર્મનીમાં જમણેરી પાંખ અલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી)ના ચાન્સેલર ઉમેદવાર એલિસ વીડેલ સાથે એક લાઈવ-સ્ટ્રીમ વાતચીત કરી હતી. લગભગ 74 મિનિટના ઇન્ટરવ્યૂ દરમિયાન મસ્કે એએફડી પ્રત્યે પોતાનું સમર્થન દોહરાવ્યું હતું. તેમણે જર્મનોને ચૂંટણીમાં એએફડીને મત આપવા અપીલ કરી હતી. એએફડી એક ઇમિગ્રન્ટવિરોધી અને ઇસ્લામવિરોધી પાર્ટી છે અને જર્મન સુરક્ષા સેવાઓ દ્વારા તેને જમણેરી-ચરમપંથી તરીકે વર્ણવવામાં આવી છે, જેના લીધે બર્લિનમાં ઊહાપોહ મચી ગયો છે. મસ્કે પૂર્વ ચાન્સેલર સ્કોલ્ઝને મૂર્ખ ગણાવ્યા હતા
એલિસ અને મસ્કની વાતચીતમાં ઊર્જા નીતિ, જર્મન અમલદારશાહી, એડોલ્ફ હિટલર, મંગળ ગ્રહ અને જનજીવન જેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી. એલિસે કહ્યું તેમની પાર્ટી રૂઢિવાદી અને સ્વતંત્રતાવાદી છે, પરંતુ મીડિયા દ્વારા તેને નકારાત્મક રીતે ચરમપંથી તરીકે રજૂ કરવામાં આવી રહી છે. એલિસે જાહેર કર્યું કે હિટલર ખરેખર સામ્યવાદી હતો, નાઝી નેતાના નોંધપાત્ર સામ્યવાદ વિરોધી વિચારો હોવા છતાં તેમણે સોવિયેત યુનિયન પર આક્રમણ કર્યું હતું. એલિસે કહ્યું કે તે રૂઢિચુસ્ત નથી. તે ઉદારવાદી નહોતા. તે સામ્યવાદી, સમાજવાદી વ્યક્તિ હતી. મસ્કે અગાઉ એએફડીની ટીકાને નકારી કાઢી હતી અને પૂર્વ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મૂર્ખ ગણાવ્યા હતા. બીજી તરફ, સ્કોલ્ઝને ચાન્સેલર પદ પર રહેવાની શક્યતા ઘણી ઓછી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મસ્કના હુમલાથી હું શાંત રહીશ. સરવે: તમામ પાર્ટીઓ બહુમતથી દૂર, બીજા સ્થાને એએફડી
મસ્કે જર્મનીમાં તેમના નોંધપાત્ર રોકાણોનો ઉલ્લેખ કરીને તેમના હસ્તક્ષેપને વાજબી ઠેરવ્યો છે અને કહ્યું છે કે એલિસ જર્મનીને ચલાવવા માટે મહાન ઉમેદવાર છે. બીજી તરફ, ચૂંટણી સરવેની વાત કરીએ તો ગાર્ડિયન સરવે અનુસાર, જર્મનીમાં હાલ કોઈ પક્ષને બહુમત મળ્યો નથી. બહુમતી મળવાની શક્યતા ઓછી લાગે છે. તાજેતરમાં રાજીનામું આપનાર ઓલાફ સ્કોલ્ઝનો પક્ષ ત્રીજા સ્થાને છે. જમણેરી પક્ષ એએફડી 19.3 ટકા મત સાથે બીજા સ્થાને છે.