ઉત્તરાયણના તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખરચી ગામના 8 વર્ષીય બાળકનું પતંગ લૂંટવા જતાં કરુણ મોત નીપજ્યું છે. તેને એક સડસડાટ બેફામ દોડતા ટ્રકે અડફેટે લીધો હતો. જેમાં તેનું શરીર 30 ફૂટ જેટલું રોડ પર ઘસાડાતા માંસ અને લોહીના નિશાનથી લીસોટા પડી ગયા હતા. ચાલક વાહન મૂકીને અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. રસ્તો ઓળંગતી વખતે એક ટ્રકે કચડી માર્યો
શનિવારે બનેલી આ ઘટનામાં જયંતી વસાવાનો પુત્ર ઓમકુમાર પતંગ લૂંટવા માટે અંકલેશ્વર-ઝઘડીયા ધોરીમાર્ગ પર આવ્યો હતો. રસ્તો ઓળંગતી વખતે એક ટ્રકે તેને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ટ્રકચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી
મૃતક બાળકના પિતાએ ઝઘડીયા પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. ઝઘડીયા આસપાસ રોડ પર અકસ્માતો ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા જીઆઈડીસી વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય માર્ગો પર વધતા જતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન વાલીઓને બાળકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.