દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકાના બાલાપર સહિતના સ્થળો પર ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એક હજારથી વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરી તંત્ર દ્વારા મેગા ડીમોલિશન શરૂ કરાયુ છે. આ કામગીરી દરમિયાન દરિયાઇ પેટ્રોલિંગ ઉપરાંત ડ્ોનથી નજર રાખવામાં આવી રહી છે. સુદર્શન સેતુ પર આવાગમન કામચલાઉ બંધ રખાયુ છે. ડીમોલિશન બાદ લગભગ બેથી ત્રણ કિલોમીટર જેટલી વિશાળ જમીન ખૂલ્લી થશે. દરમિયાન ગુજરાત હાઇકોર્ટે બેટ દ્વારકામાં ડીમોલિશન મુદ્દે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. તથા યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો છે. આ અંગે વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ થશે.
બાલાપર વિસ્તારમાં ગૌચરની જમીન પર ખડકાયેલા અંદાજે 60 જેટલા કાચા-પાકા બાંધકામો તંત્ર દ્વારા બપોર સુધીમાં દૂર કરાયા હતા. તથા દોઢ કિમીમાં 6.72 કરોડની જમીન ખુલ્લી કરાઈ હતી. બેટ-દ્રારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. શ્રીકૃષ્ણની ભૂમિ પર કોઇપણ ગેરકાયદે દબાણ નહીં થવા દઇએ. આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. -હર્ષ સંઘવી રૂ.70 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાવાઇ : SDM
વિકાસના પ્રોજેકટને અનુલક્ષીને નગરપાલિકાએ 250 દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી. જેના અનુસંધાને દ્વારકા લાઇટહાઉસ પાસે અંદાજે 150 ચોરસ ફૂટ સરકારી જમીન ખાલી કરવાઇ છે. જેની કિંમત અંદાજે રૂ.1.50 કરોડ છે. દ્વારકા મુખ્ય માર્ગ પર 500 ચોરસ ફૂટ જમીન પર થયેલા બાંધકામ દૂર કરાયા હતાં. -અમોલ આવટે, એસડીએમ, દ્વારકા દબાણ હટાવી ટ્રાફિકની સમસ્યા હલ કરાશે અને ટુરીઝમ માટે જગ્યા અપાશે, યાત્રીઓ માટે વિશ્રામગૃહ જેવી સુવિધા મળશે બેટ દ્વારકાના 24માંથી 20 કિ.મી.માં દબાણ હતું : હિન્દુ વસતી 1500 અને લઘુમતી 9500 ભાસ્કર ન્યૂઝ | જામનગર
રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર બેટ દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડીમોલિશન અંગે ચોંકાવનારી બાબતો બહાર આવી છે. પ્રથમ તો આટલું મોટું ગેરકાયદે બાંધકામ થઈ ગયું છતાં તંત્ર આરામ ફરમાવતું રહ્યું. બેટ દ્વારકામાં હાલ એંકદરે કુલ 10500ની વસતીમાં હિન્દુઓ 1500 અને લઘુમતી સમાજની 9500ની જનસંખ્યા ગણવામાં આવે છે. 24 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલા બેટ દ્વારકામાં 2006 પછી દબાણોની શરૂઆત થયાનું મનાઇ રહ્યું છે. અહીં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા થતાંની સાથે જ મતની લહાયમાં દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવ્યા. ગેરકાયદે દબાણોને રાજકીય મતોના કારણે લાઈટના મીટરો, પાણીની લાઈનો વગેરે મળી ગયું. ખરેખર જોવા જઈએ તો બેટ દ્વારકામાં ફક્ત 20 ટકા જ જગ્યા કાયદેસરની છે. જેમાં 10 ટકા દસ્તાવેજવાળી તેમજ 10 ટકા મંદિરની અન્ય સરકારી ખરાબો અને ગૌચરની જગ્યાઓ છે. એટલે કે 80 ટકા જગ્યાઓ સરકારી ખરાબો અને ગૌચરની છે.
બેટ દ્વારકામાં જ્યારે પુલ નહોતો બન્યો ત્યારે લોકોને બહુ રસ ન હતો. તેમજ અહીંથી હિજરતની શરૂઆત પણ થઈ ચૂકી હતી. પરંતુ સુદર્શન બ્રિજે આ ટાપુની શકલ ફેરવી નાખી જ્યાં દરરોજ 5થી 7 હજાર લોકો આવતા ત્યાં 1થી દોઢ લાખ લોકો આવતા થઈ ગયા. જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા. આ બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું. કારણ કે, રોડ-રસ્તા વગર આ ટાપુ ઉપર વિકાસ શક્ય નથી. જેના માટે દબાણો દૂર કરવા ખૂબજ જરૂરી બન્યા હતા. બેટ દ્વારકાના બાલાપર, નંદઘર, સોઢાપાડો, પાંચીયો, પાંચ પાડા વગેરે વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં દબાણો ખડકાયા છે. જે હવે તંત્રએ દૂર કરવાની કવાયત હાથ ધરી છે. આ દબાણો દૂર થવાની સાથે જ બેટ દ્વારકાની શકલ ફરી જશે તેમજ વિકાસના દ્વાર ખૂલી જશે તે નિશ્ચિત છે.
દબાણો દૂર થયા બાદ બેટ દ્વારકામાં શું બનશે?
હાલ બેટ દ્વારકામાં અંદર ફરવા માટે રિક્ષા સિવાય કોઈ વિકલ્પ નથી. યાત્રાળુઓએ તેમના વાહન પાર્કિંગમાં રાખી રિક્ષા મારફતે મંદિરે દર્શને જવું પડે છે. અહીં ટ્રાફિકની ભયંકર સમસ્યા છે. દબાણ દૂર થયા બાદ બેટ દ્વારકામાં સૌપ્રથમ તો તંત્ર દ્વારા રસ્તા તેમજ બાગ-બગીચા વગેરેની અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત અમૂક જમીન ટુરીઝમ વિભાગને આપવાની પણ દરખાસ્ત છે. જેના પર તેઓ નિર્માણ કરી લોકોની સુખાકારી માટે વિશ્રામ ગૃહ કે અન્ય સુવિધાઓ ઉભી કરી શકે.
દબાણોના કારણે બેટ દ્વારકામાં યાત્રાળુઓની પાંખી સંખ્યા હતી
બેટ દ્વારકામાં એક તો બોટ મારફતે પહોંચવું તે મોટાભાગે લોકોને જોખમકારી લાગતું હતું. તેમજ વયોવૃદ્ધ લોકો તો મહામહેનતે ફક્ત એકવાર દર્શને આવતા, બીજી વાર તેઓ નામ ન લેતા. આ ઉપરાંત દબાણોના કારણે સાંકળી ગલીઓ તેમજ અસુવિધાઓના કારણે અહીં કોઈ વ્યવસ્થા ન હતી. અહીં રાત્રિ રોકાણની પણ કોઈ વ્યવસ્થા ન હતી. દબાણો દૂર થયે હવે વ્યવસ્થાઓની દોટ લાગશે. આ બધુ શક્ય બન્યું છે એકમાત્ર સુદર્શન બ્રિજના કારણે.