‘નબળો ધણી બૈરી પર શૂરો’ કહેવત રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. રાજકોટ તાલુકાના વાવડી ગામે ઉદ્યોગકારોને ફાળવેલી સરકારી જમીન ખુલ્લી કરાવવા તંત્રે ગરીબોના કાચા મકાનો પર બુલડોઝર ફેરવી દીધા હતા જ્યારે કોઠારિયા રોડ પર લોઠડા ગામ પાસે સરકારી જમીનમાં ગેરકાયદે ખડકાયેલા 125થી વધુ કોમર્સિયલ બાંધકામો દૂર કરવા માટે તાલુકા મામલતદાર તંત્રે પાંચ વર્ષમાં બે વખત 202 મુજબની નોટિસ આપ્યા બાદ શંકાસ્પદ રીતે ડિમોલિશનની કામગીરી અટકાવી દીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જો કે, સવાલ એ ઊઠે છે કે, ગરીબોના માથા પરથી છત છીનવવામાં એક પળનો વિચાર ન કરતા રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના ઉચ્ચ અધિકારીઓ વાવડીમાં ડિમોલિશન અટકાવવા માટે ક્યાં રાજકીય આકાઓના આદેશ અનુસરી રહ્યા છે? આ બાબતે તપાસ થાય તો અનેક ચોંકાવનારી હકીકત બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. રાજકોટની ભાગોળે કોઠારિયા રોડથી શાપર જતા માર્ગ પર આવેલા લોઠડા ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા દશેક વર્ષમાં ઔદ્યોગિક વિકાસ સારો થતા સરવે નં.116માં હાલ 125થી વધુ કોમર્સિયલ બાંધકામો ખડકાઇ ગયા છે. ભૂતકાળમાં રાજકોટ તાલુકા મામલતદાર તંત્ર દ્વારા પંચાયત અને મહેસૂલી તલાટીઓને સાથે રાખીને બે વખત સરવે કરી દબાણો દૂર કરવા માટે નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ શંકાસ્પદ રીતે આ કામગીરીને બ્રેક લાગી જતી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી પ્રમાણિક અધિકારીની છાપ ધરાવે છે અને તેમણે વહીવટી તંત્રમાં પણ મહદંશે લેતી-દેતીના વ્યવહારો પર બ્રેક મારી દીધાની ચર્ચા છે ત્યારે લોઠડાના કોમર્સિયલ દબાણો દૂર કરવામાં કોણ ભૂમિકા ભજવી રહ્યું છે તે તપાસનો વિષય હોવાનો સવાલ ઉઠ્યો છે. બે વાર સરવે થયા પણ રાજકીય દબાણથી દબાણ અડીખમ પ્રાંત અધિકારી તરીકે ચરણસિંહ ગોહિલ હતા ત્યારે એક વખત સરવે થયો હતો અને તમામ દબાણકારોને નોટિસ આપ્યા બાદ ડિમોલિશનની કામગીરી થઇ ન હતી. ત્યારબાદ વધુ એક વખત દબાણ અંગે તલાટી મંત્રીને સાથે રાખીને સરવે કરાયો હતો, પરંતુ દબાણ દૂર કરવાની તૈયારી થાય તે પહેલાં તો રાજકીય દબાણ આવી જતા બીજી વખત પણ ડિમોલિશનની કામગીરી અટકાવી દેવાઈ હતી. કહેવાય છે કે, તંત્ર ડિમોલિશન શરૂ કરે તે પૂર્વે જ રાજકીય ગ્રહણ લાગી ગયું હતું. ચૂંટણીના કારણે ઓપરેશન અટકાવવા સૂચના અપાઈ હતી રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, લોઠડામાં કોમર્સિયલ દબાણો દૂર કરવા ગત વર્ષે સરવે કરાયો હતો, પરંતુ ચૂંટણી આવી જતા ઉચ્ચ અધિકારીએ ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી અટકાવવા સૂચના આપી હતી. ત્યારબાદ ચોમાસું આવી જતા કામગીરી કરી ન હતી. દરમિયાનમાં અમુક દબાણકારો કોર્ટમાં ચાલ્યા ગયા છે. જોકે હજુ સુધી અદાલતે સ્ટે આપ્યો નથી. તેથી તંત્ર ધારે તો દબાણ દૂર કરવા કાર્યવાહી કરી શકે, પરંતુ ઉચ્ચ અધિકારીઓની નીતિમાં ખોટ લાગી રહી છે.