વેરાવળના સુત્રાપાડા બંદર પર માછીમાર સમુદાય માટે નિર્માણાધીન 400 કરોડની ફિશ હાર્બર જેટીના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણી ખીમાભાઈ વાજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જેટીના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા ટેટ્રાપોડમાં નિર્ધારિત ધારાધોરણ મુજબનું લોખંડ વપરાતું નથી અને બ્લોક્સમાં યોગ્ય સ્ટીલ મટીરિયલનો અભાવ છે. વધુમાં, ટેટ્રાપોડ અને બ્લોક્સના નિર્માણમાં મીઠા પાણીને બદલે ખારા પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. કંપની CRZ વિસ્તારનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહી છે. વધુ એક ગંભીર બાબત એ છે કે, જેટી નિર્માણ માટેના બ્લેક ટ્રેપના મહાકાય પથ્થરોનું જોખમી રીતે ઓવરલોડ પરિવહન થઈ રહ્યું છે. નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા બેફામ રીતે ઓવરલોડ ડમ્પરો ફેરવવામાં આવી રહ્યા છે, જેમાં રોયલ્ટી ચોરીનો પણ આરોપ છે. ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી અને આરટીઓ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના કાર્યપાલક ઈજનેર નિમીશ પંચાલે ફરિયાદની યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.