હીરાપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર આનંદધામ ખાતે આગામી 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ માસની પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક અંતર્ધાન તિથિ નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમમાં સાંજે 5થી 8 દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો થશે. કાર્યક્રમમાં ધ્યાન, ધૂન, ભજન-કીર્તન અને અબજી બાપાની વાતોની પારાયણ યોજાશે. શ્રીજી વિજય સેવા સમિતિના યુવા સભ્યો દ્વારા સત્સંગ ડિબેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને મંદિરના છત્રી સ્થાનને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવશે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિવિધ પ્રકારના થાળ ધરાવવામાં આવશે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ 200 વર્ષ પૂર્વેના સમયનું પુનર્જીવંત દૃશ્ય હશે, જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન (નીલકંઠ વર્ણી)ના લોજ ગામમાં ભિક્ષાટન અને સદાવ્રત ચલાવવાના દિવ્ય દર્શન કરાવવામાં આવશે. સાથે જ ભગવાન પતંગ ચગાવતા હોય તેવા અદભુત દૃશ્યનું પણ નિર્માણ કરવામાં આવશે. પ્રસંગને અનુરૂપ પ્રેમવત્સલદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ પર્વનો મહિમા સમજાવશે. કાર્યક્રમના સમાપનમાં રાત્રે 8 વાગ્યે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.