ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા હેઠળ ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડા જિલ્લામાંથી 1200થી વધુ પૂર્વ સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પૂર્વ સૈનિકોને આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની નવી ESM યોજનાઓની માહિતી આપવામાં આવી. પેન્શન અને સ્પર્શ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે PCDA (પેન્શન)ના પ્રતિનિધિઓ અને જિલ્લા સૈનિક બોર્ડના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. મેજર જનરલ ગૌરવ બગ્ગાએ નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાની સેનાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બ્રિગેડિયર રજત કુમાર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આર્મી મેડિકલ કોર્પ્સ, ફાઇન ફેધર્સ અને એપોલો હોસ્પિટલના ડૉક્ટરોએ નિવૃત્ત સૈનિકોને તબીબી સેવાઓ પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.