‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ એક્ટર ગુરચરણ સિંહ ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. થોડા દિવસો પહેલા, ગુરુચરણ અચાનક ગુમ થઈ ગયા હતા, પછી પોતે પાછા ફર્યા હતા. હવે તેઓ હોસ્પિટલમાં એડમિટ છે અને તેમણે ખાવા-પીવાનું બંધ કરી દીધું છે, જેના કારણે તેમની તબિયત નાજુક છે. થોડા સમય પહેલા ગુરુચરણે કહ્યું હતું કે ‘તારક મહેતા શો’ના મેકર્સે તેમની ચૂકવણી અટકાવી છે, જેના કારણે તેમણે શો છોડી દીધો હતો. હવે આ અંગે શોના મેકર્સ અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. અસિત મોદીના કહેવા પ્રમાણે, ગુરુચરણે અંગત કારણોસર શો છોડ્યો હતો.. હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે, ગુરુચરણ એક સારા વ્યક્તિ છે, હું તેમની સાથે ઈમોશનલ રીતે જોડાયેલ છું. મારી પત્ની અને બાળકો તેને પસંદ કરે છે અને પ્રશંસા કરે છે. તેમની સાથે કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે, હું ફક્ત પ્રાર્થના કરું છું કે તે આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવે. ગુરચરણ સિંહે શો છોડવા પર આસિત મોદીએ કહ્યું કે, તેઓ પોતે જ શો છોડી ગયા હતા. આ તેનો પોતાનો નિર્ણય હતો, અમે તેને ક્યારેય શો છોડવાનું કહ્યું નથી. હવે તેને પણ લાગી રહ્યું છે કે તેણે આ શો ખોટો છોડ્યો અને તેને આ શો પસંદ છે. વધુમાં કહ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 16 વર્ષ થઈ ગયા છે. ઘણા લોકો પાસે શો છોડવાના પોતાના કારણો હતા અને અમે એ પણ અપેક્ષા રાખી શકતા નથી કે કોઈ એક્ટર કાયમ માટે શોનો ભાગ બને. પરંતુ આજે પણ ઘણા કલાકારો આ શોનો હિસ્સો છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. એક્ટર ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે, ખાવાનું પણ બંધ કરી દીધું છે
ગુરુચરણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે તેની નજીકની મિત્ર ભક્તિએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે ગુરુચરણ ગુમ થયો ત્યારે તેનો પરત ફરવાનો કોઈ ઈરાદો નહોતો. તે ફક્ત તેના માતાપિતા માટે પાછો આવ્યો. પરંતુ હવે તે વારંવાર કહે છે કે તેને આ દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. તે કહે, મારે દુનિયા છોડીને જતું રહેવું છે. ‘ઘરે પરત ફર્યા બાદ તેણે ખાવા-પીવાનું સાવ બંધ કરી દીધું હતું. શરૂઆતમાં તે માત્ર લિક્વિડ ડાયટ પર હતો, પરંતુ હવે તે પાણી પણ પીતો નથી. તેણે છેલ્લા 19 દિવસથી પાણીની એક ઘૂંટ પણ પીધી નથી. જેના કારણે તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એક્ટરે શોમાં પાછા ફરવાની વાત પણ કરી હતી
ગુરુચરણે વર્ષ 2020માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ છોડી દીધો હતો. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે એક્ટર પર ભારે દેવું છે, જેના કારણે તેમણે અસિત મોદી સાથે શોમાં પાછા ફરવાની વાત કરી હતી. અચાનક ગુમ થયા હતા અને 26 દિવસ પછી ઘરે પાછા ફર્યા
આ પહેલા ગુરૂચરણ સિંહ તેના ગુમ થવાના સમાચાર આવતા જ ચર્ચામાં આવ્યા હતા. 22 એપ્રિલ 2024ના રોજ તેઓ તેમના દિલ્હીના ઘરેથી મુંબઈ જવા રવાના થયા હતા. તેનો મિત્ર તેને મુંબઈ એરપોર્ટ પર લેવા આવ્યો હતો, પરંતુ તે ત્યાં પહોંચ્યો નહીં. તેનો નંબર પણ બંધ હતો, જ્યારે તેના તરફથી કોઈ સમાચાર મળ્યા ન હતા. ગુરુચરણના પિતા હરગીત સિંહે તેમની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.. લગભગ 3 અઠવાડિયા પછી, ગુરુચરણ પોતે ઘરે પાછા ફર્યા. ગુરુચરણે પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે તે આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યો હતો. 3 અઠવાડિયામાં તેમણે અમૃતસર, લુધિયાણા સહિત ઘણા શહેરોમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી. બાદમાં, તેમના પરિવારની ચિંતામાં, તેઓ ઘરે પાછો ફર્યા.