રાજકોટ મનપા દ્વારા વર્ષ 2008થી લગ્નની નોંધણી શરૂ કરવામાં આવી છે. જેમાં સામાન્ય રીતે દરવર્ષે નોંધણીમાં વધારો થઈ રહ્યો છે. જોકે, ગતવર્ષની તુલનાએ 2024માં ઓછા લગ્નો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 2023માં 7603 લગ્નની નોંધણી થઈ હતી. જેની સામે 2024માં માત્ર 7373 લગ્નો નોંધાયા હતા. એટલે કે, 2023 કરતા 2024માં નોંધણી વધવાને બદલે 230નો ઘટાડો નોંધાયો હતો. હાલ પાર્ટી પ્લોટ અને ડેસ્ટિનેશન વેડિંગનું ચલણ વધ્યું છે. જેના કારણે રાજકોટની હદ બહાર થતા લગ્નો વધતા 2024માં નોંધણી ઘટી છે. 17 વર્ષમાં 85,883 યુગલોએ લગ્નની નોંધણી કરાવી
પ્રાપ્ત વિગત મુજબ હવે લગ્ન કર્યા બાદ તેનું રજિસ્ટ્રેશન કાયદાની દૃષ્ટિએ અનિવાર્ય બન્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પૂરા થયેલા વર્ષ 2024માં 7373 નવયુગલોએ લગ્નની નોંધણી કરાવીને પ્રમાણપત્ર મેળવ્યા છે. છેલ્લા 17 વર્ષમાં રાજકોટમાં કુલ 85,883 યુગલોએ તેમના લગ્નની નોંધણી કરાવી છે. જેમાં વર્ષ 2022માં 7,478, 2023માં 7,603 અને 2024માં 7,373 લગ્નના સર્ટિફિકેટ મનપાએ ઇશ્યૂ કર્યા છે. આરોગ્ય વિભાગમાં ચકાસણી સાથે આ નોંધણી કરવામાં આવે છે. તો અમુક કેસમાં પોલીસ વેરિફિકેશન સુધી તપાસ કરવામાં આવે છે. 2024માં સૌથી વધુ ફેબ્રુઆરી, એપ્રિલ, મે અને જૂનમાં નોંધણી
રાજકોટ મનપા દ્વારા એકંદરે ફોર્મ અને નિયમ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે એટલે લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ એક સપ્તાહમાં મળી જાય છે. જેમાં વર્ષ 2024માં સૌથી વધુ લગ્નો ફેબ્રુઆરીમાં 752, એપ્રિલમાં 777, મેમાં 743 અને જૂનમાં 739 લગ્નની નોંધણી થઈ છે. સામાન્ય રીતે દરવર્ષે એપ્રિલથી મે મહિના સુધી સૌથી વધુ લગ્નો નોંધાતા હોય છે. લગ્નની નોંધણી માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની તેમજ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાની ફરિયાદો પણ લોકોમાં ઉઠતી હોય છે. ડેસ્ટિનેશન વેડિંગનું ચલણ વધ્યું
રાજકોટ મનપા દ્વારા શહેરની હદમાં થતા લગ્નો નોંધાય છે. જોકે, હાલમાં ડેસ્ટિનેશન વેડિંગ અને શહેરની બહાર મસમોટા પાર્ટીપ્લોટમાં લગ્નનું ચલણ વધ્યું છે. આ લગ્નો મનપાની હદમાં આવતા ન હોવાથી તેની નોંધ મનપા દ્વારા કરી શકાતી નથી. જેને લઇને લગ્નોની સંખ્યામાં વધારો થવા છતાં છેલ્લા વર્ષમાં ગતવર્ષની સરખામણીએ નોંધણી ઘટી છે. જોકે, વર્ષ 2008 પછી ઉત્તરોત્તર દરવર્ષ લગ્નની નોંધણી વધતી હતી, પરંતુ 2008 બાદ પ્રથમવાર 2024માં 230 લગ્નો ઓછા નોંધાયા હોવાનું સામે આવ્યું છે. શહેરની હદ બહાર થતાં લગ્નોની નોંધ મનપા નથી કરતું: ડો. જયેશ વાંકાણી
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા રજિસ્ટ્રેશનના હોદ્દાની રૂએ મેરેજ રજિસ્ટ્રેશન વર્ષ 2008થી કરવામાં આવી રહ્યું છે. હાલ વર્ષ 2024ના અંત સુધીમાં 85,883 લગ્નો નોંધાઈ ચૂક્યા છે. સમાન્ય રીતે છેલ્લા ત્રણ વર્ષથી અંદાજે વાર્ષિક 7,500 જેટલા લગ્નોનું રજિસ્ટ્રેશન થાય છે. પરંતુ મનપાની હદ બહાર થતા લગ્નોની નોંધ મનપા દ્વારા કરવામાં આવતી નથી. જેના કારણે ગતવર્ષ 2023 કરતા 2024ની નોંધણીમાં સામાન્ય ઘટાડો થયો છે. આ સિવાય ઘટાડો થવાનું કોઇ કારણ જણાતું નથી. ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતાં ધક્કા અને લાઈનો દૂર થશે
લગ્ન નોંધણી માટે લાંબી લાઈનો અને ધક્કા થતા હોય તેવી ફરિયાદો અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, લગ્ન નોંધણી ખૂબ જ સેન્સેટિવ ડોક્યુમેન્ટ છે. તેથી તેની નોંધણી માટે દસ્તાવેજોની પૂરતી ચકાસણી જરૂરી હોય છે. જન્મ-મરણ અને લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટના આધારે અન્ય મહત્વના ડોક્યુમેન્ટ ભવિષ્યમાં નીકળતા હોય છે, ત્યારે તમામ જોગવાઈને અનુસરીને ચૂસ્તપણે ચકાસણી કર્યા બાદ જ મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. આ અંગેની પૂરતી જાણકારી ન હોવાથી ઘણીવાર લોકોને ધક્કા ખાવા પડતા હોય છે. જોકે, આગામી સમયમાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા હોવાથી ધક્કા અને લાઈનો દૂર થશે. એક સપ્તાહમાં મેરેજ સર્ટી મળી જાય છે
ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા વર્ષ 2008થી લગ્ન માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ધીમે ધીમે લોકોમાં પણ લગ્નની નોંધણી માટે જાગૃતિ વધી છે. જેને લઇને વર્ષ 2008ના 3,612 સામે વર્ષ 2024માં ડબલ કરતા વધુ એટલે કે, 7,373 લગ્નો નોંધાયા છે. જોકે, આ માટે પ્રક્રિયા જટિલ હોવાથી પ્રમાણમાં થોડો સમય વધુ લાગતો હોય છે, પરંતુ તમામ દસ્તાવેજ યોગ્ય હોય તો એક સપ્તાહમાં મેરેજ સર્ટી મળી જાય છે. આ નોંધણી માટે વર-કન્યાની ઉંમર અને બંનેની હયાતીની ખાસ ચકાસણી કરવામાં આવે છે.